નવી દિલ્હીઃ આઝાદી બાદ આ પહેલો પ્રસંગ હશે કે જ્યારે કોઇ સુરક્ષા દળની મહિલાઓ બુલેટ મોટરસાઇકલ પર સ્ટંટ રજૂ કરી બતાવશે. બીએસએફની ૧૦૬ મહિલા કમાન્ડોની આ ટુકડીને ‘સીમા ભવાની’ નામ અપાયું છે. આ ટુકડીએ ૧૬ ઇવેન્ટ તૈયાર કરી છે, જે અંતર્ગત મહિલા કમાન્ડો ૨૬ બુલેટ પર સવાર થઇને વુમન સેલ્યુટ, ફિશ રાઇડિંગ, સાઇડ રાઇડિંગ, શોલ્ડર રાઇડિંગ, શક્તિમાન, પીકોક, સીમા પ્રહરી, ગુલદસ્તા અને પિરામિડ જેવાં કોમ્બિનેશન રજૂ કરશે.
આ મહિલા કમાન્ડોને ટ્રેનિંગ આપનારા ડેપ્યુટી કમાન્ડન્ટ રમેશ ચંદ્રએ જણાવ્યું કે આ ટીમ ૨૦૧૬માં બનાવાઇ હતી. તે માટે બીએસએફની તમામ બોર્ડર પોસ્ટ પરથી મહિલા જવાનોને સ્વેચ્છાએ આગળ આવવા કહેવાયું હતું. ૫૩ મહિલા જવાનોએ ઇચ્છા વ્યક્ત કરી. અન્ય ૫૩ને બીએસએફની કમાન્ડો સ્ક્વોડમાંથી લેવાઇ છે. ત્યાર બાદ ગ્વાલિયર નજીકના ટેકનપુરમાં તેમની ટ્રેનિંગ શરૂ થઇ. ટ્રેનિંગ દરમિયાન જાણવા મળ્યું કે મોટરસાઇકલ રાઇડિંગ માટે જે મહિલા જવાનોને પસંદ કરાઇ છે તેમાંથી માત્ર ત્રણ અગાઉ સ્કૂટી મોપેડ ચલાવતી હતી જ્યારે બે મહિલા જવાનોએ સામાન્ય મોટરસાઇકલ ચલાવી હતી અને ૧૦ મહિલા જવાનોને માત્ર સાઇકલ ચલાવતાં આવડતું હતું. ૩૮ મહિલા જવાન એવી હતી કે જેમને સાઇકલ ચલાવતાં પણ નહોતું આવડતું.
બીએસએફના વરિષ્ઠ અધિકારીના કહેવા મુજબ બાઇક રાઇડર્સને રાજપથ પર ઉતારવાનો નિર્ણય સૌપ્રથમ ૧૯૮૯માં લેવાયો હતો. તે અંતર્ગત ‘જાંબાઝ’ નામથી પુરુષ જવાનોની ટુકડી તૈયાર કરવાનું શરૂ કરાયું હતું. એક વર્ષના અથાક પરિશ્રમ છતાં આ ટુકડી એક વર્ષમાં રાજપથ પહોંચી શકી નહોતી. જ્યારે સીમા ભવાનીની વાત કરીએ તો મહિલા જવાનોએ માત્ર એક વર્ષમાં રાજપથ પર પોતાની જગા બનાવી લીધી છે.