ફેશન કોઇ પણ હોય, દાયકા બાદ ફેશન જગતમાં તેનું પુનરાગમન થતું જ હોય છે. ક્યારેક એના એ જ સ્વરૂપે તો ક્યારેક બીજા સ્વરૂપે. તેમાં નાના-મોટા થોડાક ફેરફાર થતાં હોય છે, બાકી મૂળ તો એનું એ જ હોય છે. શરારા અથવા તો ઘરારા કે પછી લાચાનું પણ આવું જ છે. આ ત્રણ નામોથી નેવુંના દાયકાની કોઈ સ્ત્રીઓ અજાણ નહીં હોય. ટૂંકી કૂર્તી જેવું ટોપ અને તેની નીચે ઘેરવાળો ચણિયો એટલે જ શરારા કે ઘરારા. ઘરારા ડ્રેસ બનજારા ડ્રેસીસના નામે પણ જાણીતો હતો. જેમ વણઝારા સ્ત્રીઓ લાંબું બ્લાઉઝ અને ચણિયો પહેરે છે તેના કારણે જ ઘરારાને બનજારા ડ્રેસ પણ કહેવાતો હતો.
હવે આ જ શરારા થોડી ટ્રેન્ડી સ્ટાઈલ અને પ્રિન્ટ સાથે ફરી એક વાર ટ્રેન્ડી બની છે. અત્યારે લગ્નસિઝન પૂરબહારમાં ખીલેલી છે ત્યારે ઘરારાને તમે ચોક્કસપણે ટ્રાય કરી શકો છો. પહેલાં તો ઘરારા માટે સિલ્ક તેમજ બ્રોકેડ જેવા ભારે કાપડની પસંદગી થતી. મોટા ભાગે પહેલાં તો યુવતીઓ મમ્મી કે દાદી અથવા નાનીમાની ભારે સાડીમાંથી જ ઘરારા સિવડાવતી હતી. જોકે હવે ટ્રેન્ડ થોડો બદલાયો છે. હવે યુવતીઓ વર્કિંગ થઈ ગઈ હોવાથી ઘરારા અન્ય પ્રસંગોએ પણ પહેરી શકે તે માટે કોટન તેમજ અન્ય હળવા ફેબ્રિકમાંથી બનાવડાવે છે. કોઇ વળી તેમાં મનપસંદ આકર્ષક લટકણ પણ લગાવડાવે છે જેથી ઘરારા સિમ્પલ અને એલિગન્ટ લાગે.
ઘરારા પહેરવા માટે કોઈ ચોક્કસ બોડીશેપ હોવો જરૂરી નથી. આ ડ્રેસનો ફાયદો એ છે કે તમે પાતળા હો કે જાડા, આ ડ્રેસ દરેક પ્રકારના શરીર પર ઓપી ઊઠે છે અને એક પારંપરિક વસ્ત્ર પહેરવાની અનુભૂતિ કરાવે છે.
ઘરારામાં બ્લાઉઝ કમરથી થોડે નીચે સુધી
હોય છે અને શરારામાં ઉપરનું ટોપ લાંબુ, અને ઘણી વાર તો કુર્તી જેવું હોય છે. જ્યારે લોઅર વેરમાં ચણિયો ઘેરવાળો તો ક્યારેક બેલબોટમ પેન્ટની જેમ ઉપરથી સાંકડો અને નીચેથી ખુલ્લો હોય છે તેમજ ત્રણેક સ્ટેપમાં વહેંચાયેલો જોવા મળે છે.
હવે ઘરારા બ્લાઉઝમાં પેપલમ સ્ટાઈલ પણ ઉમેરાઈ છે. તો તમે બ્લાઉઝ કમર સુધીનો રાખીને પણ ઘરારા પહેરી શકો છો. જે સ્ત્રીઓને કમરનો ભાગ હેવી હોય અને વધારે ચરબી હોય તો તેઓ કમરથી થોડે નીચે બ્લાઉઝ બનાવી શકે અને જે સ્ત્રીઓ પાતળી છે તેઓ જેવો ઈચ્છે તેવો બ્લાઉઝ પહેરી શકે છે. અને હા, ઘરારા બ્લાઉઝમાં પણ તમે સ્પેગેટી, હોલ્ટર નેક, બંધ ગળા જેવા ઘણા વિકલ્પ અપનાવી શકો છો.
૭૦-૮૦ના દાયકામાં પણ બોલિવૂડની હીરોઈન સરસ મજાના ઘરારામાં જોવા મળતી હતી. ખાસ કરીને લીના ચંદાવરકર નામની અભિનેત્રી તો પોતાની ફિલ્મમાં સરસ મજાના ઘરારા અને મોટા બનની હેરસ્ટાઈલ અપનાવી હતી તમે કાંઈ જુદો લૂક અપનાવવા માગતા હો તો રેટ્રો લૂક જરૂર પસંદ કરી શકો છો.