શ્રાવણ મહિનો આવે અને સાથે સાથે ઘણા તહેવારોની હારમાળા લઈને આવે. આ બધામાં ભાઈ બહેનના પ્રેમને દર્શાવતો તહેવાર એટલે રક્ષાબંધન. આમ તો ફેન્સી રાખડીઓ બજારમાં મળતી જ હોય છે, પણ તમને જો પોતાની જાતે જ રાખડી બનાવવાનો શોખ હોય તો તમે જાતે પણ રાખડી બનાવી શકો છો. કેટલીક સાવ સિમ્પલ, ઝડપથી અને સરળતાથી બની જાય એવી રાખડીની ડિઝાઈન અહીં શીખવવામાં આવી છે. જે ખૂબ જ ઝડપથી બની જશે અને તે ટકાઉ પણ હશે.
• દોરાની રાખડીઃ દોરા મોતીની રાખડી બનાવવી ખૂબ જ સહેલી છે. એક જ રંગ કે જુદા જુદા રંગના દોરા લઈ લો. બે હથેળીને હળવે હાથે મસળતાં જાઓ. દોરાના એક એક એક સેમીની લંબાઈના ગોટા બનાવી લો. એકથી લઈને પાંચ ગોટાની રાખડી સુંદર રીતે બની શકશે. આ દોરોના ગોળ ગોળ ગોટાની વચ્ચે એક એક મોતી ચિપકાવી લો. હવે ચાર તારના દોરાથી આ દરેક ગોટાને મોતી પરોવતાં હોઈએ એમ પરોવી લો. ગોટાની આગળની તરફ અને પાછળની તરફ હાથમાં બાંધી શકાય એટલો દોરો છોડવો.
• કાપડની રાખડીઃ આ રાખડી બનાવવી પણ ખૂબ જ સહેલી છે. કોઈ પણ નવો નક્કોર કાપડનો ટૂકડો અથવા રિબન લો. એની પર ફૂલ, પત્તાં, મોર, કે જે પણ આકારની રાખડી બનાવવી હોય એને ડ્રો કરી લો. ડ્રો કરેલા ભાગથી સિલાઈ કરી શકાય એટલો ભાગ વધારે છોડીને પછી આકાર મુજબ કાપી લો. આજુબાજુની કોરની મજબૂત સિલાઈ કરી લો. આ રાખડીમાં તમે મેચિંગ ગ્લિટર પણ લગાવી શકો અથવા સળી - મોતી, ટીકીનો ઉપયોગ પણ કરી શકો. રાખડીની સજાવટ કર્યાં પછી બંને તરફના ભાગે પાતળી રિબન અથવા દોરાથી એવી રીતે સિલાઈ કરી લો કે જેથી બંને બાજુ દોરા કે રિબનના છેડા છુટ્ટા રહે. રિબન કે દોરાનો ભાગ એટલો લાંબો પણ રહેવો જોઈએ કે જેથી હાથમાં આસાનીથી રાખડી બાંધી શકાય. આ પ્રકારની રાખડીમાં તમે ઈચ્છો તો લેયર વાળી રાખડી પણ બની શકે છે. એમાં કાપડમાંથી જે આકાર કાપો એ એકસરખાં અથવા એક એક સાઈઝ નાના કાપતાં જવા. દરેક લેયર્સના રંગ તમે જુદાં જુદાં પણ પસંદ કરી શકો છો.
• ઊનની રાખડીઃ સૌથી સહેલી અને સૌથી ટકાઉ એટલે ઊન. ઊનની રાખડી માટે અનેક સાદી ડિઝાઈન હોય છે, પણ આપણે અહીં સાવ સહેલી ડિઝાઈન જણાવી રહ્યાં છીએ. ઊનની રાખડી બનાવવા માટે બ્રાઈટ કલરનું ઊન લેશો તો રાખડી ખૂબ જ સુંદર લાગશે. તો રાખડી બનાવવા માટે પહેલાં તો ઊન લો. તમારી પહેલી અને બીજી આંગળીને પાટો બાંધતા હોય તેમ ઊનના દસથી બાર જેટલા આંટા વીંટી લો. છેલ્લા આંટા વખતે બે આંગળીની વચ્ચેના ઊનના બે ગોળ આંટા છૂટા થાય એ રીતે બે આંગળીની વચ્ચે ઊનને બે ચાર વખત ગોળ આંટા ફેરવી લો અને ગાંઠ મારી લો.
હવે આંગળીમાંથી ઊન કાઢીને એને બધી બાજુથી એકસરખું કાપી લો એટલે ગોટો તૈયાર થઈ જશે. આ ગોટાની વચ્ચે મોતી ચિપકાવી શકો છો. હવે એકવડો ઊનના દોરો ગોટામાં એવી રીતે પરોવો કે જેથી તેના બંનં છેડા ખુલ્લા રહે
અને હાથમાં રાખડી બાંધી શકાય એટલી એની લંબાઈ પણ હોય.