આણંદ: નીપાબેન પટેલે ગ્રામીણ વિસ્તારની તકોથી વંચિત બાળકીઓ માટે શરૂ કરેલા મિશનના આજે નવતર પરિણામો મળી રહ્યા છે. નીપાબેન અને તેમનું નિવેદિતા ફાઉન્ડેશન ૧૩૦ શાળાઓમાં વિવિધ સેવાકીય કામગીરી કરે છે. તેમણે કોરોનાના કપરા કાળમાં ધોરણ આઠ પછી શિક્ષણ છોડી દેતી બાળાઓનો સંપર્ક કર્યો. ૨૦ ઉપરાંત બાળાઓની ફી ભરીને એચ.સી.એ. (નર્સ)ની તાલીમ અપાવી અને તમામ બાળાઓને સક્ષમ બનાવી દીધી. આજે તેઓ જિલ્લાની જ હોસ્પિટલમાં નર્સિંગની કામગીરી કરી રહી છે. ગામડાના બાળકો પાસે મોબાઇલ જેવી સુવિધા હોતી નથી જેથી શિક્ષકોનું ગ્રૂપ ૧૦ છાત્રોને ભેગા કરીને આ શિક્ષણ આપી રહ્યાં છે. નિવેદિતા ફાઉન્ડેશનના સાત સભ્યો છે. જેમાં નીપાબેન પટેલ પોતે ચેરપર્સન છે. ૧૩૦ સરકારી શાળાના ૨૦૦૦ બાળકોને યુનિફોર્મ આપે છે.
સંપન્ન પરિવારમાં જન્મેલાં નીપાબેન પટેલે ૨૦૦૬માં ગામડાંની એક શાળાઓની મુલાકાત લીધી હતી. કન્યા શાળાની સ્થિતિ જોઇને તેમને પીડા થઇ હતી. તેઓ કહે છે. વર્ગ ખંડની મુલાકાત લીધી ત્યારે મને જોઇને ઘણી બાળકીઓ પોતાની દરિદ્રતાને કારણે શરમાઇ ગઇ હતી. એક શિક્ષિકાએ કહ્યું કે તેના (ગરીબાઇના) કારણે જ તેઓ ઉભા થઇને વાત કરતા સંકોચ અનુભવે છે. આ ઘટના બાદ મેં આ ગરીબ બાળકો માટે કંઇક નક્કર કામગીરી કરવાનો નિર્ધાર કર્યો.
અને જૂઓ, નીપાબહેને ઉમદા ઉદ્દેશ સાથે દિલથી કરેલી મહેનત કેવો રંગ લાવી છે.