આપણાં બધાંના વોર્ડરોબમાં ઢગલાબંધ કપડાં હોય છે, પરંતુ આપણને હંમેશાં એવું જ લાગે છે કે પહેરવા માટે કપડાં જ નથી. કોઈ ફંકશન કે પાર્ટીમાં જવાનું હોય ત્યારે મૂંઝવણ થાય કે શું પહેરવું? કેટલાક ડ્રેસ તો આપણે પહેરતાં જ નથી તો કેટલાક ડ્રેસ ઘણી વાર પહેર્યા હોવાથી હવે પહેરવાનું મન થતું નથી. તો વોર્ડરોબમાં કેટલાક જૂનાં કપડાં પણ હોય છે. ઘણાં કપડાં સાથે સેન્ટીમેન્ટલ વેલ્યુ જોડાયેલી હોય તો કેટલાંક મોંઘાં હોવાથી કાઢી નાખતાં જીવ ચાલતો ન હોય. આ બધા પ્રશ્નોનો એક જ ઉપાય છે - એમાંથી જ નવા આઉટફિટ બનાવવાનો. જો તમે કંઈક નવું કરવાના મુડમાં હો તો આ આઇડિયાઝ જરૂર ટ્રાય કરો...
• બ્લીચિંગ કે ડાઇંગઃ તમારા કોઈ ટોપ, જીન્સ, શોર્ટ વગેરે તમે ઘણી વાર પહેરી લીધાં છે અને હવે એ પહેરવાનું મન થતું નથી તો એવાં કપડાં માટે આ બેસ્ટ ઉપાય છે. ઓમ્બ્રે ડિઝાઈન અથવા ડિપ ડાઈ ઘણા સમયથી ટ્રેન્ડમાં છે તો જૂનાં કપડાંને ટ્રેન્ડી બનાવવાની આનાથી સારી તક મળશે નહીં. જો ટોપ કે લોઅર લાઈટ કલરનાં હોય તો એને ડાઈ કરાવી લો. તમે નીચેથી અથવા ઉપરથી અડધાં કપડાં ડાઈ કરાવી શકો. જો ડેનિમ શર્ટ, જીન્સ કે શોર્ટસ જેવા કપડાં ડાર્ક રંગનાં હોય તો એને ડાઈને બદલે બ્લીચ કરાવો.
• પ્રિન્ટઃ ટોપ, જીન્સ, શોર્ટ્સ, લેગિંગ્સને પણ સ્ટેનસિલ પ્રિન્ટથી નવો લુક આપી શકાય છે. સ્ટેનસિલ પ્રિન્ટ માટે તમને જોઈશે એક કાર્ડબોર્ડ શીટ, કાતર અને ફેબ્રિક કલર. શીટ પર તમારી પસંદની કોઇ પણ નાની ડિઝાઈન દોરી અને કાપી લો. હવે તમારું જીન્સ કે ટોપ એકદમ ફ્લેટ રાખી એના પર ડિઝાઈનવાળી શીટ મૂકી કાપેલા ભાગ પર કલર કરો. પછી ધીરેથી ઊંચકી લો. આવી રીતે આખા કપડાં પર થોડાં થોડાં અંતરે પ્રિન્ટ કરો. તમારું નવું પ્રિન્ટેડ જીન્સ તૈયાર.
• પેપલમ ટ્વિસ્ટઃ તમારા જૂના પેપલમ ટોપનો તમે બે રીતે ઉપયોગ કરી શકો. પેપલમ ટોપના પેપલમને કટ કરી પેન્સિલ સ્કર્ટ સાથે સીવી દો અને સરસ ટ્રેન્ડી પેન્સિલ સ્કર્ટ તૈયાર થઇ જશે. અથવા તો તમારા કોઈ ડ્રેસની કમર (વેસ્ટ લાઈન) પર આ પેપલમ સીવી દો.
• બીડ્સઃ ટોપ સ્વેટર્સ, જીન્સના કફ, શર્ટના કોલર પર તમે ફેબ્રિક ગ્લુથી રંગબેરંગી બીડ્સ, સ્ટોન્સ કે આભલા ચોંટાડીને ફેન્સી અને નવો લૂક આપી શકો. તમે ઇચ્છો તો કોઈ સ્ટેટમેન્ટ નેકપીસ પણ ટોપ કે ડ્રેસની નેકલાઈન પર સ્ટીક કરી શકો.
• બોર્ડર કે લેસઃ તમને કોઈ ટોપ કે શોર્ટ્સ ગમી ગયા એટલે લઈ તો લીધા પરંતુ એકાદ-બે વખત પહેર્યા બાદ હવે તમે એ પહેરતાં નથી. તો આ ટ્રિક અજમાવી શકાય. કોઈ પણ જૂની સાડીની ફેન્સી બોર્ડર કે લેસ કાઢી લો. એને તમારી શોર્ટ્સની પહોળાઈ જેટલી એક લાંબી પટ્ટી કાપી લો. તે જો બરાબર સેટ થતી હોય તો આટલી જ લંબાઈની બીજી ઘણી પટ્ટીઓ કાપી લો. હવે ફેબ્રિક ગ્લુની મદદથી પટ્ટીઓને એક પછી એક ઓવરસ્લેપ કરતાં જાવ. તૈયાર છે તમારું નવી સ્ટાઇલિશ શોર્ટ્સ! આ જ રીતે ટોપની કિનાર પર તમે બે -ત્રણ લેયર કરી શકો. આ ટિપ તમે કોઈ ટૂંકા ટોપની લંબાઈ વધારવા કે પ્લેન ટોપને ફેન્સી બનાવવા પણ અજમાવી શકો. આઉટફિટ તથા બોર્ડર / લેસનો કલર એકબીજાને મેચ થતો હોય એ ધ્યાન રાખો.
• ક્રોપ ટોપ વતા સ્કર્ટઃ આને માટે તમે કોઈ પણ ટોપ (હોઝિયરી જેવા ટી શર્ટ વગેરે ન હોય તો વધુ સારું) લઈ શકો છો. ક્રોપ ટોપ સાથે એ બનાવવું બહું આસાન છે. આ ઉપરાંત તમને જોઈશે એક ફ્લોઈ લોન્ગ સ્કર્ટ. સૌથી પહેલાં સ્કર્ટને ટેબલ કે જમીન પર સપાટ પાથરી એનો વેઇસ્ટબેન્ડ કાપી લો. ત્યાર બાદ તમારા ક્રોપ ટોપની હેમ (નીચેની બોર્ડર) સાથે સ્કર્ટના વેઇસ્ટબેન્ડ વાળા ભાગને પીન કરી દો. જો સ્કર્ટને વેઇસ્ટબેન્ડ વાળો ભાગ ટોપની બોર્ડર કરતાં વધારે હોય તો એમાં થોડી પ્લીટ્સ વાળો અથવા તો વધારાના ભાગને કાપી નાખો અને સાઈડમાંથી સીવી દો. હવે પિન કરેલા ભાગને સિલાઈ કરી દો. તૈયાર છે તમારો ડ્રેસ.
બસ, આવા નવા નવા આઇડિયાઝ વિચારી તમારી ક્રિએટિવિટીથી ઘરે બેઠા નવા આઉટફિટ બનાવો.