દરેક યુવતી અને મહિલાઓને તેમની ત્વચા સ્વસ્થ અને સુંદર હોય તેવી ઈચ્છા હોય છે તો ઘરમાંથી જ કેટલીક ચીજો એવી હોય છે કે તેનાથી ત્વચાને નિખાર મળી રહે છે. મોસમ કોઈ પણ હોય ઘરમાં જ કેટલાક લોટના માસ્કના ઉપયોગથી ત્વચા નિખારી શકાય છે. અહીં બે પ્રકારના બ્યુટી ટ્રીટમેન્ટમાં ઉપયોગમાં લઈ શકાય તેવા માસ્કની રીત અને ટીપ્સ અપાઈ છે. એક તો છે ચણાના લોટ અને લીંબુનું માસ્ક અને બીજું ચોખાના લોટનું માસ્ક.
દરેક છોકરી કે મહિલા ઈચ્છે છે કે તે સુંદર દેખાય તેના માટે તેઓ મેકઅપથી લઈને મોંઘી બ્યુટી ટ્રીટમેન્ટસનો પણ સહારો લે છે. જોકે ઘરમાં જ પરવડે તેવી અને આસાનીથી ઉપલબ્ધ બ્યુટી ટ્રીટમેન્ટ મેળવી શકાય છે. કેટલીક વખત બહારથી મળેલી સ્કિન ટ્રીટમેન્ટમાં એલર્જી પણ થઈ શકે છે, પરંતુ ઘરમાં આહારના ઉપયોગમાં લેવાતી આ ચીજોથી મોટાભાગે એલર્જી પણ થતી નથી. છતાં આ ઘરેલુ માસ્કથી તમને આડઅસર થતી નથી એ જાણવા પહેલાં હાથ પર આ લેપ કે માસ્કનો ઉપયોગ કરી જુઓ.
ચણા - લીંબુ માસ્ક
ચહેરાને નિખારતા ચણા - લીંબુના માસ્કનો ફાયદો એ છે કે ચણા સ્કિનને એક્સફોલિએટ કરીને ડેડ સેલ્સને રિમૂવ કરે છે. ખીલને દૂર કરે છે અને સનટેન પણ હટાવે છે. આટલું જ નહીં ચહેરા પરના ડાઘ દૂર કરવામાં પણ તે મદદ કરે છે. તો લીંબુમાં સ્કિન લાઈટનિંગ પ્રોપર્ટીઝ હોય છે જ્યારે ચણા અને લીંબુમાં રહેલા તત્ત્વો સાથે મળે છે તો ચહેરા પર નિખાર આવે છે. ચણા - લીંબુનું માસ્ક બનાવવા માટે ૨-૩ ચમચી બેસન લો અને તેમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. તેમાં ૨-૩ ટીપાં ગુલાબજળનાં નાંખી શકો છો. હવે આ માસ્કને ચહેરા પર સરખી રીતે લગાવી દો. અડધા કલાક બાદ ફેસ ધોઈ લો, આ માસ્કને અઠવાડિયામાં બે દિવસ લગાવો. થોડા સમયમાં જ અસર દેખાવા લાગશે.
ચોખાના લોટનું માસ્ક
ચોખાનું માસ્ક બનાવવા માટે ૩ ટેબલ સ્પૂન ચોખાના લોટને બાફી લો. તેમાં ગાયનું દૂધ પણ મિક્સ કરી શકાય. આ માસ્કને એકાદ કલાક જેટલું ચહેરા પર રહેવા દો. અઠવાડિયામાં બે દિવસ આ પ્રયોગ કરવો. ગોલ્ડન રાઈસમાં ભરપુર વિટામિન એ હોય છે. ગોલ્ડન રાઈસનું ખીરું બનાવીને તેને અડધો કલાક ચહેરા પર લગાવો. ચહેરા પર ખીરું સુકાઈ જાય પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. ખીરામાં ગુલાબજળ પણ ઉમેરી શકાય.