ચહેરાને યંગ લુક આપશે બુશી આઇબ્રો

Wednesday 26th August 2015 07:53 EDT
 
 

સપ્રમાણ એકસરખી આઇબ્રો ચહેરાને બેલેન્સ કરવાનું કામ કરે છે. આપણે સહુ જાણીએ છીએ કે સ્પષ્ટ અને સુંદર આઇબ્રો ચહેરા પર ઘરેણાનું કામ કરે છે. આથી જ તો મોટા ભાગની મહિલાઓ પોતાની આઇબ્રોના આકારને લઈને સૌથી વધુ ચિંતિત હોય છે. એક સમય એવો પણ હતો કે પાતળી અને અણિયાળી આઇબ્રો સ્ત્રીઓને પ્રિય હતી. જોકે બ્યુટી એક્સપર્ટસનો સ્પષ્ટ અભિપ્રાય છે કે બહુ પાતળી આઇબ્રો તમારી ઉંમર હોય એના કરતાં વધારે દેખાડવાનું કામ કરે છે, જ્યારે જાડી આઇબ્રો તમને યંગ લુક આપે છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી બુશી (જાડી) આઇબ્રો લેટેસ્ટ બ્યુટી ટ્રેન્ડ તરીકે પ્રચલિત બની રહી છે. પેનેલોપ ક્રૂઝ અને મડોના જેવી સેલિબ્રિટીથી માંડીને બોલીવુડની દીપિકા પાદુકોણ અને કરીના કપૂર પણ હવે આવી જાડી આઇબ્રોથી ચહેરાનું સૌંદર્ય નિખારી રહી છે. તમારી ઇચ્છા પણ આ સેલિબ્રિટીસની જેમ પોતાની આઇબ્રોની જાડાઈ વધારવાની હોય તો આટલું અવશ્ય કરો.

આઇબ્રો ફરી પાછી ઊગવા દો

ઘણી યુવતીઓની આઇબ્રો જરૂર કરતાં વધુ પડતા પ્લકિંગ, થ્રેડિંગ કે વેક્સિંગથી પાતળી થઈ જાય છે. તો કેટલીક વાર વધતી ઉંમર, શરીરમાં પોષકતત્ત્વોનો અભાવ, કોસ્મેટિક પ્રોડક્ટ્સની ખામી, અયોગ્ય કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ, હાઇપોથાઇરોડિઝમ અને એક્ઝિમા જેવી બીમારીને પગલે પણ આ તકલીફ થાય છે. તો ક્યારેક રેડિયેશન અને કીમોથેરપી જેવી કેન્સરની ટ્રીટમેન્ટ પણ આ મુશ્કેલી સર્જી શકે છે. આવા સમયે આઇબ્રોની જાડાઈ વધારવાનો સૌથી સરળ અને સીધો રસ્તો એ જ છે કે થોડા સમય માટે આઇબ્રોને જેમ છે એમ જ છોડી દેવી, કશું જ ન કરવું અને તમે જેની સાથે જન્મ્યા હતા એ આઇબ્રોના કુદરતી આકારને ચહેરા પર પાછો બનવા દેવો. આવું કરતી વખતે કદાચ થોડા દિવસ તમને તમારો ચહેરો અરીસામાં જોવો ન પણ ગમે તેવું પણ બની શકે અથવા કેટલાક વાળ તમને સાવ બિનજરૂરી લાગે એવું પણ બની શકે છે, પરંતુ શક્ય છે કે તમને બિનજરૂરી લાગતા એ જ વાળ પાર્લરમાં કામ કરતા પ્રોફેશનલ્સને તમારી આઇબ્રોની જાડાઈ વધારવામાં ઉપયોગી સાબિત થઇ શકે છે.

આઇબ્રો-પેન્સિલ કે આઇ-શેડોનો ઉપયોગ

આ સમયગાળા દરમિયાન બની શકે કે તમને તમારો ચહેરો વેરવિખેર લાગે તો એનો ઉપાય પણ છે. બહાર જવાનું હોય ત્યારે આઇબ્રોને વ્યવસ્થિત દેખાડવા તમે આઇબ્રો-બ્રશ તથા કલર-પેન્સિલ્સનો ઉપયોગ કરી શકો છો. બસ, આઇબ્રો-બ્રશમાં થોડો ગ્રે અથવા ડાર્ક બ્રાઉન કલરનો આઇ-શેડો લો અને છૂટાછવાયા વાળ વચ્ચે લગાડી આઇબ્રોને સરસ મજાનો આકાર આપી દો. આ જ કામ તમે આઇબ્રો-પેન્સિલ વડે પણ કરી શકો છો. શરત માત્ર એટલી જ કે પેન્સિલથી શાર્પ લાઇન દોરવી નહીં, છૂટાછવાયા હળવા સ્ટ્રોક્સ દ્વારા જાણે આઇબ્રોના વાળ જ હોય તેવો આભાસ ઊભો કરવો. સાથે જ ડાર્ક બ્લેક પેન્સિલ કે બ્લેક આઇ-શેડોનો ઉપયોગ કરવો નહીં. આઇબ્રો પર બ્લેક કલરનો ઉપયોગ બહુ જ અકુદરતી લાગતો હોવાથી તમારી ચોરી તરત પકડાઈ જશે.

તેલનો મસાજ કરો

આની સાથોસાથ તમે આઇબ્રોના વાળની જાડાઈ વધારવા એરંડિયાના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. એરંડિયાના તેલમાં થોડું વિટામિન ઈ ઓઇલ મિક્સ કરીને રોજ રાતે સૂતાં પહેલા આઇબ્રો પર તેનો મસાજ કરવાથી શરીરના આ ભાગના વાળનો વિકાસ ઝડપી થશે. એથી મસાજ કર્યા બાદ ચહેરો તરત ધોઈ ન નાખો બલકે આખી રાત રહેવા દો અને તેલને પોતાનું કામ કરવા દો. તમે ઇચ્છો તો એરંડિયાના તેલના બદલે કોપરેલ તેલ કે ઓલિવ ઓઇલનો ઉપયોગ પણ કરી શકો છો. આ સાથે તમારી ત્વચા અને સ્કેલ્પ તરફ પણ ધ્યાન આપો. આ બન્ને સ્વસ્થ નહીં હોય તો આઇબ્રો પર એની અસર દેખાયા વિના રહેશે નહીં. આવી કોઇ પણ તકલીફથી ટાળવા નિયમિત ધોરણે પૌષ્ટિક આહાર લો અને માથામાં ખોડો ન થાય એનું ધ્યાન રાખો.

માત્ર વધારાના વાળ દૂર કરો

જ્યારે તમારી આઇબ્રોનો કુદરતી આકાર પાછો આવી જાય ત્યારે જ પાર્લરમાં પ્રોફેશનલ પાસે થ્રેડિંગ કરાવવા જાઓ. આ વખતે બે બાબતોનું ધ્યાન અવશ્ય રાખો. પહેલી એ કે હવે આઇબ્રોને વધુ પડતો આકાર આપવાની પળોજણમાં પડવું નહીં. માત્ર ઉપર અને નીચેના ભાગના વધારાના વાળ જ દૂર કરવા. બીજુંએ કે બે આઇબ્રો વચ્ચેના ગેપને બરાબર ક્લીન કરાવી દેવો. ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ ફિલ્મમાં કાજોલના ચહેરા પર જોવા મળતી હતી એવી આઇબ્રો કંઈ બધાને સારી લાગતી નથી. બલકે નાકની દાંડી ઉપરના આ ભાગને યોગ્ય રીતે હેરફ્રી કરી દેવાથી ચહેરો વધુ ચોખ્ખો અને બેલેન્સ્ડ લાગે છે.

અને હા, જો તમારી આઇબ્રોના વાળ વારંવાર એના સ્થાનેથી ખસીને ઉપર-નીચે થઈ જતા હોય તો તમારે આઇબ્રો મસ્કરાનો ઉપયોગ કરવા જોઈએ. પાણી જેવા પારદર્શક રંગમાં આવતી આ મસ્કારા એક એવું છૂપું હથિયાર છે જે તમારી આઇબ્રોને ફ્રિનિશિંગ ટચ આપી એને જ્યાંની ત્યાં પકડી રાખે છે અને ચહેરાને હાઇલાઇટ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter