ભારત સરકારનું કેમ્પેઈન સ્ટાર્ટઅપ ઇન્ડિયા બનારસની એક્સેસરી ડિઝાઈનર મહિલાઓનું સપનું સાકાર કરવામાં મદદરૂપ બન્યું છે. કાશીના ગામની મહિલાઓ સ્ટાર્ટઅપ ઇન્ડિયાને કારણે આત્મનિર્ભર બની રહી છે. જપમાળાના કારોબારને સ્ત્રીઓએ કાશીમાં નવી ઓળખ આપી છે. નજીવી મૂડી સાથે શરૂ થયેલો જપમાળાનો બિઝનેસ આજે કરોડોના ટર્નઓવર સુધી પહોંચી ગયો છે. ત્યાં સુધી કે વિદેશોમાં પણ જપમાળાનો ઓનલાઈન બિઝનેસ થાય છે.
બનારસના નરોત્તમપુર ગામમાં જપમાળાનો બિઝનેસ નાના પાયે ચાલતો હતો. નરોત્તમપુરની મહિલાઓ ફૂલોની ખેતી સાથે જપમાળા બનાવીને ગુજરાન ચલાવતી હતી. ફેશન ડિઝાઈનર શિપ્રા શાંડિલ્યના ધ્યાનમાં નરોત્તમપુરની મહિલાઓની આ કળા નજરમાં આવી. શિપ્રા ઘણા વર્ષો સુધી દિલ્હી અને નોયડા જેવા શહેરોમાં રહી હતી અને ફેશન ડિઝાઈનર હોવા સાથે મહિલાઓને પગભર બનાવવાનું કામ કરતી આવી હતી. એ પછી નરોત્તમપુર આવેલી શિપ્રાએ બનારસની મહિલાઓને પણ સ્વાવલંબી બનાવવાનું મિશન હાથ ધર્યું. શિપ્રા બનારસના એક ડઝન કરતાં પણ વધારે ગામોની મહિલાઓ સાથે કામ હવે તો કામ કરવા લાગી છે.
પરંપરાને જાળવીને નવું સ્વરૂપ
શિપ્રાએ બનારસમાં દાયકાઓથી બની રહેલી જપમાળાઓને ફેશન સાથે જોડીને બિઝનેસ શરૂ કર્યો. આશરે વર્ષ ૨૦૧૩થી તેણે જપમાળાઓને વૈશ્વિક ક્ષેત્રે ફેશન સ્વરૂપે મૂકવા માટેની વિચારણા કરી.
હાલમાં શિપ્રા ગામડાની મહિલાઓ સાથે કામ કરે છે. જપમાળામાંથી ફેશન એક્સેસરીઝ બનાવે છે. આજે શિપ્રા સાથે બનારસના જુદા જુદા ૧૨ ગામડાઓની ૧૦૦થી વધુ મહિલાઓ જપમાળામાંથી વિવિધ ઘરેણા બનાવીને રોજી મેળવી રહી છે.
શિપ્રા કહે છે કે, મારી સાથે કામ કરી રહેલી મહિલાઓની મહેનતના પરિણામે આ કારોબાર આજે કરોડો સુધી પહોંચી ગયો છે. દેશ વિદેશમાં જપમાળાઓની વધી રહેલી ડિમાન્ડને જોતાં શિપ્રાએ malaindia.com નામની વેબસાઈટ પણ શરૂ કરી છે. આ સાથે સંખ્યાબંધ ઓનલાઈન માર્કેટિંગ કંપનીઓ સાથે પણ શિપ્રાની કંપનીએ વેચાણના કરાર કર્યા છે. તેમની પ્રોડક્ટ રેન્જમાં રૂદ્રાક્ષ, ચંદન, તુલસી અને મુખદાર રૂદ્રાક્ષ અને જુદા જુદા રત્નોની માળા ઘણી લોકપ્રિય છે.
શિપ્રા વધુમાં કહે છે, આવનારા સમયમાં હું મારા બિઝનેસના વધુ વિસ્તરણ માટે વિચારી રહી છું. જેથી મારી સાથે સંકળાયેલી સ્ત્રીઓને વધુમાં વધુ આર્થિક લાભ મળે. બનારસ સાથે જોડાયેલા ગાજીપુરની મૂળ વતની શિપ્રા માટે ગામડાંની મહિલાઓને પોતાની સાથે જોડવાનું કામ સરળ નહોતું. મોટા શહેરોમાં વર્ષો સુધી કામ કર્યા પછી શિપ્રા ગામડાઓ પ્રત્યે આકર્ષાઈ હતી. એ પછી ગ્રામ્ય મહિલાઓને પોતાની સાથે જોડવાનું કામ તેના માટે ચેલેન્જ જેવું હતું. આ ગામડાંની મહિલાઓ ફૂલોની ખેતી કરતી અને નવરાશની પળોમાં મોતીઓની માળા બનાવતી, પરંતુ ગામડાની આ મહિલાઓને મહેનત પ્રમાણે વળતર મળતુ નહોતું. શિપ્રાએ ગામડાની મહિલાઓને સમજાવીને તેમના ટેલેન્ટને પારખવામાં મદદ કરી એ પછી તેમને વ્યાવસાયિક તાલીમ પણ આપી છે.
શરૂઆતમાં અમુક જ મહિલાઓ શિપ્રા સાથે જોડાઈ, પરંતુ ધીમે ધીમે મહિલાઓની સંખ્યા વધતી ગઈ અને આજે શિપ્રા સાથે મળીને આ મહિલાઓ દર મહિને ૮થી ૧૦ લાખ રૂપિયાનો વેપાર કરે છે. દેશના ઘણા બધા શહેરોમાં શિપ્રાની જપમાળાઓની ઘણી બધી માગ છે.