ચંદીગઢઃ મૂળ પંજાબી મનદીપ કૌરની આ વાત છે. ૧૯૮૬માં તેનાં લગ્ન થયાં અને એક વર્ષ બાદ છૂટાછેડા. બાળકો છૂટી ગયાં. ત્યાર પછી ચંદીગઢથી ઓસ્ટ્રેલિયા ગયાં. ત્યાં જે મળે તે છૂટક મજૂરીનાં કામ કરવાની સાથે બાળકોની કસ્ટડીની લડાઇ લડતા રહ્યાં. એ પછી ન્યૂ ઝીલેન્ડ પહોંચ્યાં. વર્ષ ૨૦૦૪માં પોલીસમાં પસંદ થયાં. ન્યૂ ઝીલેન્ડ પોલીસ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં એથનિક લાયઝન ઓફિસર મનદીપને દક્ષિણ એશિયાના પરિવારોના ઝઘડાના કેસો ઉકેલવાનું કામ સોંપ્યું છે. તેના માટે મનદીપે અનોખી રીત અપનાવી છે. ભાંગડા દ્વારા અંતર દૂર કરવાનું.
મનદીપ ઉવાચઃ
મારો જન્મ ૧૯૬૯માં ભટીંડામાં થયો હતો. એકાદ મહિનાની હોઇશ ત્યારે મારો પરિવાર ચંદીગઢ આવીને સેટલ થઇ ગયો. ૧૭ વર્ષની થઇ તો લગ્ન થઇ ગયાં. સંબંધો બરાબર રહ્યા તો થોડાંક વર્ષ પછી બે બાળકોની સાથે અલગ થવાનો નિર્ણય કર્યો. ૧૯૯૨માં અલગ થઇ ગઇ. ત્યાર પછી ચાર વર્ષ તો સમજવામાં લાગી ગયા કે હવે શું કરવું છે? ૧૯૯૬માં ઓસ્ટ્રેલિયા જવાનો નિર્ણય લીધો. ત્યાં ગાડીઓ સાફ કરી, ટેક્સી ચલાવી, હોટલોમાં પણ કામ કર્યું. ઘર સંભાળી શકું અને કેસ પણ જીતી શકું તેના માટે પૈસા કમાવાના હતા. આખરે હું જીતી ગઇ. પછી ન્યૂ ઝીલેન્ડ જતી રહી કારણ કે ત્યાં પરિવાર સાથે રાખવાનું સરળ છે. અહીં પણ પહેલાં ટેક્સી ચલાવી. કામથી પરેશાન થઇ ગઇ તો કાઉન્સેલર પાસે જવા લાગી. તેમના કહેવાથી જિંદગી બદલાઇ ગઇ. તેમણે બાળપણનું એક સ્વપ્ન સાકાર કરવાની વાત કહી. કદ લાંબું હતું અને બાળપણથી હું પોલીસ કે સૈન્યમાં જવા માગતી હતી તેથી મેં પોલીસમાં ભરતી થવા માટે અરજી કરી અને પાસ પણ થઇ ગઇ.
૨૦૦૪માં ન્યૂ ઝીલેન્ડ પોલીસ જોઇન કરી. પ્રમોશન થતું ગયું અને હવે હું એથનિક લાયઝન ઓફિસર બની ગઇ છું. કામ થોડુંક મુશ્કેલ છે કારણ કે અહીં તમે કોઇના પર દબાણ કરી શકતા નથી. ઊંચા અવાજે વાત પણ કરી શકતા નથી, તેથી મેં પોલીસ વિભાગમાં એક ભાંગડા ગ્રુપ બનાવ્યું.
હવે જ્યારે અમને ખબર પડે છે કે કોઇ પરિવારમાં કોઇ વિવાદ છે તો અમે તેમને ભાંગડા ગ્રુપ જોઇન કરાવીએ છીએ. ડાન્સ પ્રેક્ટિસ કરાવીએ છીએ. આવી સ્થિતિમાં પતિ-પત્નીને હસવા-રમવાનો સમય મળી જાય છે.