કેન્સાસઃ અમેરિકાનાં આ 90 વર્ષીય વૃદ્ધાએ 74 વર્ષની કારકિર્દીમાં એક પણ રજા લીધી નથી. મેક્બા મેબેન નામનાં મહિલા ગયા મહિને ડિલાર્ડ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી નિવૃત્ત થયાં અને એક પણ દિવસ રજા પાડ્યાં વગર. બીમારીમાં પણ નહીં! 1949માં ટેક્સાસના ટાયલરમાં મેયર એન્ડ શ્મિટ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં તેમણે ‘એલિવેટર ગર્લ’ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. 1956માં ડિલાર્ડે આ સ્ટોરનું એક્વિઝિશન કર્યું હતું. ત્યારબાદ મેલ્બાને રેડીમેડ ગારમેન્ટ્સ અને કોસ્મેટોલોજી ડિપાર્ટમેન્ટની કામગીરી સોંપવામાં આવી હતી. ડિલાર્ડના સ્ટોર મેનેજર જેમ્સ સાએન્ઝ કહે છે કે, ‘મેક્બાએ સ્ટોરમાં કસ્ટમર સર્વીસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું છે. હું તેમને 65 વર્ષથી જાણું છું. તેમણે કેટલાં કર્મચારીઓને તાલીમ આપી તેનો તો કોઈ હિસાબ જ નથી. મેલ્લા માત્ર એક રિટેલર નહોતાં, તે માતા પણ હતા. બધાંનું માર્ગદર્શન કરતા હતા અને સહકર્મીઓને જીવન અંગે સલાહ પણ આપતા હતા.’
મેલ્બાએ જણાવ્યું કે, “મને સ્ટોરમાં દરેક વ્યક્તિ પસંદ હતી, મને દરરોજ કામ પર જવું ખૂબ ગમતું હતું. મને અહીં એ મહાન મહિલાઓ સાથે કામ કરવાની મજા આવી, જેમને ખાવું, હસવું અને બ્રેક અપ ગમે છે.” મેબેન સિંગલ મધર છે અને તેનો પુત્ર ટેરી હવે નાણાકીય સલાહકાર બની ગયો છે. આ સ્ટોર સાથે ટેરીની પણ અનેક યાદો સંકળાયેલી છે કારણ કે તેણે નાનપણથી માતાને સ્ટોરમાં જતી જોઇ છે અને ક્યારેક તેને પણ સાથે લઈ જતી હતી. ટેરીનાં કહેવા પ્રમાણે, ‘હું ઘણી વાર મારી માતા સાથે સ્ટોરમાં જતો હતો. એમ કહી શકાય કે હું ડિલાર્ડમાં જ મોટો થયો છું. સ્ટોર સવારે 10વાગ્યે ખૂલતો હતો, પણ પાર્કિંગ સ્લોટ મળે તે માટે 9થી 9-15 વચ્ચે જ પહોંચી જતી હતી. સ્ટોરમાં પહોંચનાર તે સર્વપ્રથમ કર્મચારી હોય અને પોતાનું કાઉન્ટર તૈયાર રાખે. લંચમાં પણ 30 મિનિટનો બ્રેક પાડે. તે સપ્તાહમાં 40 કલાક કામ કરતી હતી અને મોટો થયા પછી તો હું જ તેને મૂકવા અને લેવા જતો હતો.’
નિવૃત્તિ બાદ મેબેન હવે આરામ કરવા માંગે છે. ફરવા માગે છે. અને સારું ફૂડ ખાવા માગે છે. મેબેનની દાયકાઓની સેવા બદલ કંપનીએ પાર્ટી રાખી હતી અને સ્ટોરમાં સૌથી લાંબો સમય કામ કરતી કર્મચારી તરીકે ઉત્કૃષ્ટ કામગીરીનું પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું. મેલ્બા તેના સાથીદારો સાથેના સંબંધોને વાગોળે છે. તેણે સહકર્મીઓને જોબને કામ તરીકે જોવા અને પગાર તરીકે ન જોવાની સલાહ આપી હતી.