દુનિયાભરમાં મહિલાઓ સુંદર દેખાવા માટે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવતી થઈ ગઈ છે. બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટથી સ્તન આકર્ષક અને સુડોળ જરૂર થાય છે, પરંતુ હવે એ પૂરવાર થયું છે કે આવા ઈમ્પ્લાન્ટથી એક ખૂબ જ ઘાતક પ્રકારનું કેન્સર ફેલાય છે.
અમેરિકામાં બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટથી કેન્સરના ૩૫૦ કેસ નોંધાયા છે. આ કેન્સરથી નવ મહિલાઓના મૃત્યુ થયા છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)નું માનવું છે કે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટને કારણે એક ખૂબ જ દુર્લભ કેન્સર થાય છે. ૨૦૧૧માં થયેલી એક શોધ દરમિયાન આશંકા વ્યક્ત કરાઈ હતી કે ઈમ્પ્લાન્ટ અને એનાપ્લાસ્ટિક લાર્જ સેલ લિફલોમા (એએલસીએલ) વચ્ચે સંબંધ હોઈ શકે છે. પરંતુ એ વખતે તે હેવાલ ઉપર કોઈએ ખાસ ધ્યાન આપ્યું ન હતું.
એએલસીએલ કેન્સરનું જોખમ
એફડીએ કહ્યું છે કે અત્યાર સુધીની જાણકારી મુજબ એ વાતના સંકેત મળે છે કે ઈમ્પ્લાન્ટ કરાવતી મહિલાઓને એએલસીએલ થવાનું જોખમ રહે છે. ઈમ્પ્લાન્ટ નહીં કરાવનારી મહિલાઓમાં એએલસીએલનો વિકાસ થતો જણાયો નહોતો. તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે સર્જરી દરમિયાન સ્તનની અંદર ઈમ્પ્લાન્ટને કારણે ટી સેલ લિમ્ફોમા વિક્સિત થાય છે. આ એક ભાગ્યે જ થતું કેન્સર છે.
ઓસ્ટ્રેલિયામાં પણ એવા ૪૬ કેસો મળી આવ્યા છે, જ્યાં ત્રણ મહિલાઓના મૃત્યુ પણ થયા છે. ફ્રાન્સના નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટે બે વર્ષ પહેલાં ઈમ્પલાન્ટથી થતા કેન્સર થવાની ચેતવણી પણ આપી હતી. ફ્રાન્સમાં પણ તેના ૧૮ કેસો નોંધાયા છે.