દુનિયાના બધા જ દેશોમાં બંગડી, ચૂડી, કંગન, કડા, રાઉન્ડ બ્રેસલેટ એકસેસરી તરીકે અગ્ર સ્થાને હોય છે. ભારતમાં તો સોળ શણગારમાંથી એક બંગડી, બંગડી, કડા માત્ર જ્વલેરીનો એક ભાગ નથી, પરંતુ સૌભાગ્યની નિશાની પણ માનવામાં આવે છે. પોતાના આઉટફીટ અને લુકને કોમ્પ્લિમેન્ટ કરતી બેંગલ્સ પહેરવાનું ભારતીય મહિલાઓને ગમે છે. સાડી હોય કે સલવાર એની સાથે બંગડી પહેરવાનું એને ગમે છે. મોડર્ન યુવતીઓ તો વેસ્ટર્ન આઉટફિટ સાથે પણ બંગડી પહેરે છે. ભારતીય મહિલાઓનું ખૂબસૂરતી હાથમાં રણકતી બંગડીઓ વિના અધૂરી છે.
બેંગલ શબ્દ હિન્દી શબ્દ ‘બંગરી’ પરથી આવ્યો છે. સંસ્કૃતમાં એનો અર્થ થાય છે હાથને શોભાવતું ઘરેણું. પરણિત મહિલાઓ અને દુલ્હન ખાસ કરીને સોના, કાચ અને લાખની બંગડીઓ પહેરે છે. ભારતીય સંસ્કૃતિમાં બંગડીઓના જુદા જુદા કલરનું પણ અલગ અલગ મહત્ત્વ છે. લાલ સમૃદ્ધિ અને ઊર્જા જ્યારે પીળો ખુશી આપે છે. લીલો ફળદ્રુપતા અને સદનસીબ, સફેદ નવી શરૂઆત માટે, કેસરી સફળતાની નિશાની છે. સોનાની બંગડીઓ સમૃદ્ધિ અને નસીબનું પ્રતીક છે. જ્યારે રૂપેરી બેંગલ્સ શક્તિ સ્વરૂપ મનાય છે.
સામાન્ય રીતે બજારમાં ચૂડા, ક્લીરે બેંગલ્સ, મેટલ બેંગલ્સ, કાચની, મોતી, થ્રેડ, લાખ, હીરાના સોના, એમ્બ્રોઇડર્ડ બંગડીઓ અને કડાની અસંખ્ય વેરાયટી મળે છે. કેટલીક સ્ત્રીઓ પરંપરા જાળવવા માટે પરંપરાગત બંગડીઓ પહેરે છે તો કેટલીક યુવતીઓ અને સ્ત્રીઓ સ્ટાઈલ વેરિએશન માટે બંગડીઓ પહેરે છે. અહીં એ જણાવવા પ્રયત્ન કર્યો છે કે ક્યા આઉટફિટ્સ સાથે સાથે બંગડીઓ કઈ રીતે પહેરશો?
• લહેંગા એલિગન્ટ ભારતીય પોશાક છે. તમે એની સાથે મેટલ અથવા ડાયમંડની બંગડીઓ પહેરી શકો જે વધારે આકર્ષક લાગે છે. જો તમારો લહેંગો, શરારા કે ચણિયાચોળી ટ્રેડિશનલ હોય તો સોના અથવા લાખની બંગડી પણ એની સાથે સારી લાગશે.
• દરેક મહિલા નવોઢાના રૂપમાં સુંદર જ લાગે છે. આ સ્વરૂપને વધુ સુંદર બનાવવા માટે યોગ્ય એક્સેસરીઝ પસંદ કરવામાં પણ ઘણો સમય જાય છે અને ખૂબ મહેનત પણ કરવી પડે છે. બંગડી ખરીદતાં પહેલાં તમારે હંમેશાં બ્રાઈડલ વેરની ડિઝાઇન, સ્ટાઇલ, એમ્બ્રોઇડરી અને કલર ધ્યાનમાં રાખવા જોઈએ. દરેક બ્રાઇડલ વેર સાથે ચૂડો અને ક્લીરે સારા લાગે છે.
