લંડનઃ અમ્બ્રેલા અને વી ફાઉન્ડ લવ જેવાં સુપરડુપર હીટ ગીતોની ૩૩ વર્ષીય ગાયિકા રિહાન્નાને વિશ્વની સૌથી ધનવાન મહિલા મ્યુઝિશિયન જાહેર કરાઈ છે. ફોર્બસ મેગેઝિનના જણાવ્યા મુજબ તેની સંપત્તિ અંદાજે ૧.૭ બિલિયન ડોલર (૧.૨ બિલિયન પાઉન્ડ) હોવાનું જણાવાયું છે. જોકે, નવાઈની બાબત એ છે કે ગાયિકાની સંપત્તિ તેના અત્યંત હીટ ગીતોના કારણે નહિ પરંતુ, તેનાં ‘Fenty Beauty’ કોસ્મેટિક્સ સામ્રાજ્યની સફળતાના પરિણામે સર્જાઈ છે. વિશ્વમાં સૌથી ધનવાન મહિલા એન્ટરનેઈટર અને ચેટ ક્વીન ઓપ્રાહ વિન્ફ્રેની અંદાજિત સંપત્તિ ૨.૭ બિલિયન ડોલર છે અને તેના પછી બીજા ક્રમે રિહાન્ના આવી છે.
રિહાન્ના (સાચુ નામ રોબીન રિહાન્ના ફેન્ટી)એ ૨૦૧૭માં ફેન્ટી બ્યૂટી કોસ્મેટિક્સ કંપની સ્થાપી હતી. રિહાન્ના તેના મેકઅપને ‘પોતાની અભિવ્યક્તિની પસંદગીના શસ્ત્ર’ તરીકે ઓળખાવે છે. તેણે તમામ પ્રકારની ત્વચા - વર્ણને માફક આવે તેવા ઉત્પાદનોની બ્રાન્ડ ઉભી કરી છે. રિહાન્નાએ પ્રોડક્ટ લોન્ચ કરી ત્યારે વિવિધ ૪૦ શેડ્સના ફાઉન્ડેશન હોવાનું જણાવ્યું હતું અને તે ૫૦ શેડ સુધી વિસ્તરી છે.
આ બ્યૂટી બ્રાન્ડમાં રિહાન્ના ૫૦ ટકાનો હિસ્સો ધરાવે છે અને બાકીનો હિસ્સો ફ્રેન્ચ લક્ઝરી કોંગ્લોમેરેટ LVMH હસ્તક છે. ફેન્ટી બ્યૂટી લોન્ચ કરાઈ તેના પ્રથમ વર્ષમાં જ ૫૫૦ મિલિયન ડોલરનો વેચાણ આંકડો હાંસલ કર્યો હતો જે અન્ય સેલેબ્રિટીઝ દ્વારા એન્ડોર્સ કરાતી બ્યૂટી મેકઅપ રેન્જ કરતા ઘણો વધુ હતો.
ફોર્બસ મેગેઝિન અનુસાર તેની કંપની ઓછામાં ઓછાં ૨.૮ બિલિયન ડોલરની નેટ વર્થ ધરાવે છે. ફેન્ટી બ્યૂટીમાં હિસ્સા ઉપરાંત, લિન્જેરી લાઈન Savage X Fentyમાં ૩૦ ટકા હિસ્સો તેમજ રેર્કોર્ડિંગ આર્ટિસ્ટ કરીકે ૧૬ વર્ષની કારકિર્દીની કમાણી સાથે રિહાન્ના ૧.૭ બિલિયન ડોલરની સંપત્તિની માલિક બની છે.
વિશ્વમાં અંદાજિત ૧૭૯ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ત્રીજા ક્રમના સૌથી ધનવાન તેમજ LVMHના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ બર્નાર્ડ આર્નૌલ્ટનું કહેવું છે કે,‘બધા લોકો જાણે છે કે રિહાન્ના અદ્ભૂત ગાયિકા છે પરંતુ, ફેન્ટી બ્યૂટીમાં અમારી પાર્ટનરશિપથી મને સાચા એન્ટ્રેપ્રીન્યોર, ખરા સીઈઓ અને ઉત્કૃષ્ટ નેતાની ઓળખ થઈ છે.’
કોસ્મેટિક્સથી સંપત્તિનું સર્જન કરનારી રિહાન્ના એકલી નથી. અમેરિકન રીઆલિટી-ટીવી પરિવાર કાર્દાશિઆન-જેનરની સૌથી યુવા સભ્ય ક્યાલી જેનરે માત્ર ૨૧ વર્ષની વયે ૨૦૧૯માં વિશ્વની સૌથી યુવાન બિલિયોનેરનું બિરુદ હાંસલ કર્યું હતું. ક્યાલી જેનર મોટા ભાગે પોતાના આઈફોન મારફત જ ક્યાલી કોસ્મેટિક્સને વહીવટ ચલાવે છે. ક્યાલીની બહેન કિમ કાર્દાશિઆન વેસ્ટ પણ KKW Beauty નામે કોસ્મેટિક્સ બિઝનેસ ચલાવે છે જ્યારે અભિનેત્રી જેસિકા આલ્બા બ્યૂટી અને વેલનેસ બ્રાન્ડ Honest Co.નો બિઝનેસ ચલાવે છે.