નવી દિલ્હી: ગલવાન ઘાટીમાં 2020માં શહીદ થયેલા દીપક સિંહનાં પત્ની રેખા સિંહે પતિનું સપનું સાકાર કર્યું છે. રેખા સિંહે આર્મી અધિકારીની પરીક્ષા પાસ કરી અને હવે લેફ્ટનન્ટ રેન્ક મેળવી છે. રેખાએ કહ્યું હતું કે મારા પતિની ઈચ્છા હતી કે હું સૈન્ય અધિકારી બનું, અને મેં તેમનું સપનું સાકાર કરવા માટે રાત-દિવસ મહેનત કરી છે.
દીપક સિંહ 2012માં ભારતીય સૈન્યમાં જોડાયા હતા. 15મી જૂન 2020માં લદાખ સરહદે ચીન સાથે સંઘર્ષ થયો હતો, જેમાં દીપક સિંહ શહીદ થયા હતા. ગલવાન ઘાટીમાં શહીદ થયેલા દીપક સિંહે ચીની સૈનિકો સામે લડતાં લડતાં 30 ભારતીય સૈનિકોનો જીવ બચાવ્યો હતો. ભારત સરકારે દીપક સિંહને વીર ચક્રથી સન્માનિત કર્યા હતા. દીપક સિંહની ઈચ્છા હતી કે તેની પત્ની રેખા સિંહ લશ્કરી અધિકારી બને. તે સમયે રેખા જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષિકા હતી. જોકે દીપકની શહીદી પછી રેખાએ લશ્કરી અધિકારી બનવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. રેખાએ સૈનિક કલ્યાણ સંઘના માર્ગદર્શન પછી નોઈડામાં લશ્કરી અધિકારી બનવાની તૈયારી આદરી હતી. પહેલા પ્રયાસે સફળતા મળી ન હતી. જોકે રેખા સિંહે બીજો પ્રયાસ કર્યો હતો અને આખરે લેફ્ટનન્ટ અધિકારી બનવામાં સફળતા મેળવી છે. રેખાની તાલીમ આગામી 28 મેના રોજ ચેન્નઈમાં શરૂ થશે. તાલીમ બાદ લેફ્ટનન્ટ પદે પોસ્ટિંગ મળશે.
મધ્ય પ્રદેશ સરકારે દીપક સિંહની શહીદી પછી રેખા સિંહને ક્લાસ-ટુના શિક્ષણ કર્મચારી તરીકે નિયુક્તિ આપી હતી. રીવા જિલ્લાના નાનકડા ફરેદા ગામમાં 15મી જુલાઈ 1989માં જન્મેલી રેખા સિંહ યુવતીઓને લશ્કરમાં જોડાવા પ્રેરિત કરવા માગે છે.