ગાંધીનગરઃ ગુજરાતના પાટનગરમાં વસતી ૨૩ વર્ષની યુવતીને વિશ્વની ટોપ-૫ કંપનીઓમાં સ્થાન ધરાવતી એમેઝોનમાં વાર્ષિક રૂ. ૧.૦૪ કરોડના માતબર પેકેજ સાથે સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોબ મળી છે. આ સાથે જ કંપની તરફથી તેને રૂ. ૬૪ લાખના શેર પણ ઇસ્યુ કરાશે.
ગાંધીનગર સચિવાલયમાં પીએ તરીકે ફરજ બજાવતા મનીષભાઈ કહે છે કે ક્રિષ્નાનું ધોરણ ૧થી ૧૨ સુધીનું શિક્ષણ ગાંધીનગર ખાતે ગુજરાતી માધ્યમમાં થયું છે. ત્યારબાદ કોમ્પ્યુટર એન્જિનિયરીંગ કરી કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ સારા માર્કસ સાથે કર્યો. હાલમાં ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ ચાલુ છે અને પરીક્ષા આગામી મે માસમાં લેવાશે. આ પહેલાં તેણે મશીન લર્નીંગ વિષયમાં રીસર્ચ પેપર તૈયાર કરીને સોફ્ટવેર તૈયાર કર્યું હતું. આ દરમિયાન એપ્રિલ ૨૦૨૦માં તેણે એમેઝોન કંપનીના સ્ટુડન્ટ એમ્બેસેડર તરીકે યુનિવર્સિટીમાં મશીન લર્નિંગ સાયન્ટિસ્ટ તરીકે પરીક્ષા પૂર્ણ કરી એમેઝોન તરફથી એવોર્ડ મેળવ્યો હતો. આ પછી તાજેતરમાં એમેઝોન કંપનીમાં જરૂરી પરીક્ષા અને માત્ર ૨૦ મિનિટના ઈન્ટરવ્યૂ બાદ વાર્ષિક ૧.૦૪ કરોડ રૂપિયાનો પગાર અને શેર સાથે પેકેજ ઓફ કરાયું હતું.
મનિષભાઈએ જણાવ્યું હતું કે આધુનિક સમયમાં પુત્ર-પુત્રી એક સમાન છે. પુત્ર કે પુત્રીના ભેદભાવ વગર અમે અમારી પુત્રી ભણીગણીને આગળ વધે તે માટે તેણીને વિદેશ મોકલી હતી. દરેક માતાપિતા પુત્રીઓને પણ અભ્યાસની અને જીવનમાં આગળ વધવાની સમાન તક આપે અને તે માટે શક્ય તમામ મદદ કરવી જોઇએ તથા પ્રોત્સાહન આપવું જોઇએ તેવો તેમણે અનુરોધ કર્યો હતો.