લંડનઃ વર્ષોથી જમૈકામાં સ્થાયી થયેલા ભારતવંશી પરિવારની ટોની સિંહના શિરે ૨૦૧૯નો મિસ વર્લ્ડનો તાજ મૂકાયો છે. લંડનમાં યોજાયેલા ભવ્યાતિભવ્ય સમારોહમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગત વર્ષની મિસ વર્લ્ડ વનેસા પોંસે ટોની-એન સિંહને વિશ્વ સુંદરીનો તાજ પહેરાવ્યો હતો.
મિસ વર્લ્ડ જાહેર થયેલી ટોની-એન સિંહ ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીની સાઇકોલોજીની વિદ્યાર્થિની છે અને ભવિષ્યમાં ડોક્ટર બનવા માગે છે. ટોની સિંહ જમૈકાની ચોથી યુવતી છે જેની વિશ્વ સુંદરી તરીકે પસંદગી થઈ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ૨૦૧૯માં મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ એમ બંને તાજ અશ્વેત સુંદરીઓના માથે મૂકાયા છે. આ વર્ષે બ્યૂટી વર્લ્ડમાં મિસ ઇંડિયા સુમન રાવે પણ ભારતનું નામ રોશન કર્યું હતું. મિસ વર્લ્ડ સ્પર્ધામાં સેકન્ડ રનર-અપ જાહેર થયેલી સુમન રાવે મિસ વર્લ્ડ એશિયા ૨૦૧૯નું ટાઇટલ મેળવ્યું હતું. જ્યારે બીજા ક્રમે મિસ ફ્રાન્સ ઓપેલી મેઝિનો પસંદ થઇ હતી.