તુલસી પત્રને આપણે બહુ પવિત્ર ગણીએ છીએ, પરંતુ શું તમે એ જાણો છો કે તે પવિત્ર છે એટલા જ ત્વચા માટે પોષક પણ છે? હા, તુલસીના પાન સૌંદર્ય નિખારવામાં પણ બહુ ઉપયોગી છે. તુલસીમાં એન્ટિઓક્સિડન્ટ, એન્ટિસેપ્ટિક અને એન્ટિઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ત્વચાની રંગતને નિખારવામાં મદદ કરે છે. ત્વચાને ઠંડક આપવાની સાથે સાથે ચહેરાના બ્લડ સર્ક્યુલેશનને વધારીને ચહેરાને નિખારવાનું કામ કરે છે.
• તુલસીનો ફેસપેકઃ તુલસીનાં પાનને ક્રશ કરીને તેનો રસ કાઢી લો અને આ રસને સીધો ચહેરા પર લગાવી લો. તેને અડધો કલાક બાદ સાદા પાણીથી ધોઈ લો. અથવા તો કાચના બાઉલમાં તુલસીનાં પાન લો અને એમાં બે ચમચી ચોખાનો લોટ અને એક ચમચી મધ નાંખીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને અડધો કલાક બાદ ચહેરાને ધોઈ નાંખો. આ પેકથી ત્વચા ટાઇટ અને ચમકદાર બનશે. તુલસીનો ફેસ પેક બનાવવા માટે દસથી પંદર તુલસીનાં પાન, બે ચમચી દહીં, અડધી ચમચી મધ અને એક ચમચી ચોખાનો લોટ લો. તુલસીનાં પાનને પીસીને નાના બાઉલમાં નાખી દો. હવે એમાં ઉપરની તમામ સામગ્રી મિક્સ કરીને ક્રિમી પેસ્ટ તૈયાર કરી લો.
આ ફેસપેકને કાચની એરટાઈટ બોટલમાં ભરીને ફ્રીઝમાં રાખી દો. જ્યારે જરૂર પડે ત્યારે ચહેરા પર 15 મિનિટ સુધી લગાવ્યા બાદ ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ પેકને રેગ્યુલર લગાવવાથી ચહેરો કોમળ, મુલાયમ અને આકર્ષક બનશે.
જો તમારે ચહેરા પરના ડાઘ, ધબ્બાને દૂર કરવા છે તો બે લવિંગની સાથે લીમડો અને તુલસીનાં પાનને સરખા પ્રમાણમાં લો. એમાં જરાક પાણી નાંખી તેને મિક્સરમાં કશ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને આંખની આસપાસની જગ્યાને બાદ કરીને આખા ચહેરા પર લગાવી દો. અડધો કલાક બાદ ચહેરો ધોઈ લો.
• તુલસીનું ટોનરઃ તુલસીનું ટોનર બનાવવા માટે તુલસીનાં પાનને પાણીમાં ઉકાળો અને પછી એ પાણીને ઠંડુ કરીને એક બોટલમાં ભરીને રાખી મૂકો. રોજ રાત્રે સૂતા પહેલાં આ ટોનરને ચહેરા પર લગાવવાથી ત્વચામાં તાજગી જળવાઇ રહેશે અને પોર્સ પણ ઓછા થઇ જશે. તુલસીના ટોનરથી ખીલની સમસ્યામાંથી છુટકારો મળશે અને ત્વચા નિખરી ઊઠશે.
• તુલસીનું સ્ક્રબઃ તુલસીનું સ્ક્રબ ત્વચાના ડેડ સેલ્સને દૂર કરવામાં મદદ કરે છે. ચહેરાની સુંદરતા નિખરી ઊઠે છે. તુલસીનાં પાનનું સ્ક્રબ બનાવવા માટે દસથી પંદર તુલસીનાં પાન, એક ચમચી મધ, એક ચમચી લીંબુનો રસ, એક ચમચી ખાંડ, ચોખાનો લોટ અને ઓટમીલ એક ચમચી લો. સ્ક્રબ બનાવવા માટે સૌથી પહેલાં તુલસીનાં પાનને ધોઈને સૂકવી દો. પછી તેને બ્લેન્ડરમાં નાંખીને પીસીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. કાચના બાઉલમાં તુલસીની આ પેસ્ટ લઈને એમાં ઉપરની તમામ સામગ્રી બરાબર મિક્સ કરી દો. હવે આ મિશ્રણને ચહેરા પર હળવા હાથે લગાવીને ચહેરા પર મસાજ કરો અને 10-15 મિનિટ પછી ચહેરો ધોઈ નાંખો.
તુલસીનો ઉપયોગ સ્કિન ઈન્ફેક્શન જેવી સમસ્યામાં ફાયદાકારક છે, તુલસીનો રસ ડાઘ-ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે. ત્વચા પર પડતી કરચલીઓને અટકાવવામાં પણ તે બહુ ઉપયોગી છે.