સુંદર ત્વચાની સારસંભાળ માટે દર વખતે પાર્લરમાં જવાનું કોઇને પોષાય નહીં. એક તો આ માટે સમય પણ વેડફાય અને બીજું, ખિસ્સું પણ હળવું થાય. આથી ઘરે જ ત્વચા માટે ટોનર બનાવીએ તો કેમ રહેશે? ટોનર માટે સામાન્ય વાત જાણી લો. ક્લેન્ઝિંગ અને ટોનર એક સિક્કાની બે બાજુ સમાન છે. ક્લેન્ઝિંગ કર્યા બાદ ત્વચાને ટોન કરવી જરૂરી છે.
હવે આપણે ટોનર શું છે તે જાણીએ. ટોનર એ વોટર કન્ટેન્ટેડ પ્રોડક્ટ છે. ટોનર એટલે ત્વચાનાં છિદ્રો બંધ કરવા તથા ત્વચા પરના તૈલી પદાર્થને કન્ટ્રોલ કરવા કે દૂર કરવા, ત્વચાનું પીએચ બેલેન્સ જાળવી રાખવા, ક્લેન્ઝિંગ બાદ એના તૈલીપણાને સંપૂર્ણપણે દૂર કરવા વપરાતી પ્રોડક્ટ.
સામાન્ય રીતે બજારમાં મળતા ટોનરની કિંમત એક પાઉન્ડથી માંડીને ૧૦ પાઉન્ડ સુધીની હોય છે. પરંતુ તમે ઘરે બેઠાં જ નેચરલ ટોનર બનાવીને ત્વચાની તેજસ્વિતા મેળવી શકો છો. સામાન્યતઃ આમાં ત્રણ પ્રકાર હોય છે: એસ્ટ્રિન્જન્ટ, ફ્રેશનર, ટોનર.
ત્વચાના ક્લેન્ઝિંગ માટે એસ્ટ્રિન્જન્ટ બહુ જ સ્ટ્રોંગ હોય છે. એમાં આલ્કોહોલનું પ્રમાણ સૌથી વધુ હોય છે. ફ્રેશનરમાં ૫૦ ટકા આલ્કોહોલનું પ્રમાણ હોય છે. ટોનરમાં માત્ર પાંચથી ૧૦ ટકા જ આલ્કોહોલ હોય છે. ત્રણેય પદાર્થોમાં આલ્કોહોલ એક સામાન્ય સામગ્રી છે. એમાં કેમ્ફર અને રોઝ વોટરનું મિશ્રણ હોય છે. સંવેદનશીલ ત્વચા માટે કેમમાઇલ (આયુર્વેદિક વનસ્પતિ) હોય છે. આવી રીતે ટોનરના ત્રણથી ચાર પ્રકાર ગણાય છે.
ટોનિંગના ફાયદાઃ ટોનર ત્વચાને રિફાઇન કરે છે. ત્વચાને શીતળતા બક્ષે છે અને તાજગી આપે છે. ત્વચાનાં ખુલ્લાં છિદ્રોને બંધ કરે છે. મેકઅપ કરતાં પહેલાં પણ ટોનર લગાવવામાં આવે છે, જેથી મેકઅપ લાંબો સમય સુધી રહે છે.
એસ્ટ્રિન્જન્ટ બ્લેક એન્ડ વાઇટ હેડ્સ કાઢ્યા બાદ સ્કિન પર લગાવવામાં આવે છે. આ સમયે એસ્ટ્રિન્જન્ટ ત્વચાને ટાઇટ કરે છે અને ખુલ્લાં છિદ્રોને બંધ કરે છે. આવી રીતે ત્વચાનું ટોનિંગ થાય છે. એસ્ટ્રિન્જન્ટમાં સાઇટ્રિક એસિડ હોય છે. કુદરતી રીતે આવા ગુણધર્મો લીંબુના રસ, ટમેટાનો પલ્પ અને સ્ટ્રોબેરીના પલ્પમાં હોય છે.
ઘરેલુ ટોનરમાં સફેદ વિનેગર, કપૂરનું પાણી અને ગુલાબજળ લગાવી શકાય છે. કોઈ પણ વોટરબેઝ્ડ લોશન રૂના પૂમડા પર લઈને ત્વચા પર થપથપાવીને લગાવવું. મોટા ભાગના લોકોને પ્રોડક્ટનો સાચી રીતે ઉપયોગ કરવાની પદ્ધતિ ખબર જ નથી હોતી. તેઓ મોટા ભાગે પ્રોડક્ટ હાથમાં લઈને અને પછી ખોટી રીતે કોટનના પૂમડા પર લઈને લગાડે છે. સાચી રીત એ છે કે કોટનના પૂમડાને પાણીમાં બોળીને નિચોવી લો. ત્યાર બાદ એનાં પર ત્રણથી ચાર ટીપાં ટોનરનાં મૂકો. પછી એને ચહેરા પર લગાવો, જેથી ત્વચાને ટોનરનો ફાયદો થાય.
કુદરતી ટોનર
• નારંગીની છાલમાં કુદરતી એસ્ટ્રિન્જન્ટ હોય છે. તરબૂચ અને કાકડીનો રસ કુદરતી ટોનર છે. બરફનો ટુકડો પણ ત્વચાના ટોનર તરીકે કામ આપી શકે.
• લીંબુનાં ફૂલને એક કપ પાણી નાખીને ઉકાળી નાખો. એને ઠંડું કરી એટલા જ પ્રમાણમાં ગુલાબજળ ઉમેરો.
• લીમડાનાં પાનને ઉકાળીને એને ઠંડું કરી રાખો. એને ફ્રેશનર તરીકે ઉપયોગ કરી શકાય.
• ફુદીનાનાં પાનને હાથથી મસળીને એને સ્ટીમમાં નાખવાથી ત્વચાને મિન્ટી અસર થશે. આ ફ્રેશનર કુદરતી તાજગી આપે છે.
• મધ હીલિંગના ગુણધર્મો ધરાવે છે. જ્યારે બટાટાનો તાજો રસ તૈલી ત્વચા અને નોર્મલ ત્વચાનું સંતુલન જાળવે છે.
ખાસ કાળજી એ લેવાની કે કોઈ પણ કુદરતી ટોનરને એક અઠવાડિયાથી વધારે ન વાપરવું, કારણ કે આપણે એમાં કોઈ પણ પ્રિઝર્વેટિવ્સ નથી નાખવાનાં.
ટોનર હંમેશાં ચહેરો ધોઈને જ લગાવવું. નહીંતર એની વિપરીત અસર થઈ શકે છે. ધૂળ-રજકણોવાળા ચહેરા પર ટોનર ત્વચાને વધારે ડાર્ક બનાવશે. તો હવે ત્વચા માટે ઘરે જ ટોનર બનાવો અને ઉપયોગ કરો.