જાજરમાન લુક આપતી વુડન જ્વેલરી

Wednesday 27th September 2017 08:15 EDT
 
 

કહેવાય છે કે પ્રાચીન યુગમાં સ્ત્રીઓ પાસે જ્યારે ધાતુના ઘરેણાંનો વિકલ્પ ઓછો હતો ત્યારે તે લાકડામાંથી બનાવેલી જ્વેલરી પહેરતી. કેટલાક વૃક્ષના લાકડામાંથી બનતી જ્વેલરી તો સ્વાસ્થ્ય માટે પણ સારી ગણાય છે જેમકે કડવા લીમડાના લાકડામાંથી કે તુલસીની ડાળીઓમાંથી બનતી જ્વેલરી. આ ઉપરાંત હવે લાકડાની જ્વેલરી પર રંગ કરીને એ રંગબેરંગી જ્વેલરી પહેરવાનો ક્રેઝ વધતો જાય છે. દોરી કે શણના લાકડા સાથેના કોમ્બિનેશનથી બનતી વુડન જ્વેલરીનો હાલમાં વધુ ક્રેઝ જોવા મળે છે. કિંમતી ધાતુઓના પ્રમાણમાં સસ્તી સુંદર અને ટકાઉ વુડન હેવિ જ્વેલરી વારે, તહેવારે, પ્રસંગે પહેરવાથી સ્ત્રી જાજરમાન દેખાય છે. રોજબરોજ પણ લાઈટ વુડન જ્વેલરી પહેરી શકાય.

વુડન નેકલેસ

કોઈ પણ લાકડીના મોતી અને પેંડેંટથી બનેલું વુડન નેકલેસ માત્ર સલવાર સૂટ પર જ નહીં પરંતુ સ્કર્ટ, ટોપ પર પણ સારું લાગે છે. લાકડા કલરનું જ નેચરલ વુડન નેકલેસ પણ પહેરી શકાય કે પછી મનગમતો રંગ એની પર ચડાવી શકાય. લાકડાના સફેદ મોતીઓનો સેટ પણ સારો લાગે છે. લાકડાનું બ્રાઉન કે બ્લેક કલરનું નેકલેસ ટ્રાય કરી શકાય. આ નેકલેસ કોઈ પણ ડ્રેસ પર સારું લાગશે. સાથે મેચિંગ ઈયરિંગ હશે તો ખૂબ જ સુંદર લાગશે.

ઇયરિંગ

જો તમને ઈયરિંગ્સનો શોખ હોય તો કાનમાં વુડન ઈયરિંગ્સ પહેરો. વુડનના નેચરલ કલરના ઈયરિંગ્સ સુંદર લુક આપે છે. લટકણિયાથી માંડીને ચાંદબાલી સુધીની કાનમાં પહેરી શકાય એવી વુડન બુટ્ટી બજારમાં મળે છે. ટ્રેડિશનલ ઇન્ડિયન ફેસ કટ પર મોટેભાગે વુડન ઈયરિંગ ખૂબ જ સુંદર લાગે છે.

વુડન પેંડેંટ નેકલેસ

કાળા દોરામાં કે તાંબાની ચેઈમાં વુડન પેંડેંટ સારું લાગે છે. વેસ્ટર્ન વેર પર પણ આ પેંડેંટ પહેરી શકાય. કોલેજ ગર્લ આ પેંડેંટ રોજિંદા ઉપયોગમાં લઈ શકે.

વુડન બેલ્ટ

લાકડીના નાના સિક્કા અને મોતી વડે બનેલો બેલ્ટ સ્માર્ટ લુક આપે છે. માત્ર દોરામાં ગોળ કે ચોરસ લાકડાના સિક્કા બાંધેલા બેલ્ટને તમે વેસ્ટર્ન વેર કે ટ્રેડિશનલ વેર પર પણ અજમાવી શકો છો.

વુડન કડા

લાકડાના કડા આજકાલ સ્ત્રીઓ અને યુવતીઓને લોભાવે છે. મેચિંગ સ્કર્ટ અને કુર્તાની સાથે કે જીંસની સાથે પહેરી શકો છો. જો તમને પસંદ હોય તો જુદા જુદા કડાઓનું કોમ્બિનેશન બનાવીને પહેરશો તો પણ સુંદર લાગશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter