ઘરેબેઠાં કરો નેચરલ હેર સ્પા

Tuesday 12th March 2024 06:09 EDT
 
 

વાળને સુંદર અને સ્વસ્થ બનાવવા માટે હેર સ્પા સૌથી ઉત્તમ છે. હેર સ્પા કરવાથી વાળની ચમક વધે છે. આ ઉપરાંત વાળને લગતી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે તેથી સમયાંતરે હેર સ્પા કરવું જોઈએ. હેર સ્પાથી વાળને ગ્રોથ મળે છે. જે લોકો વાળમાં કલર કે સ્ટ્રેટનિંગ કરાવે છે, એમના માટે તો હેર સ્પા બહુ જરૂરી છે. હેર સ્પાથી વાળને પોષણ મળે છે તથા બેમુખી અને શુષ્ક વાળથી છૂટકારો મળે છે.
• વાળમાં મસાજ કરોઃ હેર સ્પા કરવાનું સૌથી પહેલું સ્ટેપ છે મસાજ. માથામાં મસાજ કરવા માટે નાળિયેર કે ઓલિવ ઓઇલને નવશેકું ગરમ કરી લો. ગરમ કર્યા બાદ પંદરથી 20 મિનિટ સુધી હળવા હાથે માથામાં મસાજ કરો. મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને વાળનો ગ્રોશ પણ થાય છે.
• હેર કન્ડિશનિંગ કરોઃ વાળને શેમ્પુ કર્યા પછી એક સારી ક્વોલિટીનું કન્ડિશનર લગાવવું જરૂરી છે. જો તમે કન્ડિશનરનો ઉપયોગ નથી કરતાં તો ચાના ઉકાળેલા પાણીમાં લીંબુના રસનાં ટીપાં નાખી દો. આ મિશ્રણને ગાળી લો. ઠંડુ પડે એટલે વાળમાં લગાવો.
બીટની પેસ્ટ પણ કન્ડિશનરનું કામ કરે છે. બીટને છોલીને તેને મિક્સરમાં કશ કરી લો. એકરસ થાય પછી તેને વાળમાં લગાવી દો. આ ઉપરાંત દહીં પણ વાળમાં લગાવી શકાય છે. જો તમે વાળમાં દહીં, ચાનું પાણી કે બીટની પેસ્ટ એમાંથી કંઈ લગાવી રહ્યા હોવ તો તેને અડધો કલાક વાળમાં લગાવી રાખો. એ પછી સાદા પાણીથી ધોઈને પછી ફરી માઇલ્ડ શેમ્પૂ કરી લો. જો તમે કન્ડિશનર લગાવો છો તો, પાંચથી સાત મિનિટ પછી સાદા પાણીથી ધોઈ લો. કન્ડિશનર લગાવ્યા બાદ કરી શેમ્પુ કરવાની જરૂર નથી.
• વાળને સ્ટીમ આપો: મસાજ કર્યા પછી વાળને સ્ટીમ આપવી જરૂરી છે. સ્ટીમ આપવા માટે ગરમ પાણીમાં કોટનના એક મોટા ટુવાલને ડુબાડી નિચોવી લો. આ ટુવાલને બધા વાળ સારી રીતે કવર થાય એ રીતે માથા પર લપેટી લો. આશરે પાંચથી દસ મિનિટ સુધી ટુવાલને આ રીતે લપેટી રાખો. એનાથી સ્કેલ્પમાં લગાવેલું તેલ મુળ સુધી પહોંચે છે.
• હેર વોશઃ વાળને સ્ટીમ આપ્યા બાદ કોઈ માઇલ્ડ શેમ્પુથી હેર વોશ કરી લો. હેર વોશ કરતી વખતે સાદા પાણીનો ઉપયોગ કરો જો ઠંડીની ઋતુ હોય તો નવશેકું ગરમ પાણી લઈ શકો. બાકી વધુ પડતાં ગરમ પાણીનો ઉપયોગ કરવાનું ટાળો
• હેર માસ્કઃ હેર માસ્ક સ્પાનું છેલ્લું સ્ટેપ છે. તૈયાર હેર માસ્ક તમે લગાવી શકો. જો એમ ન કરવું હોય તો એક કેળામાં એક ચમચી મધ અને થોડું નાળિયેરનું તેલ મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવો. આ પેસ્ટને અડધો કલાક રહેવા દઈ હેર વોશ કરી નાંખો. હેર સ્પા કમ્પ્લીટ થઈ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter