બેઇજિંગ: આપણે મોટા ભાગે ઊંઘ વિના ૨૪ કલાક પણ રહી શકતા નથી જ્યારે ચીનના હેનાન પ્રાંતની એક મહિલાનો દાવો છે કે તે છેલ્લાં ૪૦ વર્ષમાં એક દિવસ પણ સૂઇ શકી નથી. લી ઝાનયિંગ નામની આ મહિલાના દાવાની પુષ્ટિ તેના પતિ અને ફ્રેન્ડ્સે જ નહીં, પડોશીઓ પણ કરી છે.
તે બધાએ લીની સચ્ચાઇ જાણવા માટે તેની સાથે અનેક રાતનો સમય વીતાવ્યો પણ દર વખતે લીને સૂવાડવાને બદલે પોતે જ સૂઇ ગયા. લીનું કહેવું છે કે તે પાંચ-છ વર્ષની હતી ત્યારે છેલ્લે સૂતી હશે પણ હવે ૪૫-૪૬ વર્ષે તેના માટે ઊંઘ એક વર્ષો જૂની યાદ બનીને રહી ગઇ છે.
ઝોંગમોઉ કાઉન્ટીમાં રહેતી લી દિવસ-રાત જાગતી રહેવાને કારણે લોકલ સેલિબ્રિટી બની ગઇ છે. પોતાની આ તકલીફના નિવારણ માટે તેણે ઘણાં ડોક્ટર્સને બતાવ્યું પણ કોઇ નિવારણ લાવી શક્યું નથી.
જોકે તબીબી નિષ્ણાતોનું કંઇક અલગ જ કહેવું છે. લીના પતિ લિયૂ સુઓક્વિન તાજેતરમાં તેને બેઇજિંગના ડોક્ટર્સ પાસે લઇ ગયા હતા, જેમણે એડવાન્સ્ડ સેન્સર્સ દ્વારા ૪૮ કલાક સુધી લીનું મોનિટરિંગ કર્યું. આ દરમિયાન તેમણે જોયું કે લી સામાન્ય લોકોની જેમ સૂવે છે, પણ આ સ્લીપવોકિંગ જેવું છે, જેમાં ઊંઘ દરમિયાન નર્વ્સ તથા શરીરના અંગો એક્ટિવ રહે છે. આથી આપણને એવું લાગે છે કે તે સૂતી નથી અને જાગે જ છે.