વાળમાં ખોળો થવો, વાળ ખરવા અને વાળમાં ડ્રાયનેસ આવવા જેવી સમસ્યાઓ બહુ સામાન્ય બનતી જાય છે. અનિયમિત જિંદગી, તણાવ અને વાતાવરણમાં પ્રદૂષણની પણ વાળ પર ખૂબ જ ખરાબ અસર થાય છે. દરેક સમસ્યાઓ વચ્ચે પણ વાળને હેલ્ધી રાખવાનું મુશ્કેલ છે પણ અશક્ય નથી. તમારા વાળ તમારા વ્યક્તિત્વને રજૂ કરવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી વાળને હેલ્ધી રાખવા માટે જ અહીં કેટલીક ઘરેલુ અને વાળ માટે ગુણકારી ટિપ્સ આપી છે. જેને અનુસરીને તમે પણ ચમકદાર, ઘટાદાર અને રેશમી ઝુલ્ફો મેળવી શકશો.
દિવેલની માલિશ
તમારા કેશને પોષણ મળી રહે તે માટેનો આ સૌથી જૂનો અને અસરકારક ઉપાય છે. દિવેલમાં પ્રોટિન, ફેટી એસિડ, એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોવાથી હેર ફોલિકલ્સને ફાયદો થાય છે. વાળના સ્કેલ્પમાં રોજ દિવેલ લગાડો. એનાથી વાળનો વિકાસ થશે અને દરેક વાળ ભરાવદાર અને મજબૂત બનશે.
માથામાં દિવેલ લગાડવા માટે થોડાં ટીપાં દિવેલ આંગળીના ટેરવા પર લો. તેનાથી માથામાં મસાજ કરો. ૩૦ મિનિટ જેટલો સમય દિવેલ રાખો. વધુ સમય માટે દિવેલ રાખી શકો એમ હોય તો વધુ સારું બાકી હૂંફાળા પાણીથી ધોઈ શકો છો.
શુદ્ધ દિવેલથી કેટલાક લોકોને એલર્જી થતી હોય છે તેથી જો દિવેલના ઉપયોગથી તમને ઇરિટેશન અને રેશિસની સમસ્યા થતી હોય તો દિવેલના ઉપયોગ કરતાં પહેલાં ડર્મેટોલોજિસ્ટની સલાહ લો.
નારિયેળનું તેલ
કોપરેલ કન્ડિશનર અને મોઇશ્ચરાઈઝર બંને તરીકે કામ કરે છે. એનાથી લોહીનું પરિભ્રમણ પણ વધે છે. જુદા જુદાં પ્રોટિન અને વિટામિન ઇ, આયર્ન જેવાં ન્યૂટ્રીઅન્ટ્સને કારણે વાળ હેલ્ધી અને જાડા થાય છે. તમે દરરોજ કોપરેલ લગાડી શકો, પરંતુ અઠવાડિયે બે-ચાર દિવસ લગાડશો તો પણ સારું પરિણામ મળશે.
માથામાં કોપરેલની માલિશ કરી તેલને આખી રાત માથામાં રહેવા દો. સવારે વાળ ધોઈ નાંખો.
ઓલિવ ઓઇલ
ઓલિવ ઓઇલમાં વિટામિન એ અને ઈ હોય છે. વિટામિન ઈ દરેક વાળને નરીશ કરે છે અને વિટામિન એ આપણા શરીરમાં નેચરલ ઓઇલ ઉત્પાદનને ઉત્તેજન આપે છે જે વાળની વૃદ્ધિમાં સહાય કરે છે. થોડાંક અઠવાડિયામાં સારું પરિણામ જોઈતું હોય તો દિવસના ઓછામાં ઓછું એક વાર તો ઓલિવ ઓઇલ વાળમાં લગાડવું જ જોઈએ.
તમારી આંગળીના ટેરવા પર ઓલિવ ઓઇલ લો અને માથામાં મસાજ કરો. થોડા કલાક બાદ હૂંફાળા પાણીથી કે શેમ્પુથી હેર વોશ કરો.
કાંદાનો રસ
વાળના ગ્રોથ માટે કાંદાનો રસ સારામાં સારો ઉપાય છે. એમાં સલ્ફર, સેલેનિયમ, મિનરલ્સ, બી અને સી વિટામીન હોય છે જે વાળની વૃદ્ધિ માટે સારાં છે. એનાથી વાળ ઝડપથી વધે છે. એ હેર ફોલિકલ્સને મજબૂત કરે છે. કાંદાની વાસ જો પસંદ ન આવતી હોય તો તેમાં લીંબુનો રસ નાંખવો જોઈએ. અઠવાડિયામાં બે દિવસ વાળમાં કાંદાનો રસ લગાડો. કાંદાને સમારી મિક્સરમાં પેસ્ટ બનાવો. એને ગાળી લો. આ રસને વાળમાં લગાડી એક કલાક રહેવા દો. એ પછી વાળને ધોઈ નાંખો
એલોવેરા
એલોવેરામાં એલોનિન નામનું તત્ત્વ હોય છે જે વાળની વૃદ્ધિમાં મદદ કરે છે. એલોવેરા જેલ નોનસ્ટીકી હોય છે અને જલદી વાળમાં એબ્સોર્વ થઈ જાય છે. એટલે કે દિવસના ઘણી વાર લગાડી શકાય. એલોવેરાના પાનની ઉપરનું લેયર કાઢી જેલ કાઢો. જેલ વાળમાં લગાડો. વાળમાં એબ્સોર્વ થાય ત્યાં સુધી મસાજ કરો. એલોવેરા જેલ ફ્રીઝમાં પણ રાખી શકાય.
લીંબુનો રસ
લીંબુમાં વિટામીન બી, સી, ફોલિક એસિડ અને અન્ય પોષક તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે એટલે તે માથામાં લગાડવાથી વાળ ઝડપથી વધે છે. લીંબુ લગાડો ત્યારે થોડી બળતરા થાય એ સ્વાભાવિક છે. જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો લીંબુનો ઉપયોગ ન કરો. લીંબુ લગાડયા બાદ બે કલાક સુધી તડકામાં પણ ન નીકળો.
અક્સીર દૂધ
દૂધમાં બે જરૂરી પ્રોટિન્સ કેસિન અને વ્હે હોય છે. આ બે વાળનો ગ્રોથ વધારે છે. દરરોજ દૂધનો પ્રયોગ કરવાથી ઇચ્છિત પરિણામ જલદી મળે છે. માથામાં દૂધ ભરીને રાખો. તાજુ દૂધ હોય તો વધુ ઉત્તમ. માથામાં દૂધ ભરીને હળવેથી મસાજ પણ કરી શકાય. ૧૫ મિનિટ બાદ વાળને પાણીથી ધોઈ નાંખો.