સુંદર દેખાવા માટે સામાન્ય રીતે મહિલાઓ સ્કીન ક્રીમનો ઉપયોગ કરતી હોય છે. જોકે શરીરના કયા ભાગ પર તે લગાડવામાં આવી રહી છે અને ક્રીમમાં ક્યા તત્ત્વો છે તેની જાણકારી ક્રીમ લગાવતાં પહેલાં મેળવી જરૂરી હોય છે. નિષ્ણાતોનું માનવું છે કે જો તમે આ બધી બાબતોની અવગણના કરી રહ્યા છો તો તમારે ક્રીમની આડઅસરોનો ભોગ બનવાનો વારો આવી શકે છે.
તાજેતરમાં થયેલા એક રિસર્ચ પ્રમાણે દરેક ક્રીમની બજારમાં આવે તે પહેલાં તેની ચકાસણી કરવામાં આવતી હોય છે. તેમાંથી ઘણી ક્રીમ સરકાર દ્વારા માન્ય માપદંડો પર ખરી ઊતરી શકતી નથી.
ક્રીમમાં પારા જેવો પદાર્થ
ક્રીમના વધુ વેચાણ માટે તેમાં પારા જેવો ખતરનાક પદાર્થ ઉમેરવામાં આવે છે. જે દરેક વપરાશકારને માફક આવે તે જરૂરી નથી. જો ક્રીમમાં જરૂર કરતાં વધારે પારો ઉમેરવામાં આવ્યો હોય તો તે લાંબા ગાળે સ્વાસ્થ માટે જોખમી બની જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક રિપોર્ટ અનુસાર સરેરાશ ચારમાંથી ત્રણ મહિલા ડોક્ટરની સલાહ લીધા વગર જ ક્રીમ કે બ્લિચનો ઉપયોગ કરે છે.
બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસનાં જણાવ્યા અનુસાર, મહિલાઓ ચહેરાના નિશાન ઢાંકવા અને સુંદરતા વધારવા માટે ઊજળા બનાવનારી ક્રીમનો ઉપયોગ કરે છે. ક્રીમનો ચામડી પરના ડાઘ મિટાવવા કે તેની સારવાર માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. જેથી ચામડી પર આડઅસર થતાં ક્યારેક ભૂરા રંગની ઝાંય પણ ઉપસી આવે છે.
ગર્ભવતી મહિલાઓને આડઅસર
ગર્ભવતી મહિલાઓએ હંમેશાં ડોક્ટરની સલાહ લીધા પછી જ કોઈ પણ પ્રકારની ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે સ્કીન મારફત તે ગર્ભ સુધી અસર કરી શકે છે અને આવનાર બાળકને પણ તેની માઠી અસર ભોગવવાનો વારો આવી શકે છે.
ફેરનેસ ક્રીમ
સામાન્ય રીતે મહિલાઓ ગોરા બનાવનારી ક્રીમનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરતી દેખાય છે. આ પ્રકારની ક્રીમ આપણા શરીરમાં રહેલા મેલેનિન પર વધુ અસર કરે છે. આપણી ચામડીનો રંગ મેલેનિન પરથી નક્કી થતો હોય છે અને ફેરનેસ ક્રીમ આ મેલેનિનને ઘટાડી દે છે. વાસ્તવમાં આ મેલેનિનને કેટલીક રીતોથી ઘટાડી શકાય છે, જેમ કે કેમિકલ એક્સફોલિએટિંથી ચામડીની ઉપરનું પડ ઊતરી જાય છે. જોકે તે સ્વાસ્થ્ય માટે યોગ્ય છે કે નહીં તે માટે પણ ફેરનેસ ક્રીમ લગાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ક્રીમમાં બે પ્રકારના બ્લીચિંગ એજન્ટ હોય છે હાઇડ્રોક્વિનોન કે કોર્ટિકોસ્ટેરોઇડ્સ એ પણ સ્કીનને નુક્સાન કરે છે કે નહીં તે ત્વચાના નિષ્ણાતની મદદથી જાણવું જોઈએ.
દિવસમાં ક્રીમનો ઉપયોગ
સ્કીન સ્પેશ્યાલિસ્ટના જણાવ્યા અનુસાર ક્રીમમાં હાઇડ્રોક્વિનોન હોય છે જેથી દિવસમાં બે વખત કરતાં વધારે સ્કીન ક્રીમ ના લગાડવી જોઈએ. માત્ર હાથ અને પગ પર જ ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. મોઢા પર એનો ઉપયોગ ડોક્ટરની સલાહ વગર ના કરવો જોઈએ. આઠ કે બાર અઠવાડિયા કરતાં વધારે ક્રીમનો ઉપયોગ ના કરવો જોઈએ. કેટલાક લોકો ક્રીમને આંખો અને મોઢાની આજુબાજુ પણ લગાડે છે જેને કારણે એમને આ ભાગોમાં બળતરા થઈ શકે છે. આ ઉપરાંત કોર્ટિકોસ્ટેરોઇડ્સ વાળી ક્રીમને નાજુક ભાગોમાં લગાડી શકાય છે કારણ કે આ ક્રીમ ખંજવાળ જેવી સમસ્યાની સારવાર માટે વાપરવામાં આવે છે. છતાં તેના વપરાશ પહેલાં ડોક્ટરની સલાહ જરૂરી છે. કારણ કે એ જાણવું જરૂરી હોય છે કે આ ક્રીમમાં કોર્ટિકોસ્ટેરોઇડ્સની સાથે બીજા કયા-કયા પદાર્થો ઉમેરવામાં આવ્યાં છે?
નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા મુજબ બ્લીચિંગ એજન્ટ્સના દુરુઉપયોગથી બળતરા, સોજા, ચામડી ફાટવી જેવી સમસ્યા પણ ઉદ્ભવી શકે છે. ઘણા એવા કિસ્સા પણ સામે આવ્યા છે જેમાં ક્રીમની આડઅસર લાંબા સમય સુધી રહ્યી હોય.