લુસાને (સ્વિત્ઝર્લેન્ડ)ઃ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના વડા તરીકે ઝિમ્બાબ્વેના રમતગમત પ્રધાન ક્રિસ્ટી કોવેન્ટ્રી ચૂંટાયા છે. આ પ્રતિષ્ઠિત પદ માટે સાત સભ્યો રેસમાં હતા અને વોટિંગના અંતે કોવેન્ટ્રી વૈશ્વિક સંસ્થાના વડા ચૂંટાયા હતા. આ સાથે જ તેઓ આઈઓસીના સર્વોચ્ચ પદે ચૂંટાનાર સૌપ્રથમ મહિલા તેમજ આફ્રિકન બન્યા છે. કોવેન્ટ્રી બે વખત સ્વિમિંગમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પણ જીતી ચૂક્યાં છે.
આઈઓસીના સર્વોચ્ચ સ્થાન માટે 97 સભ્યોએ મતદાન કર્યું હતું, જેમાં પ્રથમ રાઉન્ડમાં જ કોવેન્ટ્રીનો વિજય થયો હતો. ક્રિસ્ટી કોવેન્ટ્રીનો કાર્યકાળ આઠ વર્ષનો રહેશે. 23 જૂન 2025ના રોજ તેમને આઈઓસીના વડાનો કાર્યભાર સોંપાશે. આ સાથે જ 2028માં લોસ એન્જલસમાં યોજાનાર ઓલિમ્પિક્સમાં તેમની ભૂમિકા મહત્વની બની રહેશે. તેમજ 2036માં ભારતમાં ઓલિમ્પિકના આયોજનને તેમના કાર્યકાળમાં મંજૂરી મળી શકે છે.
કોવેન્ટ્રી આઈઓસીના વિદાય લઈ રહેલા વડા થોમસ બાકનું સ્થાન લેશે. થોમસ બાકનો કાર્યકાળ મહત્તમ 12 વર્ષનો થયો છે. આ વખતે આઈઓસીના વડાની ચૂંટણી રસપ્રદ રહી હતી અને કોઈ પણ ઉમેદવાર ફેવરિટ નહોતો. મતદાનમાં સ્પષ્ટ બહુમતી માટે સંખ્યાબંધ રાઉન્ડ વોટિંગ થવાનું નિષ્ણાતો માનતા હતા, પરંતુ કોવેન્ટ્રીને બહુમત માટે જરૂરી 49 મત પ્રથમ રાઉન્ડમાં જ મળી ગયા હતાં. ક્રિસ્ટી કોવેન્ટ્રી પોતાના ઉત્તરાધિકારી બને તેવું થોમસ બાક પણ ઈચ્છતા હતા જેથી તેમની પણ આ જીત થઈ છે. બાકે તેમના રાઈટ ટુ વોટના અધિકારનો ઉપયોગ કર્યો નહતો.
કોવેન્ટ્રીએ જીત બાદ જણાવ્યું હતું કે તમે જે નિર્ણય કર્યો છે તે બદલ હું તમને સહુને ગર્વનો અહેસાસ કરાવીશ. જોકે 41 વર્ષીય કોવેન્ટ્રી માટે આઈઓસીના વડા તરીકે સૌથી મોટો પડકાર રમત ક્ષેત્ર અને રાજકીય મોરચે રહેલા પડકારો વચ્ચે ઓલિમ્પિક ચળવળને આગળ ધપાવવાનો રહેશે. સાથે જ 2028 ઓલિમ્પિક રમતોના યજમાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે રાજદ્વારી તાલમેલ જાળવવાનો રહેશે. આ ઉપરાંત 2036ના ઓલિમ્પિકની યજમાની ભારત અને મધ્ય પૂર્વમાંથી કોને સોંપવી તેનો નિર્ણય પણ કોવેન્ટ્રી કરશે.