ગરમીમાં સ્કિનને પૂરતું પોષણ મળી રહે એ બહુ જરૂરી છે. અમુક ફેસપેક એવા છે જે તમારા ચહેરાને ન્યુટ્રિશન આપવાની સાથે ત્વચાને નિખારવામાં પણ મદદ કરે છે. આજે આપણે બ્યૂટિ એક્સપર્ટ્સે સૂચવેલા એવા ફેસપેકની વાત કરીશું જે આપણે ગરમીના દિવસોમાં ઉપલબ્ધ ફળોની મદદથી બનાવી શકીએ છીએ. આ હોમમેડ ફેસપેકનો નિયમિત ઉપયોગ ત્વચાને પોષણ પૂરું પાડવાની સાથે સાથે તેનો નિખાર વધારશે.
મેંગો ફેસપેક
આ ફેસપેક બનાવવા માટે કાચી કેરીનો ગર કાઢી લો. એમાં ઠંડું દૂધ અથવા તો મલાઈ મિક્સ કરીને મિક્સરમાં પેસ્ટ બનાવી લો. ફેસ વોશ કરીને તેને ચહેરા પર લગાવો. પંદરથી વીસ મિનિટ આ પેક ચહેરા પર લગાવ્યા બાદ સાદા પાણીથી ચહેરો ધોઈ નાંખો. આ પેકનો ઉપયોગ અઠવાડિયામાં એક વખત કરી શકો. એનાથી સૂર્યનાં કિરણોથી ડેડ થયેલી ત્વચા ખીલી ઊઠશે. ડાઘ-ધબ્બા પણ દૂર થશે.
વોટરમેલન ફેસપેક
ગરમીના દિવસોમાં તરબૂચના સેવનથી આપણી બોડીને હાઈડ્રેશન મળે છે. જો તમે આ તરબૂચને ચહેરા ઉપર લગાવશો તો એનાથી ત્વચાનાં રોમછિદ્રોને પણ હાઈડ્રેશનનો લાભ મળશે. તરબૂચના ગરને કાઢીને તેને સારી રીતે મેશ કરી લો. એમાં દહીંને ફેંટી લો પછી ચહેરા પર લગાવો. આશરે 15થી 20 મિનિટ ફેસપેકને ચહેરા પર લગાવી રાખો. પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આ પેક ડલ થઈ ગયેલી સ્કિનને તાજગી પૂરી પાડવાની સાથે સાથે નિખારવાનું કામ પણ કરશે.
લેમન ફેસપેક
લીંબુમાં વિટામિન સી હોય છે, જે ચહેરા પર ડાઘ-ધબ્બા અને કાળાશને દૂર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ગરમીને કારણે ચહેરા પર સન બર્ન જેવી સમસ્યા સર્જાય છે. તે લીંબુ ફેસપેકથી દૂર કરી શકાય છે. લીંબુનો ફેસપેક બનાવવા માટે લીંબુનો રસ કાઢો. એમાં મધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને ચહેરા પર અડધો કલાક લગાવી રાખો. પછી આ પેકને હળવા હાથે સાદા પાણીથી દૂર કરો.આ ફેસપેકનો ઉપયોગ અઠવાડિયામાં એક વખત કરી શકાય.
કીવી ફેસપેક
કીવીને ભલે એગ્ઝોટિક ફળ માનવામાં આવે પરંતુ કીવી આપણી હેલ્થ માટે બહુ સારું છે, એમાં કોઈ બેમત નથી. કીવી હેલ્થની જેમ સ્કિન માટે પણ અસરકારક છે. કીવીનો પેક બનાવવા માટે તેનો જ્યૂસ કાઢી લો. એમાં મધ મિક્સ કરી લો. આ પેકમાં મધ ઉપરાંત તમે બદામ પણ મિક્સ કરી શકો. એ માટે બદામને ક્રશ કરી તેની પેસ્ટ બનાવી લો. હવે કીવી અને મધમાં બદામની પેસ્ટ મિક્સ કરીને ચહેરા પર લગાવો. 20 મિનિટ બાદ હળવા હાથે મસાજ કરી ચહેરાને ધોઈ લો.
કૂકમ્બર ફેસપેક
કાકડીમાં 90 ટકા પાણીનું પ્રમાણ હોય છે. તેથી ઉનાળામાં બોડી ઉપરાંત ત્વચા માટે ઉત્તમ છે. ગરમીમાં તમે તમારા ચહેરાને હાઈડ્રેટ કરવા ઈચ્છો છો તો કાકડીનો ફેસપેક લગાવો. ફેસપેક બનાવવા માટે કાકડીને ક્રશ કરી લો. એમાં દહીંની સાથે બારીક ક્રશ કરેલી ખાંડ કાકડીની તૈયાર કરેલી પેસ્ટમાં મિક્સ કરો.
આ પેકને ચહેરા પર અડધો કલાક લગાવી રાખો. એ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. અઠવાડિયામાં બે વખત આ પેકને ચહેરા પર લગાવી શકો છો. એનાથી ચહેરાને ઠંડક તો મળશે જ સાથે દહીંના કારણે ત્વચા ચમકવા લાગશે.