ગૌલી અથવા ગહુલી એ ચોખાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી રંગોળીની એક કળા છે. આ કલાકૃતિ સ્વસ્તિક, કલશ અને અન્ય ઘણા સ્વરૂપોની હોય છે. જૈન ધર્મ અનુસાર દરેક મહિલાઓ તથા પુરુષો ચોખા સાથે આવા ચિત્રો દોરે છે અને સ્વના સાચા પ્રતિબિંબને પ્રસ્તુત કરે છે. ભુજમાં રિદ્ધિ શાહ, અમીષા ગાંધી, પ્રતિમા શાહ, ચંદ્રિકા શાહ, વિલાસ શેઠ, નિશા શાહ એમ છ બહેનોની ટીમ છે, આધેડ વયની બધી બહેનોમાં રિદ્ધિ એ એક જ યુવાન દીકરી છે જે મુખ્ય ડિઝાઇનનું કામ કરે છે.
અત્યાર સુધીમાં આશરે ૩૦ ફૂટની વિશાળ ગહુલી બનાવીને કચ્છમાં રેકોર્ડ બનાવ્યો છે કે જેને બનાવતા બનાવતા આશરે ત્રણથી ચાર કલાકનો સમય નીકળી જતો હોય છે. દેરાસર, આરાધના ભવન, તપસ્વીઓના પૂજાના સ્થાનકે, લગ્નપ્રસંગે, વાસ્તુ પ્રસંગે કે પર્યુષણ ઉજવણી સંદર્ભે રાખેલી પૂજા વખતે તેઓ ગહુલી બનાવવા જાય છે એટલું જ નહીં, અનેક મહિલાઓને આ કળાની નિઃશુલ્ક તાલીમ પણ આપી છે. આ માટે અનેક વખત તેમને સન્માનવામાં આવ્યા છે.
આ બહેનો કહે છે કે ‘શુભ’ના ઉદ્દેશ્યને લઈને તૈયાર કરવામાં આવતી આ કળાના સહારે અમે જ્ઞાન, ભક્તિ અને ભાવના પ્રેરક પ્રસંગોને વ્યક્ત કરીએ છીએ. આ દરેક ભારતીય ધર્મોમાં ઉપયોગમાં લેવાતાં મહત્વનાં પ્રતીક તરીકે ઓળખાય છે. અમે જ્યાં પણ ગહુલી બનાવવા જઈએ છીએ ત્યાં ક્યારેય પણ એક પણ રૂપિયા ચાર્જ અમે નથી લેતાં, અને એ ચોખાને ‘પ્રસાદ ભોજન’ તરીકે વાપરવામાં આવે છે. ધર્મના આઠ શુભ પ્રતીકોમાં નંદવર્ત એક એવું છે કે જેની ગહુલી બનાવવી સૌથી અઘરી હોય છે, પણ અમે ટીમવર્ક સાથે કામ કરીને તેમાં પણ સફળતા મેળવી છે.
કળા સાથે સામાજિક મેસેજનો સમન્વય
બહેનોનું આ જૂથ કહે છે કે અમારો મુખ્ય હેતુ આની પાછળ એ છે કે અમે ધર્મ લોકકલ્યાણ હેતુ ધરાવીએ છીએ. કોરોના મહામારીના પગલે આપણે ઘણું ગુમાવ્યું છે અને શીખ મેળવી છે કે વિશ્વશાંતિ અને પરિવાર સુખની ભાવના સાથે જેટલું જીવન જીવી શકાય જીવી લેવું જોઈએ. આ જ કારણોસર જૈન બહેનોના જૂથે નક્કી કર્યું છે કે હવેથી તમામ શુભ પ્રસંગોમાં કોઈ સોશિયલ મેસેજ મળે એવી ગહુલિ બનાવીશું જેથી શ્રદ્ધા સ્થાનકે આવનાર દરેક દર્શનાભિલાષી આ કળાના માધ્યમથી કઈક સોશિયલ મેસેજ મેળવીને જાય.