આપણે સહુ ટીવી જાહેરખબરોમાં અને અખબાર-સામયિકોમાં પ્રસિદ્ધ થતી જાહેરખબરોમાં ‘કુદરતી તત્વો ધરાવતા’ કોસ્મેટિક્સ, લિપ-ગ્લોસ, બોડી-લોશન, શેમ્પૂ જેવી કોસ્મેટિક પ્રોડક્ટ્સની ભરમાર જોઇએ છીએ. મોટા ભાગની સ્ત્રીઓ આ જાહેરખબરો જોઇ-વાંચીને આવા ઉત્પાદનો ખરીદી લાવે છે. જોકે આમાંથી બહુમતી વર્ગ એ વાતે અજાણ હોય છે કે બજારમાં નેચરલના નામે વેચાતી કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં પણ કેમિકલ્સનું પ્રમાણ હોય જ છે, જે સરવાળે તમારી ત્વચા માટે નુકસાનકારક સાબિત થાય છે. તો આનો ઉપાય શું? તમને જાણીને નવાઇ લાગશે કે આજે પણ કેટલીક કુદરતી ચીજો એવી છે જેને કોઈ પણ પ્રોસેસ કે કેમિકલ ઉર્મેયા વિના વાપરી શકાય છે. જાણી લો આવા જ કેટલાક કોસ્મેટિક વિકલ્પો વિશે જે કુદરતી હોવાની સાથોસાથ નુકસાનકારક પણ નથી.
કોકોનટ ઓઇલ
મધ્યમ પ્રમાણમાં ફેટી એસિડ હોય એવું નારિયેળનું તેલ કોઈ પણ સીઝનમાં ત્વચાને ડ્રાયનેસ અને કરચલીથી મુક્ત તેમ જ હેલ્ધી રાખવા માટે જાણીતું છે. આ તેલ એકલું અથવા તો કોઈ બીજા તેલ અને હર્બના મિશ્રણ સાથે સ્કિન અથવા વાળ માટે વાપરી શકાય છે. આ તેલની ખાસિયત એ છે કે તે સ્કિન કે વાળમાં ઝડપથી ઊંડે સુધી ઊતરી શકે છે. આથી ત્વચા અંદરથી મોઇસ્ચરાઇઝ થાય છે અને વાળ મજબૂત બને છે. એ સિવાય આ તેલ વિટામિન્સ અને એન્ટિ-ઓક્સિડન્ટ્સનો પણ ખૂબ મોટો સોર્સ છે
મેંદી
કૃત્રિમ હેરડાઇ વાળ પર જાદુની જેમ કામ કરે છે તે સાચું, પણ આ ‘જાદુ’ ક્યારેક વાળને કાયમી નુકસાન પણ પહોંચાડે છે. સફેદ વાળને છુપાવવા માટેના આ અકસીર ઉપાયના કેટલાય ગેરફાયદા રિસર્ચરોએ શોધી કાઢ્યા છે જેમાં કેન્સર સુદ્ધાંનો સમાવેશ છે. જોકે બધું જ ટાળવાનો એકમાત્ર ઉપાય છે વાળને મેંદી લગાવીને કાળા કરવા. મેંદીથી વાળ સંપૂર્ણ કાળા થઇ જાય એ તો શક્ય નથી, પણ જો એમાં પોષક તત્વો ઉમેરવામાં આવે તો એ વાળ માટે હેલ્ધી સાબિત થઈ શકે છે. આ માટે મેંદીમાં બીટનો જૂસ, તલનું તેલ, મીઠા લીમડાનાં પાન, દહીં, લીંબુનો રસ, ચાનું પાણી વગેરે ચીજો ઉમેરવાથી વાળમાં રંગ સારો આવશે અને એ શરીરને ઠંડું રાખવાનું કામ પણ કરશે.
હળદર અને ફ્રૂટ્સ
ફેસપેક તરીકે જો પાર્લરમાં ફેશ્યલ કરાવવા માટે જવાનો સમય કે કારણ ન મળતાં હોય તો ઝડપથી અને સસ્તામાં ત્વચાને ચમકીલી બનાવવા માટે હળદર એકદમ અકસીર ઉપાય છે. બજારમાં મળતા ફેસપેકમાં કેમિકલ ઉપરાંત પ્રિઝર્વેટિવ્સ પણ હોય છે. ઉપરાંત એની અસર લાંબો સમય સુધી ન રહે એવું પણ બની શકે છે. જોકે અહીં રસોડામાં ઉપલબ્ધ નાનામાં નાની ચીજોનો સ્કિન પર યોગ્ય ઉપયોગ કરવાથી ફાયદો થઈ શકે છે. જેમ કે, હળદરને થોડાક દહીંમાં મિક્સ કરીને ચહેરા પર લગાવી શકાય. એ ઉપરાંત પાકું પપૈયું, ટમેટું વગેરેનો પલ્પ બનાવીને ચહેરા પર લગાવવાથી ત્વચાના કાળા ડાઘ પણ દૂર થઈ શકે છે.
લસણ અને ચંદન
ખીલની સારવાર માટે એન્ટિ-ઓક્સિડન્ટ્સનું નેચરલ પાવરહાઉસ ગણાતા લસણમાં લોહીને શુદ્ધ કરવાની ક્ષમતા છે અને તેના લીધે ચહેરા પર ગ્લો આવે છે. ખાવા સિવાય લસણને ખીલની સારવાર માટે ચહેરા પર ડાયરેક્ટ પણ લગાવી શકાય છે. ફક્ત લસણની કળી લઈ જ્યાં ખીલ હોય ત્યાં ઘસો. લસણને દહીં સાથે મિક્સ કરીને પણ લગાવી શકો છો. લસણની જેમ જ ઠંડક આપતું ચંદન પણ ખીલનો અકસીર ઉપાય છે. ચંદનના તેલનાં થોડાં ટીપા ગરમ પાણીમાં ઉમેરીને એની વરાળ લઈ શકાય. એ સિવાય ચંદનનો પાઉડર, હળદર અને દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવીને ચહેરા પર ઘસવાથી પણ ખીલમાં રાહત મળશે.
અલોવેરા
એલોવેરાને ડ્રાય સ્કિન માટેનું શ્રેષ્ઠ મોઇસ્ચરાઇઝર ગણાવી શકાય. સૂકી ત્વચા માટે ઉપયોગમાં લેવાતા મોટા ભાગના કૃત્રિમ મોઇસ્ચરાઇઝરમાં પેટ્રોલાટમ નામનું તત્વ હોય છે, જે હાનિકારક કેમિકલમાં પરિવર્તિત થાય છે અને સ્કિનમાં અંદર ઊતરીને નુકસાન કરે છે. આ રિસ્ક લેવા કરતાં કુદરતી એવું કુંવારપાઠું એટલે કે અલોવેરાની જેલ કાઢીને સ્કિન પર લગાવવાથી સ્કિન સોફ્ટ રહે છે અને ડ્રાયનેસ પણ દૂર થાય છે.
અરીઠાં અને શિકાકાઈ
બજારમાં આજે પણ હર્બલ શેમ્પૂમાં અરીઠાં મુખ્ય સામગ્રી હોય છે. અરીઠાંમાંથી નીકળતા ફીણને લીધે એ વાળ પર સાબુ કે શેમ્પૂની જેમ કામ કરીને સ્વચ્છ બનાવે છે. અહીં ‘અરીઠાંના ગુણો ધરાવતું’ શેમ્પૂ વાપરવાને બદલે ડાયરેક્ટ અરીઠાંને જ પલાળીને વાળ ધોવાના ઉપયોગમાં લઈ શકાય. અરીઠાંને જો શિકાકાઈ સાથે વાપરવામાં આવે તો એ વધુ સારી રીતે વાળ પર કામ કરે છે. અરીઠાં અને શિકાકાઈના પાઉડરને હૂંફાળા પાણીમાં મિક્સ કરી પેસ્ટ બનાવીને વાળમાં લગાવી શકાય.
દાડમના દાણા
હોઠ પર રંગત લાવવી છે? અને તે પણ લિપસ્ટિક વગર?! તો દાડમના દાણાનો ઉપયોગ કરો. તડકો, ડીહાઇડ્રેશન, સ્મોકિંગની કુટેવ જેવાં અનેક કારણોને લીધે હોઠ કાળા પડી જાય છે. આ ઉપરાંત રોજ લગાવવામાં આવતી લિપસ્ટિક પણ લાંબા ગાળે હોઠને કાળા બનાવે છે. આ બધી સમસ્યાથી મુક્તિ મેળવવા અને હોઠને નેચરલ ગુલાબી રંગ આપવા માટે દાડમના દાણાને ક્રશ કરીને તમે એને હોઠ પર લગાવી શકો છો. આનાથી હોઠ કુદરતી ગુલાબી બને છે અને લાંબો સમય સુંવાળા પણ રહેશે.