વોશિંગ્ટનઃ અમેરિકાના સિઆટેલમાં એક અજીબ કિસ્સો બહાર આવ્યો છે. સિઆટેલ કોર્ટે એક દિવ્યાંગ બાળકીના પરિવારને ૧ કરોડ ડોલર (અંદાજે રૂ. ૭૪ કરોડ)નું વળતર આપવાનો ચુકાદો સંભળાવ્યો છે. ૯ વર્ષ અગાઉ બાળકીની માતા હોસ્પિટલમાં ગર્ભનિરોધક ઇન્જેક્શન લેવા ગઇ હતી, પણ નર્સે ફ્લૂનું ઇન્જેક્શન આપી દીધું. પછી મહિલા ગર્ભવતી થઇ અને તેણે દિવ્યાંગ બાળકીને જન્મ આપ્યો હતો. જજે કહ્યું કે, ખોટા ઇન્જેક્શનના કારણે બાળકીનો જન્મ થયો હોવાથી પરિવાર વળતર માટે હકદાર છે.
૭૫ લાખ ડોલર બાળકીને
૧ કરોડ ડોલરમાંથી ૭૫ લાખ ડોલર (અંદાજે ૫૫ કરોડ રૂ.) બાળકીને અપાશે જ્યારે ૨૫ લાખ ડોલર (અંદાજે ૧૮ કરોડ રૂ.) બાળકીના માતા-પિતાને અપાશે. જજે કહ્યું કે બાળકીને સારવાર, ભણતર તથા અન્ય ખર્ચ માટે રકમ અપાઇ રહી છે.
બાળકીની માતા યેસેનિઆ પચેકો ૧૬ વર્ષની ઉંમરે રેફ્યૂજી તરીકે અલ સાલ્વાડોરથી અમેરિકા આવી હતી. તે બે બાળકની માતા બની અને ત્રીજું બાળક નહોતી ઇચ્છતી. તેથી તે ગર્ભનિરોધક ઇન્જેક્શન નિયમિતપણે લેતી હતી.
૨૦૧૧માં તે દર ૩ મહિને અપાતું ગર્ભનિરોધક ઇન્જેક્શન લેવા નજીકના હેલ્થકેર ક્લિનિકમાં ગઇ હતી, પણ ત્યાં નર્સે તેને ખોટું ઇન્જેક્શન આપી દીધું. જજે નર્સની ભૂલ માટે ફેડરલ સરકારને જવાબદાર ઠેરવી ૧ કરોડ ડોલર વળતર ચૂકવવા આદેશ કર્યો. સરકારી વકીલે કહ્યું કે, અમે બાળકીની દિવ્યાંગતાનું સ્તર જાણવા ઇચ્છતા હતા. અમે ચુકાદો સ્વીકારીએ છીએ અને બાળકીના ઉજ્જવળ ભવિષ્યની કામના કરીએ છીએ.
૫ વર્ષ લાંબી કાનૂની લડાઈ
યેસેનિયાએ અંદાજે ૫ વર્ષ સુધી કાનૂની લડત આપી ત્યારે ન્યાય મળ્યો. યેસેનિયા જણાવે છે કે ત્યારે ગર્ભ રહેવાથી જે બાળકી જન્મી તે ગંભીર રીતે દિવ્યાંગ હતી. તેની સારવાર પાછળ પરિવારે દર મહિને મોટી રકમ ખર્ચવી પડે છે. પીએમજી નામની જન્મજાત બીમારીથી પીડિત બાળકી હાલ ૮ વર્ષની છે અને ત્રીજા ધોરણમાં ભણે છે. બીમારીના કારણે તે બરાબર રીતે બોલી નથી શકતી. વાઇ તથા દ્રષ્ટિ સંબંધી સમસ્યાથી પણ પીડિત છે.