ચહેરાની સુંદરતા નિખારતો મેકઅપ

Wednesday 12th April 2023 09:44 EDT
 
 

મેકઅપ આપણા ચહેરાની સુંદરતા તો વધારે જ છે, આ ઉપરાંત યોગ્ય રીતે મેકઅપ કરવામાં આવે તો ચહેરા ઉપર ઇન્સ્ટન્ટ ગ્લો પણ આવે છે. બસ આ માટે મેકઅપનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઇએ. મેકઅપમાં તમારે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું હોય છે. એ માટે તમને બેઝિક મેકઅપ કરતા આવડવો જોઈએ. તો આજે બેઝિક મેકઅપ ટિપ્સની વાત કરીશું, જેનાથી મિનિટોમાં ગ્લોઇંગ સ્કિન મેળવી શકો છો.

• પ્રાઇમરઃ ગ્લોઇંગ ત્વચા મેળવવા માટે સૌથી પહેલાં ચહેરા ઉપર પ્રાઇમર લગાવવું જોઇએ. ફેસ પ્રાઇમર તમારા પોર્સને બ્લર કરે છે. એનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા ઓઇલી થતી નથી. ફેસ પ્રાઇમર લગાવવાથી ચહેરા પર મોઇશ્ચરાઇઝર જળવાઇ રહે છે. આ તમારી સ્કિન અને મેકઅપની વચ્ચે એક લેયર બનાવે છે. તમારા ચહેરા ઉપર સારી રીતે ફેસ પ્રાઇમર લગાવી દો અને આશરે ચારથી પાંચ મિનિટ સુધી લગાવીને રાખો. જેથી ચહેરા પર સારી રીતે મેસઅપ થઇ જાય.
• ફેસ મિસ્ટઃ ફેસ મિસ્ટનો ઉપયોગ કરવાથી ત્વચાને નિખાર મળે છે. મેકઅપ માટે તમારી ત્વચાને તૈયાર કરે છે. તો ફેસ મિસ્ટથી તમારા ચહેરાને હાઇડ્રેટ કરી લો. ચહેરા પર બેથી ત્રણ વખત ફેસ મિસ્ટથી સ્પ્રે કરી લો. ફેસ મિસ્ટના ઉપયોગથી તમારી સ્કિન હેલ્ધી દેખાશે.
• ફાઉન્ડેશન - હાઇલાઇટરઃ ચહેરા ઉપર ગ્લો આવે એવું તમે ઇચ્છતા હો તો ફાઉન્ડેશન અને હાઇલાઇટરને મિક્સ કરીને લગાવવું જોઇએ. હથેળીમાં હાઇલાઇટર અને ફાઉન્ડેશનને સરખા પ્રમાણમાં લઇને મિક્સ કરો. હવે તેને ગાલ, કપાળ, નાક અને દાઢી ઉપર ટપકાં કરો. એ પછી ફાઉન્ડેશન બ્રશ કે સ્પોન્જ લો અને તેની મદદથી આખા ચહેરા પર લગાવી લો. ફાઉન્ડેશન અને હાઇલાઇટરના મિશ્રણને તમારા ચહેરાની સાથે સાથે ગરદન ઉપર પણ લગાવો.
• કન્સીલરઃ કન્સીલર થિક હોય છે, જેના ઉપયોગથી તમે તમારા ચહેરા પરનાં ડાર્ક સર્કલ, બ્લેમિશ અને પિગ્મેન્ટેશનને છુપાવી શકો છો. ફાઉન્ડેશન લગાવ્યા પછી કન્સીલર લગાવવું જોઇએ. એનાથી તમારા ચહેરાને હાઇલાઇટેડ લુક મળશે. કન્સીલરને ટ્રાયેંગ્યુલર ફોર્મમાં તમારી આંખ નીચે લગાવો. પછી કન્સીલરને તમારી આંગળી કે બ્રશની મદદથી બ્લેન્ડ કરી લો.
• હાઇલાઇટરઃ હાઇલાઇટર લાઇટ રિફ્લેક્ટિંગ હોય છે. હાઇલાઇટર તમને લિક્વિડ, પાઉડર અને ક્રીમ ફોર્મમાં મળી જશે. ગ્લોઇંગ ત્વચા મેળવવા માટે છેલ્લે હાઇલાઇટરનો બીજી વખત ઉપયોગ કરવો જોઇએ. હાઇલાઇટરને તમારા ગાલ પર લગાવો, નેચરલ ફિનિશિંગ મેળવવા માટે તમારી સ્કિનમાં સારી રીતે બ્લેન્ડ કરી લો. હવે તમારો ચહેરો ગ્લો કરશે.
જોકે આ બધું કરતાં પહેલાં આટલી બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું જોઇએ. જેમ કે, હંમેશાં તમારા ચહેરાને સ્વચ્છ રાખવો જોઇએ. કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરતાં પહેલાં ચેક કરી લો કે તે તમારી સ્કિનને માફક આવશે કે નહીં. સ્કિન કેર રુટિનને ફોલો જરૂર કરો. હંમેશા સ્ટાન્ડર્ડ મેકઅપ પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરો, સસ્તી પ્રોડક્ટ્સ ક્યારેક તમારી ત્વચા માટે બહુ નુકસાનકારક સાબિત થઇ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter