અમદાવાદ : સપના હંમેશા તમને પોતાની મંઝિલ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. ક્યારેક સપનું સાકાર થવામાં સમય લાગતો હોય છે, પરંતુ તે સાકાર જરૂર થતા હોય છે. ગુજરાતનાં નીતાબા પરમારની જ વાત જૂઓને. તેમણે નાનપણથી ક્રિકેટ ટીમમાં રમવાનું સપનું જોયું હતું, પરંતુ અભ્યાસ અને છોકરીઓને સ્પોર્ટ્સમાં અપાતા ઓછા મહત્ત્વને કારણે તેમનું સપનું ભારતમાં પૂરું થઇ શક્યું નહીં. આગળ અભ્યાસ માટે તેઓ ડેન્માર્ક ગયા. જ્યાં તેમણે અભ્યાસની સાથે ક્રિકેટના પોતાના શોખને જાળવી રાખ્યો અને તેમનું સપનું સાકાર થયું. તાજેતરમાં ૨૦૧૯માં મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા ફંડની ફાળવણી થતાં ક્રિકેટ ટીમની રચના કરાઇ છે, અને હવે નીતાબા ડેન્માર્કની મહિલા ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે રમવા મેદાનમાં ઉતરશે. નીતાબા પરમાર મૂળ જૂનાગઢ વતની અને અમદાવાદમાં પોતાની શૈક્ષણિક કારર્કિર્દી બનાવીને વધુ અભ્યાસ માટે ડેન્માર્કમાં ગયા હતા. નાનપણથી જ ક્રિકેટ અને કરાટેમાં રસ હતો. ડેન્માર્કમાં તેઓ ડાલગાર્ડમાં રહે છે અને ડેનીસ ભાષામાં સ્પોર્ટ્સ વિષય પર અભ્યાસ કરી રહ્યાં છે.
સ્ત્રી-પુરુષ વચ્ચે કોઇ ભેદભાવ નથી
નીતાબા કહે છે કે, મેં મારી રીતે જ ડેન્માર્ક આવવાનું નક્કી કર્યું હતું. મારા લગ્ન પણ ડેન્માર્કના પ્રોફેસર સાથે થયા છે. હા, અહીં સેટલ થવામાં મહેનત બહુ કરવી પડી, પરંતુ એક વાત છે કે અહીં સ્ત્રી-પુરુષમાં કોઇ ભેદભાવ નથી. તમને સમાનપણે તક મળે છે. હું ડેન્માર્કની મહિલા ક્રિકેટ ટીમમાં રમીશ, આવનારા સમયમાં જર્મની સાથે અમારી મેચ છે. મેં નાનપણમાં નેશનલ ટીમમાં રમવાનું સપનું જોયું હતું, જે સપનું હું અહીં પૂરું કરીશ.