ચારુસેટની ઋતુ અટાલિયા એમેઝોન-યુએસમાં સાયબર સિક્યુરિટી એન્જિનિયર

Thursday 02nd June 2022 07:38 EDT
 
 

ચાંગા: વિશ્વવિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ)ની ભૂતપૂર્વ વિદ્યાર્થિની - અલમ્નાઇ ઋતુ વિજયસિંહ અટાલિયા હાલમાં અમેરિકામાં વર્જિનિયામાં એમેઝોન (AWS Security) કંપનીમાં છેલ્લા અઢી વર્ષ - ફેબ્રુઆરી 2020થી સાયબર સિક્યુરિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. એમેઝોન કંપનીમાં જોબ પ્રાપ્ત કરનાર અને વર્લ્ડ લેવલના સિક્યોરિટી એટેક હેન્ડલ કરનાર ઋતુ અટાલિયાએ દેશવિદેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
અમેરિકામાં વર્જિનિયા સ્ટેટમાં હર્નડન સિટીમાં વસતી ઋતુ અટાલિયાએ તાજેતરમાં ગુજરાતની મુલાકાત દરમિયાન ચારુસેટ યુનિવર્સિટીની ડેપસ્ટાર કોલેજમાં ‘સાયબર સિક્યોરિટીઃ સ્કોપ, કરન્ટ ટ્રેન્ડસ એન્ડ ફ્યુચર’ વિષે એક્સપર્ટ સેશનમાં ચારુસેટના એલ્મની અને ગેસ્ટ સ્પીકર તરીકે 200થી વધારે વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું. ઋતુ અટાલિયાએ આ અંગે જણાવ્યું હતું કે મને વિવિધ વિષયો સાયબર સિક્યોરિટી એટેક્સ, સિક્યોરિટી સર્ટીફીકેશન્સ, સિક્યોરિટી ટૂલ્સ એન્ડ ટેકનોલોજીસ, સિક્યોરિટી ફિલ્ડમાં કેરિયર સ્કોપમાં એક્સપર્ટ સેશન સંબોધવા માટે બોલાવાતા અત્યંત આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.
ઋતુ અટાલિયાએ 2009-2013માં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બી.ટેક.ની ડિગ્રી ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાંથી મેળવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. પછી 2013-2015મં ચારુસેટ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડલ સાથે એમ.ટેક.ની ડિગ્રી મેળવી હતી. આ પછી બે વર્ષ ચારુસેટ યુનિવર્સિટીમાં CSPIT કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી હતી. સાથે સાથે જ તેણે અમેરિકા જવા એન્ટ્રન્સ એકઝામની તૈયારી કરી હતી. 2017માં તેણે યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ કોલેજ પાર્ક - યુએસમાં માસ્ટર ઇન સાયબર સિક્યોરિટીનો અભ્યાસ કરવા સ્કોલરશીપ સાથે એડમિશન મેળવ્યું. 2018-2020 દરમિયાન યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ કોલેજ પાર્ક-USAમાં માસ્ટર ઇન સાયબર સિક્યોરિટીનો અભ્યાસ કરવા 36 હજાર ડોલરની ફૂલ સ્કોલરશીપ અને પેઇડ ગ્રેજયુએટ આસિસ્ટન્ટશીપ મેળવી હતી. તેને CISCOમાં સાયબર સિક્યોરિટી ઈન્ટર્ન તરીકે પેઇડ ઈન્ટર્નશીપ કરવાનો મોકો મળ્યો હતો.
હાલમાં ઋતુ અટાલિયા અમેરિકામાં એમેઝોન (AWS Security) કંપનીમાં ફેબ્રુઆરી 2020થી સાયબર સિક્યુરિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. જેમાં તેની મુખ્ય કામગીરી કોર્પોરેટ ઇન્ફ્રા સ્ટ્રક્ચર, ડિવાઇસ વગેરે પર થતાં સિક્યોરિટી એટેક પર નજર રાખવાની હોય છે. ઋતુ અટાલિયા કહે છે કે અમેરિકામાં સાયબર સિક્યોરિટી ફિલ્ડમાં આગળ વધવાનો મજબૂત શૈક્ષણિક પાયો ચારુસેટમાં નંખાયો. અહીંથી જ મને જીવનમાં આગળ વધવાની તક અને પ્રેરણા મળી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter