તૈલીય ત્વચા માટે ઘરગથ્થુ ઉપાય કરવાથી ત્વચાને લગતી ઘણી સામાન્ય તકલીફો દૂર થાય છે. જેમ કે, એક બાઉલમાં એક ચમચો ચોખાનો લોટ, અડધો ચમચો ચંદન પાવડર, પા ચમચો હળદર અને દહીં ભેળવી પેસ્ટ બનાવવી. સૌથી છેલ્લે તેમાં ગુલાબજળ ભેળવવું. આ પેસ્ટને ચહેર ઉપર લગાડવી અને દસેક મિનિટ પછી હળવે હળવે સ્ક્રબ કરતાં કરતાં આ પેસ્ટ ચહેરા પરથી દૂર કરી ચહેરો ધોઇ નાખવો.
જ્યારે ડ્રાય સ્કીન માટે મસૂરની દાળનું ઉબટન ઉત્તમ છે. બે ચમચા મસૂરની દાળનો લોટ અથવા ભુક્કો, એક ચમચો મધ, ચાર ચપટી હળદર અને પેસ્ટ બનાવવા માટે કાચું દૂધ અથવા તો મલાઇનો ઉપયોગ કરવો. આ પેસ્ટ ચહેરા પર લગાડી સુકાઇ જાય પછી ચહેરો ધોઇ નાખવો. થોડાક દિવસ આ પ્રયોગ કરી જૂઓ તમને ત્વચામાં નિખાર નજરે ચઢશે.
જો ચહેરા પર ખીલની સમસ્યા હોય તો એક બાઉલમાં બે ચમચા ચણાનો લોટ, એક ચમચો કોર્નફ્લોર, પા ચમચો હળદર લો અને તેની પેસ્ટ બનાવવા માટે તેમાં ટામેટાનો રસ ભેળવવો. પેસ્ટ બનાવવા માટે ગુલાબજળ પણ મિક્સ કરી શકાય. ચહેરા પર લગાડી દો અને સુકાઇ ગયા બાદ ધોઇ નાંખો.