‘અમારું કુટુંબ અત્યંત રૂઢિચુસ્ત હતું. કડક નિયંત્રણોવાળું. છોકરીઓને શાળાએ મોકલવાનો રિવાજ નહોતો. કન્યાને ભણાવવા પર પ્રતિબંધ હતો. એથી મને નિશાળે જવાનું નસીબ પ્રાપ્ત ન થયું. અમે કુલ આઠ ભાઈબહેન હતાં. અત્યંત સાધારણ જીવન હતું. ભાઈઓ તો અભ્યાસ કરતા, પણ અમારું તો બાર વર્ષની ઉંમરથી ઘરની બહાર નીકળવાનું બંધ થઈ ગયેલું....’
વીસમી સદીના આરંભે જન્મેલી કોઈ પણ સ્ત્રી માટે આ પ્રકારનો સામાજિક પરિવેશ નવી નવાઈનો નહોતો. સ્ત્રીનું આખુંય આયખું આવા પરિવેશમાં વીતી જાય. પણ આવા સામાજિક વાતાવરણની સીડી પર ચડીને એક સ્ત્રીએ ચીલો ચાતર્યો અને સાહિત્યમાં સર્વોચ્ચ ગણાતા જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરીને સિદ્ધિ હાંસલ કરી !
એમનું નામ આશાપૂર્ણા દેવી... બંગાળી ભાષાનાં ઉત્કૃષ્ટ સાહિત્યકાર. નવલિકા લેખિકા અને નવલકથાકાર તરીકે જાણીતાં. બાળસાહિત્ય, કિશોરસાહિત્ય, ટૂંકી વાર્તાના સંગ્રહો અને નવલકથાઓ સહિત બસ્સો કરતાં પણ વધુ કૃતિઓનાં રચનાકાર. સાહિત્યસર્જન બદલ કેટલાંયે પુરસ્કારોથી એમને નવાજવામાં આવ્યાં. ૧૯૫૪માં કોલકાતા વિશ્વવિદ્યાલય તરફથી લીલા પુરસ્કાર, ૧૯૬૪માં રવીન્દ્ર પુરસ્કાર, ૧૯૬૬માં ભુવનમોહિની દાસી સુવર્ણચંદ્રક, ૧૯૬૬માં પશ્ચિમ બંગાળ સરકારનો બૂંદ મેમોરિયલ પુરસ્કાર, ૧૯૭૬માં ભારત સરકાર તરફથી ચોથો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રી અને આ જ વર્ષમાં પ્રથમ પ્રતિશ્રુતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર, ૧૯૮૮માં બંગીય સાહિત્ય પરિષદનો હરનાથ ઘોષ પદક અને ૧૯૯૩માં કોલકાતા વિશ્વવિદ્યાલય તરફથી જગતરાની સુવર્ણચંદ્રક... આ બધાં સન્માનો પ્રતિષ્ઠિત હતાં, પણ સૌથી પ્રતિષ્ઠિત સન્માન એટલે જ્ઞાનપીઠ પુરસ્કાર. પુરસ્કારોના મુગટમાં જ્ઞાનપીઠે મોરપીંછ બનીને શોભા વધારી. જ્ઞાનપીઠનું મહત્વ એટલાં માટે પણ હતું કે, આશાપૂર્ણા દેવી આ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા હતાં !
આશાપૂર્ણા દેવી પશ્ચિમ બંગાળના કોલકાતામાં ૮ જાન્યુઆરી ૧૯૦૯ના અત્યંત રૂઢિચુસ્ત કુટુંબમાં જન્મેલાં. માતા સરોલા દેવી. પિતા હરેન્દ્રનાથ ગુપ્ત ચિત્રકાર હતા. માતાએ દીકરીનો પરિચય સાહિત્યસૃષ્ટિ સાથે કરાવ્યો. આશાપૂર્ણા દેવીના શબ્દોમાં કહીએ તો : ‘મારી માનો સાહિત્યપ્રેમ અદભુત હતો. માનું પુસ્તકવાંચન એટલે કુંભકર્ણની ભૂખ...’ માનો આ વાંચનશોખ આશાપૂર્ણામાં સાંગોપાંગ ઊતર્યો.
