દરેક વ્યક્તિ પોતાના ઘરને સુંદર અને સુઘડ લુક આપવા ઇચ્છતી હોય છે. ઘરની સુંદરતા માટે કરવામાં આવતી સજાવટમાં ફ્લાવરવાઝનો સમાવશ થાય છે. ઘરમાં ફૂલથી સજાવટ કરવી હોય તો કોઇ ફ્લાવરવાઝમાં ગમતાં ફૂલો ગોઠવીને ડ્રોઇંગરૂમ કે સ્ટડીરૂમ અથવા ઘરમાં આપણી ગમતી જગ્યાએ ગોઠવવામાં આવે તો ઘરની સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે.
હાલ માર્કેટમાં અનેક નવી ડિઝાઇનના ફ્લાવરવાઝના વિકલ્પ મળતા થયા છે. પહેલાં ચીનાઇ માટી અથવા પિત્તળના ફ્લાવરવાઝ મળતા હતા, પણ ચીનાઇ માટીના ફ્લાવરવાઝને જો સહેજ ટક્કર વાગે તો તેમાં તિરાડ પડી જાય અને પાણી લીક થાય અથવા તૂટી પણ જાય. જ્યારે પિત્તળના ફ્લાવરવાઝને થોડા થોડા સમયે ઘસીને ચમકદાર રાખવા પડે. જોકે હવે બદલાયેલા સમયની સાથે ફ્લાવરવાઝના મટીરિયલ, તેની ડિઝાઇનમાં પણ પરિવર્તન આવ્યું છે અને લોકો જાતજાતનાં ફ્લાવરવાઝ પસંદ કરે છે. ડ્રોઇંગરૂમ કે લિવિંગરૂમમાં મિરર ફિનિશ અને જ્યોમેટ્રિકલ શેપનું લંબગોળ ફ્લાવરવાઝ સારું લાગે છે. આજકાલ ટેરાકોટામાંથી બનાવેલા વિવિધ શેપના ફ્લાવરવાઝ પણ મળે છે. આવા ફ્લાવરવાઝને તમે એન્ટ્રન્સ અથવા વરંડામાં ગોઠવી શકો.
માર્કેટમાં વાંસના પાતળા અને લંબાઇ ધરાવતા ફ્લાવરવાઝ પણ મળે છે. તેમાં લાંબી દાંડલીવાળા ફૂલો લગાવીને જો તમે ડ્રોઇંગરૂમ કે લિવિંગરૂમની કોર્નર ટિપોય પર ગોઠવો તો જોનારની નજર ચોક્કસ તેના પ્રત્યે દોરાશે. આ ઉપરાંત, આવા ફ્લાવરવાઝ તમે જમીન પર પણ કોર્નરમાં ગોઠવ્યા હોય તો પણ સારા લાગે છે. એમ તો સિમ્પલ રાઉન્ડ ફ્લાવરવાઝને અલગ અલગ અથવા એક જ કલરના વિવિધ શેડ્સ હોય તેમાં ફૂલો ગોઠવ્યા હોય તો શોભે છે. આવા ફ્લાવરવાઝ તમે બેડરૂમની બાલ્કનીની પાળી પર અથવા બારીમાં સારા લાગે છે.
ટ્રાન્સપરન્ટ એક્રેલિકમાંથી બનાવેલા નોટબુક સ્ટાઇલના ફ્લાવરવાઝ ખૂબ સુંદર લાગે છે કેમ કે તેમાં ગોઠવેલા ફૂલો અને અડધે સુધી ભરેલું પાણી આરપાર દેખાય છે. આવા ટ્રાન્સપરન્ટ એક્રેલિક ફ્લાવરવાઝ સ્ટડીરૂમમાં સારા લાગે છે. આમ, વિવિધ ફ્લાવરવાઝથી ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરી શકો છો અને સારી રીતે સજાવટ કરી શકો છો.