નવી દિલ્હીઃ ભારતની પ્રતિષ્ઠિત જેએનયુ (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી)ના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તરીકે પ્રો. શાંતિશ્રી ધુલિપુડી પંડિતની નિમણૂક કરાઈ છે. શાંતિશ્રી પંડિત સાવિત્રીબાઇ ફૂલે પૂણે યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ પોલિટિક્સ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પ્રોફેસર તરીકે કાર્યભાર સંભાળતા હતાં. હવે તેઓ વાઇસ ચાન્સેલર પ્રોફેસર જગદીશ કુમારના અનુગામી બનશે. પ્રો. શાંતિશ્રીનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે. જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા શાંતિશ્રીએ ૧૯૮૬માં અહીંથી જ એમ.ફિલ. અને ૧૯૯૦માં પીએચડી કર્યું હતું. રશિયાના સેંટ પીટસબર્ગમાં જન્મેલા પ્રો. શાંતિશ્રીના પિતા રિટાયર્ડ સિવિલ સર્વન્ટ, લેખક અને પત્રકાર હતા, જ્યારે માતા તમિલ અને તેલુગુ ભાષા વિભાગમાં પ્રોફેસર તરીકે કાર્યરત હતા. હિસ્ટ્રી એન્ડ સોશિયલ સાઇકોલોજી વિષય સાથે પ્રેસિડેન્સી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરનાર પ્રો. પંડિત ગોલ્ડ મેડલિસ્ટ છે. તેમણે પોલિટિકલ સાઇન્સમાં એમએ જ્યારે ઇન્ટરનેશનલ રિલેશન્સમાં એમ.ફિલ. કર્યું છે. જેએનયુમાં એમ.ફિલ. કરનાર પ્રો. પંડિત યુનિવર્સિટી ટોપર રહ્યા છે.