જાપાનીઝ પથ્થરને સોના, ચાંદી, તાંબા કે પંચધાતુમાં જડીને જ્વેલરી બનાવવાનો ખાસ ટ્રેન્ડ હાલમાં જોવા મળે છે. ખાસ કરીને વ્હાઈટ અને ઓફ વ્હાઈટ કલરના જાપાનીઝ પથ્થરોની સારી એવી માગ દેશવિદેશમાં રહે છે.
ટ્રાઈબલ જ્વેલરી
જાપાનીઝ પથ્થરનું આકાર અને કદ એક સરખાં હોતાં નથી તેથી સ્વાભાવિક રીતે જ પથ્થરના મૂળ રૂપમાં બહુ ફેરફાર કરીને જો જ્વેલરી ન બનાવવી હોય તો તે ટ્રાઈબલ જ્વેલરી જેવો લુક આપશે. પથ્થરને વધુ ચમકાવીને કે ઘસીને, આકાર આપીને જ્વેલરી ન બનાવવામાં આવે તો પણ જાપાનીઝ પથ્થરમાંથી બનેલી જ્વેલરી સુંદર જ દેખાય છે. ખાસ કરીને તામ્રવર્ણા જાપાનીઝ પથ્થરોમાંથી બનેલી જ્વેલરી તો સ્ત્રીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.
પાર્ટી જ્વેલરી
જે મહિલાઓને યુનિક જ્વેલરી પહેરવાનો શોખ હોય તેમના માટે જાપાનીઝ પથ્થરમાંથી બનાવવામાં આવેલી જ્વેલરી બેસ્ટ છે. વળી, આ પ્રકારના ઘરેણાં દેશવિદેશનાં જ્વેલરી ડિઝાઈનર આજકાલ તૈયાર પણ કરી રહ્યાં છે અને તેનું ઓનલાઈન એક્ઝિબિશન પણ કરી રહ્યાં છે. સામાન્ય રીતે સફેદ જાપાનીઝ પથ્થરને ઘસી ઘસીને એક સરખો આકાર આપીને તેનો પાર્ટી જ્વેલરીમાં ઉપયોગ કરવામાં આવે છે. લગભગ એક જ સરખાં આકાર અને કદના બનાવેલા આ પથ્થરોમાંથી વીંટી, બુટ્ટી અને પેન્ડેન્ટનો સેટ તૈયાર કરવામાં આવે છે. પર્લના હલકાં ફૂલકાં સેટની જેમ જ કોઈ પણ પાર્ટીમાં આ સેટ પહેરીને મહિલાઓ જુદી તરી આવે છે. ચાંદીની ચેઇનમાં એક જ જાપાનીઝ પથ્થર પરોવીને બનાવાયેલાં સાંકળા પણ મહિલાઓને લોભાવી રહ્યાં છે. આ પ્રકારની જ્વેલરી બહુ હેવિ પણ હોતી નથી અને વધુ પડતી એક્સપેન્સિવ પણ હોતી નથી. એક તાર કે પછી ચેઈનમાં જાપાનીઝ પથ્થર પરોવીને બનાવાયેલું બ્રેસલેટ પણ કાંડામાં ખૂબ જ સુંદર દેખાય છે.
ફન્કી જ્વેલરી
સામાન્ય રીતે જાપાનીઝ પથ્થર એક જ સાઇઝના મળતાં નથી. તેના કદ અને આકાર અલગ અલગ હોય છે, પણ જુદાં જુદાં કદ અને આકાર ધરાવતાં આ પથ્થરોમાંથી જ ખાસ ફન્કી જ્વેલરી તૈયાર પણ થઈ શકે છે અને યુવાનોમાં આકર્ષણ પણ જન્માવે છે.
જાપાનીઝ પથ્થરનો ઉપયોગ કરીને બનાવાયેલી ફન્કી એક્સેસરીઝ અને જ્વેલરીનો હાલમાં યુવાવર્ગમાં ભારે ક્રેઝ જોવા મળે છે. કોલેજિયન યુવકો જાપાનીઝ પથ્થરને વિવિધ આકાર આપીને બનાવાયેલા પેન્ડેન્ટ કાળી દોરીમાં કે પછી પંચધાતુના ચેઈનમાં પરોવીને ગળામાં પહેરે છે. યુવકો જુદાજુદા આકારના જાપાનીઝ પથ્થરમાંથી બનાવેલા બ્રેસલેટ પણ હાથમાં પહેરતાં દેખાય છે. યુવતીઓમાં જાપાનીઝ પથ્થરને ચોક્કસ આકાર આપીને બનાવાયેલી બુટ્ટી, વીંટી, પેન્ડેન્ટનો ક્રેઝ જોવા મળે છે. સ્કૂલ અને કોલેજિયન ગર્લ્સ જાપાનીઝ પથ્થર પરોવીને તૈયાર કરેલાં બ્રેસલેટ પણ હાથમાં પહેરવાનું પણ પસંદ કરે છે. આ ઉપરાંત પગમાં જાપાનીઝ પથ્થર પરોવાયેલાં સાંકળા પણ યુવતીઓ પસંદ કરે છે.