ચહેરા પ્રમાણે રાખો આંખોનો શેપ

Tuesday 24th April 2018 02:55 EDT
 
 

ચહેરાની પ્રાકૃતિક રચના પ્રમાણે ચહેરાના દરેક અંગનું પોતાનું અલગ મહત્ત્વ અને સૌંદર્ય છે. ચહેરાના દરેક ભાવને આંખો પ્રદર્શિત કરે છે તેવું કહેવાય છે. આ હાવભાવને પ્રદર્શિત કરવામાં આંખો સાથે આઈબ્રો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ચહેરાની સુંદરતાનો અગત્યનો ભાગ આંખો અને ભ્રમર છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’માં દીપિકા પદુકોણેને અનઆઈબ્રો જોઈને એ ટ્રેન્ડ પણ યુવતીઓ અને મહિલાઓએ હમણાં અપનાવ્યો છે અને કેટલીક માનુનીઓ અનઆઈબ્રો પણ જોવા મળે છે. બોલિવૂડની અભિનેત્રી કાજોલ પણ અનઆઈબ્રો કે બંને ભ્રમર જોડાયેલી રાખતી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તેને પણ ઘણી યુવતીઓ કે મહિલાઓ ફોલો કરતી જોવા મળે છે. એ પછી તાજેતરમાં જ પ્રિયા પ્રકાશ વોરિયરની મલયાલમ ફિલ્મના સ્કૂલ સોંગમાં પ્રિયાને ભ્રમરો નચાવતી જોયા પછી સ્કૂલની વિદ્યાર્થિનીઓ – કિશોરીઓ પણ તેના જેવી આઈબ્રોનો શેપ કરાવતી જોવા મળે છે. જોકે બ્યુટિશિયનોનું કહેવું છે કે કિશોરીઓ કે યુવતીઓએ વારંવાર આઈબ્રો સેટ કરાવવી જોઈએ નહીં.

નાની ઉંમરે આઈબ્રો ન કરાવો

ઘણી યુવતીઓ એકવાર આ રીતે આઈબ્રો સેટ કરાવે એ પછી થોડા થોડા સમયના અંતરે તેમણે આઈબ્રોને સેટ કરાવ્યા જ કરવી પડે છે નહીંતર ભ્રમરના આડેધડ ઊગેલા અવ્યવસ્થિત વાળ તેમના ચહેરાને ખરાબ બનાવે છે.

આઈબ્રોને આકાર આપતી બહેનોએ એક વાત સમજી લેવા જેવી છે. તેની શરૂઆત બહુ નાની ઉંમરે ન કરવી. નાની ઉંમરે ભ્રમરના વાળનું વારંવાર થ્રેડિંગ અને પ્લકિંગ પણ હિતાવહ નથી. ભ્રમરના મૂળ આકારને વધુ પડતી કાપકૂપ કરીને નવો આકાર આપવો પણ નાની ઉંમરે હિતાવહ નથી.

ત્વચાના છિદ્રોને નરસી અરસ

વારંવાર થ્રેડિંગ કરવાથી આંખની આજુબાજુની ત્વચાના છિદ્રો મોટા થાય છે. ક્યારેક ખોટી રીતે વાળને ખેંચવાથી ત્યાં લોહી જમા થઈ જાય છે અને ભૂરા બ્રાઉન કે લીલા રંગના ચકામા પડે છે. નેચરલ આઈબ્રો હોય તેને સાધારણ આકાર આપી આજુબાજુના વધારાના વાળ દૂર કરવા. આઈબ્રો પર કદી રેઝરનો ઉપયોગ ન કરવો. અમુક કિસ્સામાં વાળને ખેંચવાથી ઈન્ફેક્શન, સેપ્ટિક કે ઝીણી ઝીણી ફોલ્લી થવાના બનાવો પણ બને છે. ઘણીવાર આંખોની આજુબાજુ સોજો પણ આવી જાય છે. સ્કીન ટોનિક લગાવવામાં ન આવે તો છિદ્રો પહોળા રહે છે અને સોજા પણ રહે છે. પ્લકરથી આઈબ્રોના વાળ ખેંચવામાં આવે ત્યારે વાળને બદલે ત્વચા પકડાઈ જાય તો ચીપટી આવી જાય છે અને ત્યાં લોહી બાજી જવાથી લોહી નીકળવાની શક્યતા પણ રહે છે. તેથી વારંવાર પ્લકિંગ કે થ્રેડિંગ ન કરાવવું. થ્રેડિંગ કરાવ્યા પછી આંખની આસપાસ વધારાના વાળ ઊગે તો તેને પ્લકર વડે સાચવીને ખેંચવા. નાહ્યા પછી અથવા ચહેરો ધોયા પછી તરત પ્લકિંગ કરવું જેથી ત્વચાના છિદ્રો ખુલ્લા જ હોય ને વાળ સરળતાથી ખેંચાઈ જાય. પ્લકિંગ પછી ઠંડુ પાણી, બરફનો ટુકડો અથવા સ્કિન ટોનિક લગાવો.

ગ્રોથ ન હોય તો વારંવાર થ્રેડિંગ

જે બહેનોની ભ્રમરનો ગ્રોથ ઓછો હોય તેમણે એકવાર થ્રેડિંગ કરાવવું. જેથી મૂળ હશે તો વાળ ઉગવાને પ્રોત્સાહન મળશે. રોજ રાત્રે ભ્રમર પર દીવેલ કે ઘી લગાવવાથી ભ્રમર કાળી થાય છે. સખી, ભ્રમર એ ચહેરાની આગવી શોભા છે. તેને ચહેરાના આકાર મુજબ વળાંક આપો.

ચહેરા પ્રમાણે ભ્રમર સેટ કરવી

ચહેરાના આકાર પ્રમાણે આઈબ્રોને વળાંક આપવો. ચહેરાનો આકાર કુદરતી હોય છે, પણ હેરસ્ટાઈલથી કે મેકઅપથી તેનો આકાર બદલી શકાય છે એ જ રીતે આઈબ્રો પણ ચહેરાને સૂટ થાય એ રીતે તેનો આકાર આપવો જોઈએ. દરેક વ્યક્તિનો ચહેરો ભૂમિતિનો કોઈ આકાર તો ધારણ કરે જ છે પણ વાળની સ્ટાઈલને કારણે ચહેરાનો સ્પષ્ટ આકાર દેખાતો નથી. ચહેરાનો આકાર જાણવા માથાના વાળને પાછળથી બાજુથી ટાઈટ ખેંચી પછી અરીસામાં જુઓ પછી આઈબ્રો સેટ કરાવો.

લંબગોળ ચહેરો હોય તો

ચહેરો લંબગોળ હોય તો લાંબી આઈબ્રો સારી લાગે છે. આંખની અંદર, બાજુથી જરા જાડી અને ક્રમશઃ પાતળી, લાંબી સાધારણ વળેલી આઈબ્રો લંબગોળ ચહેરાને શોભે છે.

ગોળ ચહેરો હોય તો

જો ચહેરો ગોળ હોય તો આંખના છેલ્લા ખૂણાથી સહેજ વધારે રખાયેલી ભ્રમર સારી લાગે છે. ઉપલા પોપચાની શરૂઆતથી શરૂ કરી લમણા સુધી ભ્રમર લંબાવેલી રાખવી. વળાંક ન લેવો. સાધારણ પાતળી પણ રાખવી.

ચોરસ ચહેરો હોય તો

ચાર તરફ ખૂણાઓ દેખાય ને જડબામાં ખૂણા પડે તેવા ચોરસ ચહેરા પર બહુ સીધી નહીં પણ જરાક વળેલી અથવા અર્ધગોળાકારે હોય એવી આઈબ્રો સારી લાગે છે. જો ચહેરો લંબ ચોરસ હોય તો મધ્યભાગમાંથી સહેજ વળાંક આપી પછી આઈબ્રો સીધી નીચે તરફ ખેંચી જવી.

ત્રિકોણ ચહેરો હોય તો

જો ચહેરો ત્રિકોણકાર હોય તો સીધી અને એક છેડાની બાજુ જરાક નીચેની તરફ જાય તેવી વળેલી આઈબ્રો સારી લાગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter