ચાંગાઃ ચરોતર ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ યુનિવર્સિટી) સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સ્વેની શાહને વર્ષ ૨૦૨૦ માટે હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સિસમાં યંગ વુમન એચિવર્સ એવોર્ડ અપાયો છે. ચેન્નઈમાં વિનસ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના સેન્ટર ફોર એડવાન્સ્ડ રિસર્ચ એન્ડ ડિઝાઇન દ્વારા આયોજિત પાંચમા વાર્ષિક મહિલા અધિવેશનમાં ડો. સ્વેની શાહને આ એવોર્ડથી સન્માનિત કરાયાં હતાં. વર્ષ ૨૦૧૬થી શરૂ થયેલાં આ સન્માન એગ્રી કલ્ચરલ સાયન્સિસ એન્જિનિયરિંગ, હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સિસ, હ્યુમનિટિસ એન્ડ સોશિયલ સાયન્સિસ, મેનેજમેન્ટ સર્વિસિસ, વેટરનરી એન્ડ એનિમલ સાયન્સિસ જેવા ક્ષેત્રોના નોંધપાત્ર પ્રદાન કરનાર મહિલાઓને એનાયત થાય છે. આ એવોર્ડ સમારંભમાં સિંગાપોર-ઓમાન-જોર્ડન-મલેશિયા-યુનાઈટેડ આરબ એમિરેટસ-ફિલિપાઈન્સ-ઈન્ડિયા સહિત ૭ દેશોના ૨૦૦થી વધારે પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ડો. સ્વેની શાહની આ સિદ્ધિ બદલ સમગ્ર ચારુસેટ પરિવારે તેઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.