સામાન્ય રીતે યુવતીઓને નીતનવા ચંપલ પહેરવાનો શોખ હોય છે. શૂઝ, હાઈ હિલ, ફ્લિપ ફ્લોપ, સ્લીપર્સ, સ્પોર્ટ્સ શૂઝ મોજડી વગેરે વગેરે. પ્રસંગ પ્રમાણે તમને મનગમતા ચંપલ પહેરવા મળી રહે એ માટે જોકે તમે તમારા ચંપલ હવે પોતે જ સજાવી શકો છો. એ પણ ઘરમાં હાથવગી વસ્તુઓ હોય તેનાથી તમે ચંપલને નવું લૂક આપી શકો છો. ખાસ કરીને કોલેજ જતી યુવતીઓને રોજ મેચિંગ અને જુદાં જુદાં ફૂટવેર પહેરવાનો બહુ જ શોખ હોય છે. જોકે અનેકવાર વધુ ફુટવેર હોવાને કારણે યુવતીઓ પાસે દરેક પ્રકારના જૂતા પહેરવાનો સમય નથી રહેતો અને તે પડ્યા પડ્યા જૂના થઈ જાય છે. ત્યારે મોટાભાગની યુવતીઓ તેને ફેંકી દે છે. તમારે હવે આ ફૂટવેર ફેંકવાની જરૂર નથી. તમે ઓલ્ડ ફેશનના ચંપલને લેટેસ્ટ બનાવીને પહેરી શકો છો. પોતાની ક્રિએટિવિટીથી તેને નવી ડિઝાઈનમાં બદલી શકો છો. આ ક્રિએટિવિટી બહુ જ સરળ પણ છે.
ફ્લિપ ફ્લોપને સ્ટાઈલિશ બનાવો
ફ્લિપ ફ્લોપ અને સ્લીપર્સ પહેરવામાં બહુ જ આરામદાયક હોય છે જોકે જ્યારે કોઈ પાર્ટી કે પ્રસંગ હોય ત્યારે તમને એ પહેરવામાં સંકોચ થાય છે. તો એના માટે સીધો સાદો એક વિકલ્પ એ છે કે બજારમાંથી રિબનના જુદા જુદા કલરના ફૂલ લઈ આવો. એ ફૂલમાં સેફ્ટીપીન કે વેલક્રો લગાવી દો. જ્યારે તમારે જે રંગના કપડાં પહેરવાના હોય એ રંગનાં ફૂલને સ્લીપર્સ સાથે લગાવી દો. ચંપલને નવો લૂક પણ મળી જશે અને કોઈ પણ પ્રસંગે પહેરી પણ શકાશે. આ પ્રકારનાં ફૂલ તમે વેલવેટની બ્લેક, મરુન, બ્રાઉન મોજડીમાં પણ ગમે ત્યારે લગાવીને પહેરી શકો છો. વળી તમે જ્યારે ક્યાંય ફરવા માટે જાઓ ત્યારે પણ આ સ્લીપર્સ કેરી કરી શકો છો. આવું જ ગોલ્ડન કે સિલ્વર કલરના બ્રોચ સાથે પણ કરી શકો છો.
લોકો જ્યારે ફરવા માટે જાય ત્યારે સ્લિપર્સ ખાસ પહેરવાનું પસંદ કરે છે. તમારા ફ્લિપ ફ્લોપ જૂના થઈ ગયા હોય તો તેને નવા લૂક માટે કોઈ પણ રંગનું પ્રિન્ટેડ રિબન લો અને તેના સ્ટેપ પર ચોંટાડી દો. હવે તમે તેને આસાનીથી પહેરી શકશો. તમે તેની જગ્યાએ બો, પોમ-પોમ, ફ્લાવર ઉપરાંત ઘણુ બધું લગાવી શકો છો.
સ્નીકર્સની સાથે એક્સપરિમેન્ટ
સ્નીકર્સ સામાન્ય રીતે શૂઝ હોવાથી કોઈ તહેવાર કે પ્રસંગે પહેરી શકાતા નથી. ઇન્ડિયન આઉટફિટ સાથે તો સ્નીકર્સ પહેરી જ શકાય નહીં, પણ તમારા જૂના થઈ ગયેલા સ્નીકર્સને તમે એવી રીતે સજાવી શકો કે તે કોઈ પણ આઉટફિટ સાથે સહેલાઈથી કેરી કરી શકાય અને તે જચે ફણ ખરા. ગ્લિટર, સ્ટોન અને ગ્લુની મદદથી સ્નીકર્સને નવા બનાવી શકાય છે. સ્નીકર્સની દોરી ગોલ્ડન કે સિલ્વર યુઝ કરી શકાય અને કંગબેરંગી ચમકદાર ગ્લિટર ગ્લુ લઈ લો. શૂઝ પર ગ્લિટર ગ્લુ લગાવી લો. સ્નીકર્સના આગળના ભાગને રિબન કે સિલ્ક ફ્લાવરથી સજાવો. ચમકદાર સ્નીકર્સ પહેરવા માટે તૈયાર છે. જો જીન્સમાંથી કેન્વાસમાંથી સ્નીકર્સ બનેલા હોય તો તેની પર મેચિંગ જીન્સ કે કેનવાસના કાપડની ડિઝાઈન તૈયાર કરી શકો છો.
બોરિંગ હાઈ હિલને શાઈની બનાવો
તમારી હાઈ હિલનો કલર ઝાંખો થઈ ગયો હોય ઘર પર જ આસાનીથી બોરિંગ પમ્પ હિલને ફેન્સી બનાવી શકો છો. તમે ફૂટવેરની સાઈડને છોડીને માત્ર હીલ કે પછી સેન્ડલના નીચલા હિસ્સે ગ્લિટર કે સ્ટોન લગાવીને તેને ચમકદાર બનાવી શકો છો.