દિલ્હીમાં રહેતી અને ભારતીય ખો ખો ટીમની કેપ્ટન નસરીન શેખની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. તેમાં પણ કોરોનાના કહેર અને લોકડાઉનના કારણે બે ટંકના જમવાના પણ ફાંફા છે. સાઉથ એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ખો-ખો ટીમની નસરીને કપ્તાની કરી હતી અને પાંચ મહિના પહેલાં જ તેની કેપ્ટનશિપમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યો હતો. ભારતે નેપાળને ૧૭-૫થી હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. દિલ્હીના શકરપુરમાં રહેતી નસરીને કહ્યું કે, તેઓ પાંચ બહેનો અને ચાર ભાઈ છે. બે બહેનોનાં લગ્ન થઈ ગયાં છે. સામાન્ય દિવસોમાં મારા પિતા મોહમ્મદ ગફૂર વાસણો વેચતા હતા અને અમારું ઘર સારી રીતે ચાલતું હતું, પરંતુ લોકડાઉનના કારણે પિતાનું કામ સંપૂર્ણ બંધ થઇ ગયું. ઘરમાં નસરીન સિવાય બીજું કોઈ કમાતું નથી. નસરીન કહે છે કે, અમે બધા ભણી રહ્યા છીએ. હું કોલેજના અંતિમ વર્ષમાં છું. હવે અમારે બે સમયના ભોજન માટે પણ વિચાર કરવો પડે છે. મારાથી જેટલું બની શકે તેટલી કમાણી કરું છું અને અત્યારે તો એ જ માત્ર આવક છે.
સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ
નસરીને કહ્યું કે, હું ભારતીય એરપોર્ટ ઓથોરિટી વતી રમું છું. હું તેમની ખો ખોની ટીમની કેપ્ટન છું. મારે એરપોર્ટ ઓથોરિટી સાથે એક વર્ષનો કરાર છે. દર મહિને રૂ. ૨૬ હજારના પગારના કરારથી આ જોબ મેં સ્વીકારી છે, જોકે આ પગાર દર મહિને નહીં પણ ત્રિમાસિક ગાળામાં મળે છે. ત્રણ મહિને પગાર મળવાથી મુશ્કેલી ઊભી થાય છે. વળી, મારા માટે પરિસ્થિતિ એવી છે કે ખેલાડી તરીકે મારો ડાયેટ જળવાવો જોઈએ, પણ માંડ બે વખતના ભોજનની વ્યવસ્થા થાય છે ત્યાં ડાયેટ કેવી રીતે જળવાય? ખો-ખો ફેડરેશન તરફથી મદદ મળી છે. જ્યારે મારી બહેનને ગયા મહિને ટાઇફોઇડ થયો હતો ત્યારે ફેડરેશનને સારવાર માટે ચૂકવણી કરી હતી. જો મને આહાર ન મળે તો હું નબળી પડી જઈશ અને ભવિષ્યમાં ફરીથી ટીમ માટે રમી શકીશ નહીં.
રૂઢિવાદી પ્રથાઓ નસરીને તોડી નાંખી
નસરીને રૂઢિવાદી પ્રથાઓ તોડી અને ખો ખોની પ્લેયર બની છે. જ્યારે તેણે ખો ખો રમવા માટેની વાત કરી હતી ત્યારે તેના સગા - સબંધીઓને તે પસંદ પડ્યું નહોતું. ટૂંકા કપડાં પહેરવા પડે તેથી છોકરીએ ખો ખો ન રમવું જોઈએ તેવી તેમની માન્યતા હતી. જોકે પિતાએ સાથ આપ્યો અને નસરીન રમતવીર બની. તે અત્યાર સુધીમાં ૪૦ નેશનલ અને ૩ ઇન્ટરનેશનલ ગેમ જીતી ચૂકી છે. વર્ષ ૨૦૧૬માં નસરીનને ઇન્દોરમાં ચેમ્પિયનશિપ સ્પર્ધા માટે પસંદ કરાઈ હતી. વર્ષ ૨૦૧૮માં લંડનમાં યોજાયેલી ખો-ખો સ્પર્ધા માટે તે પસંદ થઇ હતી. વર્ષ ૨૦૧૯માં તેની કપ્તાનીમાં ટીમે ગોલ્ડ મેડલ જીત્યો.