ન્યૂ યોર્કઃ પ્રતિષ્ઠિત ‘ટાઇમ’ મેગેઝિન દ્વારા ‘પર્સન ઓફ ધ યર ૨૦૧૫’ની યાદી જાહેર કરી છે. જેમાં આ વર્ષ માટે પર્સન ઓફ ધ યર તરીકે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલને પસંદ કરવામાં આવ્યાં છે. ‘ટાઇમ’ મેગેઝિને જણાવ્યું હતું કે તેમના મજબૂત નેતૃત્વના કારણે મુક્ત અને સરહદવિહિન યુરોપને વધુ પ્રોત્સાહન મળ્યું છે અને આર્થિક મુશ્કેલીની સ્થિતિમાં પણ યુરોપ ટકી શક્યું છે. આ ઉપરાંત વર્તમાન રેફ્યુજી અને યુક્રેનની કટોકટીની સ્થિતિમાં પણ તેમના નેતૃત્વથી ઘણી સહાય મળી છે.
૬૧ વર્ષીય મર્કેલ દુનિયામાં સૌથી શક્તિશાળી મહિલાઓ પૈકી એક છે. છેલ્લા ત્રણ દાયકાથી જાહેર કરવામાં આવતા ‘ટાઇમ’ મેગેઝિન પર્સન ઓફ ધ યરમાં પહેલી વખત આ સન્માન કોઈ મહિલા ઉમેદવારને મળ્યું છે. આ સન્માન માટેની સ્પર્ધામાં ઇરાનના પ્રમુખ હસન રૌહાની, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, આઇએસના વડા અબુ બકર અલ બગદાદી અને રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પણ હતા. જોકે એન્જેલા મર્કેલે તમામને પાછળ રાખી દીધા છે.
‘ટાઇમ’ મેગેઝિને જણાવ્યું હતું કે મર્કેલ યુરોપ ખંડના વાસ્તવમાં નેતા છે અને વિશ્વના ચોથા સૌથી મોટા અર્થતંત્રના ખરા કારભારી છે. તેઓ એક સિદ્ધાંતવાદી નિયામક છે અને મક્કમ ડિપ્લોમેટ પણ છે. આ કારણે જ પર્સન ઓફ ધ યર તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે.
‘ટાઇમ’ મેગેઝિને જણાવ્યું હતું કે મર્કેલના અથાગ પ્રયાસોને કારણે જ આજે યુરોપ દુનિયા સામે એક રહીને અડીખમ ઊભું છે. નિરાશ્રિતોને તેમણે યુરોપની સરહદોમાં પ્રવેશતા ઘૂસણખોરો ગણવાના બદલે પીડિતો માનીને આશરો આપ્યો તે ખૂબ જ સરાહનીય પગલું ગણાય.
૨૯ વર્ષ બાદ ફરી નારીશક્તિ
૨૯ વર્ષના લાંબા અરસા બાદ કોઈ મહિલાને પર્સન ઓફ ધ યરનો ખિતાબ મળ્યો છે. એન્જેલા મર્કેલ પહેલાં ૧૯૮૬માં ફિલિપાઇન્સની મહિલા રાષ્ટ્રપ્રમુખ કોરાઝન એક્વિનોને આ ખિતાબ મળ્યો હતો. એક્વિનોથી પણ પહેલા બ્રિટનનાં ક્વિન એલિઝાબેથ - દ્વિતીય (૧૯૫૨) અને વિન્ડસરની રાજકુમારી વેલીઝ સિમ્પસનને (૧૯૩૬)ને પણ આ ખિતાબ મળ્યો હતો.
આ મહાનુભાવો પણ રેસમાં હતા
• અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા • ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ફ્રાક્વા ઓલાંદે • ચીનના પ્રમુખ શી જિનપિંગ • અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન • નોબલ પુરસ્કાર વિજેતા પાકિસ્તાની મલાલા યુસુફઝઈ • ઇલેક્ટ્રોનિક કાર બનાવનારી કંપની ટેસ્લાના વડા એલોન મશ્ક • એપલના સીઈઓ ટિમ કૂક • ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ • ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