ઘરની સુંદરતા વધારવા માટે આજકાલ લોકો ટેરેસ ગાર્ડનને મહત્ત્વ આપવા લાગ્યા છે. આ ટેરેસ ગાર્ડન માત્ર ધાબા પર જ નહીં પણ નાની બાલ્કની કે કોઇ પણ ખુલ્લી જગ્યાએ બનાવી શકાય છે. ગાર્ડનિંગ માટે અલગ અલગ આઇડિયા પણ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. છેલ્લા થોડા સમયથી જોવા મળ્યું છે કે લોકો મકાન ખરીદતા સમયે ટેરેસ ગાર્ડન માટે જગ્યા છે કે નહીં તે જુએ છે. ટેરેસ ગાર્ડન બિલ્ડિંગને ગરમી અને ઠંડીથી ઇન્સ્યૂલેટ કરે છે. તેનાથી ઘરનું અંદરનું તાપમાનને ૬થી ૮ ડિગ્રી જેટલું ઓછું થાય છે અને પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળે છે. આમ પણ ગ્રીન સ્પેસ દરેકને એક આરામદાયક અહેસાસ અને તાજગી આપે છે. લિવિંગ એરિયા, ઇન્ડોર કે આઉટડોરમાં તમે થોડી હરિયાળી લાવીને આમ કરી શકો છો. અલબત્ત, નિષ્ણાતોના મત પ્રમાણે ટેરેસ ગાર્ડન બનાવતાં પહેલાં સ્ટ્રકચરલ એન્જિનિયરની સલાહ લેવી જોઈએ અને પછી પ્લાનિંગ કરવું જોઇએ. સરસ રીતે મેઈન્ટેઈન કરવામાં આવેલા ટેરેસ ગાર્ડનમાં તમે બર્થ ડે પાર્ટી અથવા તો ફેમિલી ગેટ ટુ ગેધર જેવાં ફંક્શનનું સારી રીતે આયોજન કરી શકો છો.
સુંદરતામાં કરે વધારો
બંગલો અને એપાર્ટમેન્ટ માટે ટેરેસ ગાર્ડન એક સુંદર કન્સેપ્ટ છે કારણ કે તે વધુ જગ્યા રોકતો નથી અને કોઈ પણ નાની ખુલ્લી જગ્યામાં, બાલ્કનીમાં, વરંડામાં કે કોઈ મોટી વિલાની ગેલેરીમાં બગીચો બનાવી શકાય છે. નિષ્ણાતોના મત પ્રમાણે ટેરેસ ગાર્ડન બનાવતાં પહેલાં સ્ટ્રકચરલ એન્જિનિયરની સલાહ લેવી જોઈએ. છત કે બાલ્કની હકીકતમાં ટેરેસ ગાર્ડનનું કેટલું વજન લેવા સક્ષમ છે તેની માહિતીની સાથે ભેજની સમસ્યા રોકવામાં પણ આ એન્જિનિયર તમારી મદદ કરી શકે. ટેરેસ ગાર્ડનને અનેક રીતે સજાવીને ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકાય છે. ફળ-શાકભાજી કે ફૂલ ઉગાડવાનો તમારો શોખ પણ પૂરો થઈ જશે. તમે ઘરની થીમને પણ ટેરેસ ગાર્ડન સાથે જોડી શકો છો. ઇચ્છો તો ઇન્ટિરિયરને ટેરેસ ગાર્ડન તરફ ફોકસ કરી દો.
જગ્યાની પસંદગી છે મહત્ત્વની
ટેરેસ ગાર્ડનને કોઈ પણ પ્રકારનાં બિલ્ડિંગ, એપાર્ટમેન્ટ, કોમિર્શયલ-રહેણાકનાં બિલ્ડિંગ કે આઈટી પાર્કમાં બનાવી શકાય છે. આ માટે યોગ્ય જગ્યાની પસંદગી કરવી જરૂરી છે. સૌથી પહેલા તો એ ધ્યાન રાખવું જોઇએ કે એ જગ્યા થોડી ઢોળાવવાળી હોય, જેથી પાણી બહાર નીકળી શકે. અહીં સૂર્યપ્રકાશ આવે એ જરૂરી છે જેથી ફૂલ-છોડનો વિકાસ થઈ શકે. આ જગ્યા છોડ અને માટીનું વજન ઊંચકી શકે તેવી સક્ષમ અને મજબૂત પણ હોવી જોઈએ. ટેરેસ ગાર્ડનમાં છોડની સાચવણી અને માટીને ભીની રાખવા માટે એ જગ્યાનું સારી રીતે વોટર પ્રૂફિંગ કરાવવું જરૂરી છે. આથી તેને માટે યોગ્ય મટીરિયલ જ પસંદ કરવું જોઈએ. ટેરેસ ગાર્ડન બનાવ્યા બાદ તેની જાળવણી પણ એટલી જ જરૂરી છે. છોડને દરરોજ પાણી નાખો. ઓછું વજન ધરાવતા છોડ ટેરેસ ગાર્ડન માટે શ્રેષ્ઠ છે કારણ કે તેમના મૂળિયાં જમીનમાં ક્ષાર પેદા થવા દેતા નથી.