સામાન્ય રીતે દરેક ઘરમાં ફાટેલાં અને જૂના કપડાં મળી જ રહેતાં હોય છે. આવા કપડાંના શ્રેષ્ઠ પાંચ ઉપયોગ તમે તમારા ફ્રી સમયમાં કરી શકો છો. અમુક સમય થાય એટલે જૂનાં કપડાંની ફેશન પણ જૂની થઈ જતી હોય છે. આપણે એવાં કપડાં બેગમાં પેક કરીને મૂકી દઇએ છીએ. આપણને તે પહેરવાં ગમતાં નથી. પરિણામે એવાં કપડાં સડી પણ જાય. આ એવાં કપડાં હોય કે તેનાં પર આપણે સારા એવા પૈસાનો ખર્ચ કર્યો હોય છે. સમય જતાં તે કપડાં જૂના થાય કે તેની ફેશન જાય તો આછા ગમતાં થઇ જતાં હોય છે, પણ હવે તમે તે જૂનાં કપડાંનો વિવિધ ઉપયોગ કરી શકો છો. જૂનાં કપડાંમાંથી તમે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી શકો છો. આમ કરવાથી જૂનાં કપડાંનો ઉપયોગ પણ કરી શકશો અને તમને સજાવટ માટે કે પછી કંઈક રાખવા માટેની વસ્તુ પણ મળી જશે. હવે જૂનાં કપડાંનો તમે શું ઉપયોગ કરી શકશો તેના ઉપર એક નજર કરીએ.
વિવિધ કવર
તમે જૂના કપડાંમાંથી પર્સ, મોબાઈલ કવર, થેલા, કુશન કવર, સોફા કવર કે રજાઈ બનાવી શકો છો. મોબાઈલ માટેના સુંદર પેચવર્કના કે ડિઝાઈનર કવરનો અત્યારે ટ્રેન્ડ છે. વળી, તેના માટે કંઈ વધારે કાપડનો ઉપયોગ પણ કરવો પડતો નથી. મોબાઈલ કવર બનાવો ત્યારે ખાસ ધ્યાનમાં રાખો કે કવર બનાવતી વખતે અસ્તરનો ઉપયોગ ખાસ કરવો. અસ્તર માટેનું લેયર પણ તમે મોબાઈલ કવર બનાવતા હોય એ કાપડમાંથી જ કરી શકાય. કુશન કવર્સમાં જૂના કપડાં, સાડી ડ્રેસનો ઉપયોગ કર્યો હોય તો એને વધુ સજાવવા માટે ઉપર પેચવર્ક, ભરત ગૂંથણ કરી શકાય. કોઈ પણ કવરમાં ફરતે સુંદર બોર્ડર કે પાઈપિન કરીને તેને ડેકોરેટિવ બનાવી શકો છો. ગ્રોસરની વસ્તુઓ લેવા માટે આજકાલ પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ ટાળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એમાં જૂના કપડાંમાંથી બનાવેલા ડેકોરેટિવ થેલા કે થેલી આ ચીજો લાવવા મજબૂત પણ રહેશે. કાપડમાંથી બનાવેલા પર્સની સારામાં સારી બાબત એ રહેશે કે તમે તે ધોઈ પણ શકો છો. રજાઇ બનાવવા માટે જૂનાં કપડાં કે