વોશિંગ્ટન,લંડનઃ યુએસની ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટી (IFC) દ્વારા 29 વર્ષથી યોજાતી સૌંદર્યસ્પર્ધામાં બ્રિટનમાં બાયોમેડિકલ અને સાઈકોલોજીનો અભ્યાસ કરી રહેલી ગુજરાતની ખુશી પટેલે મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2022નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. શુક્રવાર 24 જૂને જાહેર કરાયેલા પરિણામોમાં અમેરિકાના મિશિગનની વૈદેહી ડોંગરેને પ્રથમ રનરઅપ તેમજ શ્રુતિકા માનેને દ્વિતીય રનરઅપ જાહેર કરવામાં આવી હતી. સૌંદર્યસ્પર્ધામાં ટોચની 12 સ્પર્ધકો વિશ્વ સ્તરે વિભિન્ન અન્ય સ્પર્ધાઓમાં વિજેતા રહી ચુકી છે.
ભારતની બહાર સૌથી લાંબા સમય- 29 વર્ષથી ચાલતી ભારતીય સૌદર્ય પ્રતિયોગિતા મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડમાં વિજેતા બન્યાં પછી ખુશી પટેલે આનંદ વ્યક્ત કરવા સાથે જણાવ્યું હતું કે તે આગામી એક વર્ષમાં ચેરિટી અને સમાજસેવાના અનેક કાર્યક્રમો કરવા ઈચ્છે છે અને ત્રીજા વિશ્વના દેશોની મદદ કરવા માટે પણ યોજના બનાવી રહી છે. ખુશી પટેલ વસ્ત્રોના એક સ્ટોરની માલિક પણ છે. ખુશી બાયોમેડિકલ સાયન્સીઝમાં મેજર અને સાઈકોલોજીમાં માઈનોરનો અભ્યાસ કરી રહી છે.
આ વખતે 3 વર્ષના વિક્ષેપ બાદ આ સૌંદર્યસ્પર્ધાનુંઆયોજન થઈ શક્યું હતું. અગાઉ, કોવિડ મહામારી પહેલા 2019ના સપ્ટેમ્બરમાં મુંબઈની લીલા હોટેલમાં આ સ્પર્ધા યોજાઈ હતી. ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટીના ચેરમેન ધર્માત્મા સરને જણાવ્યું હતું કે, મહામારીએ આપણી વિચારવાની તથા જીવન જીવવાની પદ્ધતિને બદલી નાખી છે.
IFCના જણાવ્યા મુજબ આ ઉપરાંત, ગુયાનાની રોશની રઝાકને મિસ ટીન ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2022 ઘોષિત કરવામાં આવેલ છે તેમજ યુએસની નાવ્યા પિંગોલ ફર્સ્ટ રનરઅપ અને સુરિનામની ચિક્વિતા મલાહાને સેકન્ડ રનરઅપ જાહેર કરાઈ હતી.