કુશન્સની સ્ટાઇલમાં નવા નવા ટ્રેન્ડ ચાલતા રહે છે. આજકાલ આ ટ્રેન્ડમાં વ્હીકલ પ્રિન્ટ, એનિમલ પ્રિન્ટ અને ફ્લાવર પ્રિન્ટ ચલણમાં છે. બેઠક વ્યવસ્થામાં કમ્ફર્ટેબલ કુશન્સ આરામમાં તો વધારો કરે જ છે પરંતુ એ ઘરની કાયાપલટ કરવામાં પણ મહત્ત્વનો ફાળો આપે છે. ઘરનાં આકર્ષણમાં વધારો કરતા આ કુશન્સની ખરીદી કરતી વખતે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જો આ વાતોનું ધ્યાન રાખીને તમે રૂમની સુંદરતાને ચાર ચાંદ લગાવી શકો છો.
• મેચિંગ ટાળોઃ કોઇ પણ વ્યક્તિ જ્યારે નવા સોફા ખરીદે છે તો સૌથી પહેલાં સોફાના રંગ સાથે મેચિંગ રંગના કુશન્સ ખરીદવાનું ઇચ્છશે. જોકે તમે આવી ભૂલ નહીં કરતા. સોફા સાથે એના મેચિંગ કુશન્સ બહુ જ અનાકર્ષક લાગે છે. નવા સોફા સાથે એના રંગથી કોન્ટ્રાસ્ટ શેડના કુશન્સનું મેચિંગ કરો. કોન્ટ્રાસ્ટ કુશન્સ સોફાને આકર્ષણનું કેન્દ્ર બનાવશે અને આખા રૂમના લુક પર એની અસર પડશે.
આ ઉપરાંત રૂમની દીવાલો અને પડદાના રંગોના આધારે સોફાના કુશન્સની પસંદગી કરો. આ કુશન્સ એકસરખાં ન હોવા જોઇએ. સામાન્ય રીતે બેથી ત્રણ રંગના કુશન્સ મળીને રૂમને આગવો લુક આપે છે. આ રંગમાંથી એક રંગ બ્રાઇટ અને બીજા અન્ય રંગ લાઇટ શેડના હોવા જોઇએ.
• ટિપિકલ શેપ પસંદ ન કરો: મોટા ભાગના લોકો કુશન્સની ખરીદી કરતી વખતે બધા કુશન્સ એક જ સાઇઝ અને શેપના પસંદ કરવાની ભૂલ કરતા હોય છે. આવા કુશન્સ ફર્નિચર પર બહુ બોરિંગ લાગે છે. અલગ અલગ શેપ અને સાઇઝના કુશન્સનું કોમ્બિનેશન રૂમને આકર્ષક લુક આપે છે. આ કુશન્સના શેપ અને સાઇઝ ભલે અલગ અલગ હોય પણ એની ડિઝાઇન મેચિંગ હોય એ વાતનું ખાસ ધ્યાન રાખો. જો તમે બહુ મેકઓવર નથી કરવા ઇચ્છતા તો રાઉન્ડ શેપના કુશન્સ ખરીદો. એને સોફા, બેડ અને સિંગલ ચેર પર રાખીને ઘરની શોભા વધારી શકાય છે. ત્રિકોણ આકારના કુશન્સ સારા તો લાગે છે પણ એને શોધવા માટે બહુ મહેનત કરવી પડે છે. ઘરને ખૂબસુરત લુક આપવા માટે ફ્લાવર શેપના કુશન બેસ્ટ વિકલ્પ છે. આ કુશન્સ થોડાક મોંઘા જરૂર હોય છે પણ એનો ઉપયોગ ઘરને આકર્ષક લુક આપે છે.