દરમિયાન, આશાપૂર્ણા દેવીનાં લગ્ન નક્કી થયાં.પતિ કાલિદાસ ગુપ્ત બેન્કના કર્મચારી હતા. વાંચનના શોખને પગલે વિચારવિશ્વ વિસ્તરતું રહ્યું. ઘરનું કામ આટોપીને આશાપૂર્ણા દેવી પોતાનો લેખન અને વાંચનનો શોખ પૂરો કરતાં. એમાં સારી પેઠે સફળતા પણ મળી. ઈચ્છાનુસાર પ્રવાસે જતાં રહેતાં. માતૃભાષા ઉપરાંત બંગાળી અનુવાદ પરથી વિદેશી સાહિત્યનો આસ્વાદ લઈ શકાયો. અનુવાદ હાથમાં આવતાંવેંત ધ્યાનથી વાંચી જતાં. વાંચતાં એમ થતું કે પરિવેશ, દેશકાળ, પાત્રો, વગેરે ભલે ભિન્ન હોય તોયે અંદરથી તો બધા માણસ સરખા છે. બહોળું વાંચન દિલોદિમાગમાં ઘૂંટાતું ને ઘોળાતું રહ્યું. જે જોયું, એ જોઈને મનમાં જે પ્રતિભાવ જાગ્યો, તે લખતાં રહ્યાં.
આશાપૂર્ણા દેવીએ લેખિકા જીવનનો આરંભ બાળ અને કિશોર સાહિત્યની રચનાથી કરેલો. ઉંમરલાયક વાચકો અને યુવાનો તથા તે પછીની પેઢીના વાચકો ૧૯૩૭માં લખેલી એમની પ્રથમ વાર્તા ‘પત્ની ઓ પ્રેયસી’ આનંદબજાર પત્રિકાના પૂજા અંકમાં પ્રકાશિત થયેલી. એમનો પ્રથમ વાર્તાસંગ્રહ જલ ઓ આગુન ૧૯૪૦માં પ્રગટ થયો. પહેલી નવલકથા પ્રેમ ઓ પ્રયોજન ૧૯૪૫માં પ્રગટ થઈ. ૧૩ જુલાઈ ૧૯૯૫ના એમનું અવસાન થયું ત્યાં સુધીમાં એમની એકસો એંસી નવલકથાઓ, હજાર ઉપરાંત વાર્તાઓ તથા સોળ બાળસાહિત્યની પુસ્તિકાઓ પ્રગટ થયેલી.
આશાપૂર્ણા દેવીની નવલકથાઓની વિશેષતા એ છે કે એમાં બધી સમસ્યાઓ તથા સંબંધો અથવા નાનાંમોટાં આંદોલનોને સડકો પર નહીં, પણ ઘરની ચાર દીવાલોની અંદર રાખીને એનો ઉકેલ દર્શાવાયો છે. એમની વાર્તાઓમાં પુરુષ પાત્રોની તુલનામાં સ્ત્રીઓને અધિક પ્રાધાન્ય અપાયું છે. આટઆટલી નવલિકાઓ અને નવલકથાઓ લખી હોવા છતાં, એમની પાત્રસૃષ્ટિ તથા કથાવસ્તુમાં પ્રચુર વૈવિધ્ય છે. એ સંદર્ભમાં આશાપૂર્ણા દેવીએ જ્ઞાનપીઠ પુરસ્કાર સ્વીકારતી વખતે કહેલું કે, ‘પ્રત્યેક પળે મને એવું લાગે છે કે હું નથી લખી રહી, જાણે કોઈ મારી પાસે લખાવી રહ્યું હોય. મને એવું લાગ્યા કરે છે કે સ્વયં સરસ્વતી
દેવી મારી પાસે લખાવે છે. હું સરસ્વતી માતાની સ્ટેનોગ્રાફર છું. એ જે લખાવે છે એ જ હું લખું છું !’