• ઇન્ડો વેસ્ટર્ન ગાઉન સાથે ટિપિકલ ટ્રેડિશનલને બદલે ફેન્સી બંગડી પહેરો. તમે એની સાથે થ્રેડ બેંગલ્સ પહેરી શકો. એ હમણાં ટ્રેન્ડીએસ્ટ એક્સેસરી છે.
• અનારકલી ટ્રેડિશનલ ડ્રેસ છે અને મોટાભાગની મહિલાઓની એ પહેલી પસંદ છે. તમે એની સાથે મોતીની કે મેટલની બંગડીઓ પહેરી શકો.
• વેસ્ટર્ન સ્કર્ટ સાથે બહુ વધુ બંગડીઓ સારી નહીં લાગે તેથી સોનાનું કડું કે હીરાની બંગડી તેની સાથે પહેરો. લાકડા, વાંસ, શણનું કડું પણ તેની સાથે પહેરી શકાય.
• જેકેટ કોઈ પણ આઉટફીટનું સેન્ટર ઓફ એટ્રેકશન હોય છે એટલે એની સાથે બંગડીઓ પહેરવી ન જોઈએ. લુક મેઇન્ટેન કરવા માટે સાથે સિંગલ કડું પહેરો.
• સાડી શ્રેષ્ઠ ભારતીય પોશાક છે. એમાં તમે વધારે પ્રયત્નો કર્યા વિના સુંદર અને આકર્ષક દેખાઈ શકો છો. મહત્ત્વના પ્રસંગોએ એની સાથે કાચની બંગડીઓ અને તહેવાર કે લગ્ન પ્રસંગે હીરાની બંગડીઓ પહેરી શકાય.
• પાર્ટીઝ, લગ્ન પ્રસંગ અને અન્ય ઉજવણીમાં સલવાર સૂટ કર્મ્ફેબલ આઉટફિટ છે. સિમ્લ કડા, હાથી દાંતના કડા, સોના અથવા હીરાની બંગડીઓ તેની સાથે પહેરી શકાય. એ સિમ્પલ અને એલિગન્ટ લૂક આપશે.
• સ્કર્ટ અને ક્રોપ ટોપ ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ છે. એની સાથે મોતી અથવા થ્રેડ બેંગલ્સ પહેરવાથી લુક નિખરશે.
• તમે કલરફુલ કપડાં પહેરતાં હો ત્યારે સાથે ફેન્સી, મેચિંગ, કલરફુલ બંગડી પહેરો. તમે જે આઉટફિટ પહેરતાં હો એમાંથી કોઈ પણ એક કલરની બંગડી પહેરી શકાય. જ્યારે તમે ટ્રેડિશનલ લુક મેળવવા ઇચ્છતા હો ત્યારે જેટલી વધારે બંગડી હશે એટલા વધારે તમે સુંદર લાગશો.
• જ્યારે તમે વ્હાઇટ પોશાક પહેરતા હો ત્યારે એની સાથે સ્વાભાવિક જ વ્હાઇટ બેંગલ્સ પહેરશો. વ્હાઇટ સાડી સાથે બંને હાથમાં કાચની વ્હાઇટ બંગડી અથવા તો વ્હાઇટ ફેન્સી થ્રેડ વોવન બેંગલ્સની જોડ પહેરો.
• તમે સિલ્ક સાડીમાં એલિગન્ટ લૂક મેળવવા ઇચ્છતાં હો તો ઘણી બધી બંગડીઓ પહેરશો નહીં. બંને હાથમાં એક એક બંગડી પૂરતી છે. જ્યારે બંગડીની સંખ્યા ઓછી હોય ત્યારે તમે હેવી નેક પીસીસ અને ઇઅરીંગ્સ પહેરી શકો. ઘણી વાર એક બંગડી પૂરતી ન હોય તો તમે એક હાથમાં બે મોટી બંગડી અને બીજા હાથમાં ઘડિયાળ પહેરી શકો.
• પ્લેન કુરતી અને ટ્યુનિક્સ સાથે સિલ્વર બેંગલ્સ સારી લાગે છે.