સ્ત્રીના સૌંદર્યને ચાર ચાંદ લગાવે છે આભૂષણ, પછી તે સોનાનું હોય, પ્લેટીનમનું હોય, ચાંદીનું હોય કે અન્ય કોઇ પણ ધાતુનું. આભૂષણ વગર તો સ્ત્રીની કલ્પના પણ ન થઈ શકે. દરેક સ્ત્રીને જાતજાતના દાગીના પહેરવાનો શોખ હોય છે, અને આથી જ તેના સાજશણગારના સંગ્રહનું અનેકવિધ વેરાયટી જોવા મળશે. તમારી પાસે પણ અનેક પ્રકારના દાગીના હશે જ, પરંતુ તમે જ્વેલરી ખરીદતી વખતે કઇ બાબતને ધ્યાનમાં રાખો છો? તમને કોઇ જ્વેલરી ગમે એટલે ખરીદી લો છો? કે પછી તમારા બજેટને અનુરૂપ હોય એટલે તે ખરીદી લો છો? જો આવા પ્રશ્નોના જવાબ ‘હા’માં હોય તો સમજી લો કે દરેક સ્ત્રી પર દરેક પ્રકારની જ્વેલરી સુંદર જ લાગે એ જરૂરી નથી. દરેક ચહેરો સ્પેશ્યલ હોય છે એટલે દરેક ચહેરા પર એકસરખી જ્વેલરી ચાલે જ નહીં. ટ્રેન્ડને અનુસરવું સારી વાત છે, પરંતુ એ ટ્રેન્ડ તમારા શરીર, ચહેરા અને લાઇફસ્ટાઇલને સૂટ કરે છે કે નહિ એ જોવું પણ એટલું જ મહત્ત્વનું છે.
તમારા સૌંદર્યને નિખારવામાં વસ્ત્રો, મેકઅપ, જ્વેલરી મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્વેલરી પર બધાંનું ધ્યાન તરત જ જાય છે. જો તમે જ્વેલરીની પસંદગી બરાબર નહીં કરી હોય તો તમારા સુંદર ડ્રેસ, મેકઅપની કોઈ કિંમત રહેતી નથી. તમારા ચહેરા પર કઇ જ્વેલરી સારી લાગશે? ચહેરાના આકાર અનુસાર જ્વેલરી કઈ રીતે પસંદ કરવી તે જાણો.
• ઓવલ શેપ
જો તમારો ચહેરો ઓવલ શેપનો હોય તો તમે બહુ લકી છો. ઓવલ ચહેરો બહુ લાંબો પણ નથી હોતો કે બહુ પહોળો પણ નહીં. તમે કોઈ પણ શેપ અને સ્ટાઇલનાં ઇયરીંગ્સ પહેરી શકો છો. તમે શોર્ટ કે લોન્ગ - બન્ને નેકલેસ પહેરી શકો. જોકે તમારી ગરદન લાંબી હોય તો શોર્ટ નેકલેસ જ પહેરો. એકદમ સરસ લાગશે.
ટીપઃ તમારે જ્વેલરીની ડિઝાઇન પસંદ કરતી વખતે બહુ ઝાઝું વિચારવાની જરૂર નથી કેમ કે તમને દરેક પ્રકારની જ્વેલરી સરસ લાગશે.
• રાઉન્ડ શેપ
જો ચહેરાની લંબાઈ એની પહોળાઇ જેટલી જ હોય તો તમારો ચહેરો ગોળ છે. ગોળ ચહેરાવાળી મહિલાને લાંબા અને લટકતાં ઇયરીંગ્સ સારા લાગે છે. ચોરસ અને લંબચોરસ શેપના ઇયરીંગ્સ પણ ચહેરાની ગોળાઇ ઓછી દર્શાવે છે. ગોળ ચહેરાવાળાએ ગોળ ઇયરીંગ પહેરવા જોઈએ નહિ કારણ કે એ ચહેરાને વધારે ગોળ દર્શાવે છે. ચોકર્સ અને શોર્ટ નેકલેસ તેમ જ મોટા સ્ટોન્સ તથા મોતી પહેરવાનું ટાળો. એ ગરદનને જાડી દર્શાવશે.
ટીપઃ તમારે ટોપ્સ કે બહુ નાના ઇયરીંગ્સ પહેરવા જોઈએ નહિ. તમારા ચહેરા પર હેન્ગીંગ ઇયરીંગ્સ વધારે સૂટ થશે.
• લોન્ગ શેપ
જો તમારા ચહેરાની લંબાઈ તેની પહોળાઈ કરતાં વધારે હોય તો તમારો ચહેરો લોન્ગ શેપ કહેવાય. લાંબા ચહેરાવાળી સ્ત્રીઓ પર ટોપ્સ અને પહોળા નેકપીસ વધારે શોભે છે. આવી જ્વેલરી પહેરવાથી એમનો ચહેરો ઓછો લાંબો લાગે છે તમે ગોળાકાર કે ત્રિકોણ ઇયરીંગ્સ પણ પસંદ કરી શકો. જો તમારી ગરદન લાંબી હોય તો ચોકર તમારે માટે પરફેક્ટ છે.
ટીપઃ લાંબા ઇયરીંગ્સ કે લાંબા નેકપીસ પહેરવાથી ચહેરો વધારે લાંબો લાગશે એટલે એ પહેરવાનું ટાળો.
• ચોરસ ચહેરો
તમારા ગાલ અને કપાળની પહોળાઈ સરખી હોય તો તે થયો ચોરસ ચહેરો. તમારો ચહેરો પહોળા કરતાં લાંબો વધારે દેખાશે. કર્વ્ડ ડ્રોપથી ડેન્ગલીંગ - બધી જ ઇયરીંગ તમને શોભશે. તમારે ચોરસ અને લંબચોરસ શેપ પહેરવાનું ટાળવું જોઈએ. હુપ્સ, લોન્ગ ટીઅરડ્રોપ્સ અથવા મલ્ટી લેયર્ડ ડેન્ગલર્સથી ચહેરાને ગોળાઇ આપવાની કોશિશ કરો. ચોરસ ચહેરા પર લાંબી જ્વેલરી સારી લાગે છે. જેમ કે, હેંગીંગ ઇયરીંગ્સ, લાંબી ચેઇન વગેરેથી ચહેરાની પહોળાઇ ઓછી લાગે છે.
ટીપઃ આવા ચહેરા પર પહોળા નેકપીસ, ગોળ ઝુમખાં, ટોપ્સ વગેરે સારાં લાગતાં નથી એટલે આવી મહિલાઓએ ગોળ તથા ચોરસ જ્વેલરી પહેરવાનું ટાળવું જોઇએ.
• હાર્ટ શેપ
જો તમારી હડપચી નાની હોય, કપાળ પહોળું અને ચીકબોન્સ પ્રોમિનન્ટ હોય તો તમારો ચહેરો હાર્ટ શેપનો છે. તમારા ચહેરા પર ટીઅરડ્રોપ, શેન્ડેલિયર, સરક્યુલર અને ટ્રાયન્ગલ ઇયરીંગ્સ શોભશે. એ તમારી હડપચીને હાઇલાઇટ કરશે. તમને પિરામિડ સ્ટાઇલના ઇયરીંગ્સ વધુ સારાં લાગશે.
ટીપઃ ગળામાં ટૂંકી ચેઇન પહેરો. ચોકર કે બે-ત્રણ સેરના નેકલેસ પણ તમને શોભશે.
સોનેરી નિયમો
• જો તમે બહુ દુબળાંપાતળાં હો તો બહુ વધારે હેવી કે જડાઉ જ્વેલરી પહેરવાની ભૂલ કરશો નહિ.
• જો તમે સ્થૂળ હો તો બહુ નાની કે ગોળ આકારની જ્વેલરી પહેરવાનું ટાળો.
• જો તમારી ગરદન મોટી હોય તો ચોરસ કે બંધ ગળાવાળી જ્વેલરી પહેરો નહિ. આનાથી તમારી ગરદન વધારે જાડી દેખાશે.
• જો ગરદન લાંબી હોય તો બહુ લાંબા ઇયરીંગ્સ પહેરવાનું ટાળો.
• નાક વધારે પહોળું હોય તો પહોળી નોઝ રીંગ ન પહેરો.
સોનેરી આઇડિયા
• જો તમે ડીપ રાઉન્ડ નેકવાળું ટોપ પહેરતાં હો તો તેની સાથે મોટા પેન્ડન્ટવાળો નેકપીસ પહેરો.
• હોલ્ટર નેકવાળા ટોપ સાથે લોન્ગ હેંગીંગ ઇયરીંગ્સ પહેરો.
• પ્લેન ટોપ સાથે મલ્ટી કલરવાળા લાંબા ટ્રેન્ડી નેકપીસ પણ પહેરી શકાય.
• પ્લેન ટોપ સાથે મલ્ટી કલરવાળું ચન્કી બ્રેસલેટ પણ સારું લાગશે.
• પ્લેન શિફોન સાડી સાથે ચંકી બીડેડ, વુડન, ઓક્સિડાઇઝડ જ્વેલરી પહેરો... તમે સ્ટાઇલિશ દેખાશો.
• પોલો નેક કે ચાઇનીઝ કોલરવાળા ટોપ સાથે પાતળા ડ્રોપ ઇયરીંગ કે ટોપ્સ પહેરી શકાય.