એરિઝોના (યુએસ): કેન્સરના કારણે પગ ગુમાવનાર 46 વર્ષીય મહિલા જેકી હન્ટ-બ્રોએરસ્માએ 104 દિવસમાં 104 મેરેથોન દોડ પૂર્ણ કરીને વિશ્વવિક્રમ સર્જ્યો છે. જેકીએ 101 મેરેથોન દોડનો બિનસત્તાવાર રેકોર્ડ તોડ્યો છે. અને હવે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ દ્વારા જેકીના રેકોર્ડને પ્રમાણિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ દક્ષિણ આફ્રિકાની જેકી હન્ટ-બ્રોએરસ્માએ અનોખી સિદ્ધિ હાંસલ કરવા જાન્યુઆરીમાં દોડ શરૂઆત કરી હતી અને શનિવાર - 30 એપ્રિલે તેણે વિક્રમ સર્જ્યો હતો. એવિંગ સારકોમા નામના દુર્લભ પ્રકારના કેન્સરના કારણે 2001માં ડાબો પગ કપાવી નંખાવવો પડ્યો તે પછી જેકીએ દોડવાની શરૂઆત કરી હતી અને તે કાર્બન ફાઈબરના પ્રોસ્થેટિક (કૃત્રિમ પગ) સાથે દોડ લગાવે છે.
એરિઝોનાના ફિનિક્સમાં તેના ઘર નજીક 104મી મેરેથોન પૂર્ણ કર્યાં પછી તેણે પોતાના 17,000થી વધુ ફોલોઅર્સને ટ્વિટ કરી કહ્યું હતું કે ‘કેવી આ યાત્રા છે!’ જેકીએ જણાવ્યું હતું કે શારીરિક રીતે સક્ષમ અમેરિકન દોડવીર એલીસ્સા એમોસ ક્લાર્કનો 95 મેરેથોન દોડનો રેકોર્ડ તોડવાની તેને પ્રેરણા મળી હતી કે તે પોતે પણ આવી સિદ્ધિ હાંસલ કરવા સક્ષમ છે કે નહીં.
જેકીએ નેશનલ પબ્લિક રેડિયોને જણાવ્યું હતું કે, ‘મેં તેને નિહાળી અને મને થયું કે તે કરી શકે છે, તે શારીરિક રીતે સક્ષમ છે. હું પ્રોસ્થેટિક સાથે આ કરી શકું કે કેમ તે મારે જોવું જોઈશે. આ રસપ્રદ યાત્રા હતી કારણ કે હું મારી મર્યાદાઓ તોડવા માગતી હતી... હું ક્યાં સુધી તે કરી શકું છું અને કૃત્રિમ પગ ખરેખર તેટલું લાંબું ખેંચી શકશે કે કેમ તે જોવાનું હતું.’
જેકીએ ઉમેર્યું હતું કે, ‘તમારી તમામ મર્યાદાઓને તોડી આગળ વધવા અન્યોને પ્રેરણા આપવાનું કાર્ય શ્રેષ્ઠ છે કારણ કે હું ખરેખર માનું છું કે આપણે માનીએ છીએ તેના કરતાં પણ આપણે વધુ મજબૂત હોઈએ છીએ. મારાં શરીરે ઝીંક ઝીલી તેનાથી મને સાનંદાશ્ચર્ય છે.’
જેકીએ તેના ઘર નજીકનાં લૂપ - loop અથવા ટ્રેડમિલ પર આ અંતર પૂર્ણ કાપ્યું હતું. તેણે પગ ગુમાવનાર લોકોને દોડવાના પ્રોસ્થેટિક્સ ખરીદવામાં મદદ માટે 67 હજાર ડોલરથી વધુ રકમનો ફાળો એકત્ર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પ્રોસ્થેટિક્સની કિંમત10 હજાર ડોલરથી વધુ હોય છે અને મોટા ભાગે મેડિકલ ઈન્સ્યુરન્સ પોલિસી આ ખર્ચ આવરી લેતી ન હોવાથી વ્યક્તિએ જાતે જ તોતિંગ ખર્ચ ઉઠાવવો પડે છે.
જેકીએ ક્લાર્કનો વિક્રમ તોડ્યો તે અગાઉ100 દિવસમાં 100 મેરેથોન દોડવાનું આયોજન કર્યું હતું પરંતુ, ડર્બીશાયરના હાર્ટિંગ્ટનના શારીરિક સક્ષમ દોડવીર કેટ જેડેને બિનસત્તાવાર રીતે 101 મેરેથોન દોડીને ક્લાર્કનો વિક્રમ તોડી નાખ્યો હતો. જેકી હવે ઓક્ટોબરમાં 240 માઈલની અલ્ટ્રા-મેરેથોન માટે તાલીમ લેતાં પહેલાં થોડાં સપ્તાહનો આરામ લેશે અને ફરી નવી સિદ્ધિ હાંસલ કરવાના કાર્યમાં લાગી જશે.