મહિલાઓ સામાન્ય રીતે ઘરેણાની ખરીદી એવી રીતે કરે છે કે તે યુનિક હોય અને લાંબા સમય સુધી ટકી પણ રહે. ખાસ કરીને હાથમાં પહેરવાની રિંગની ખરીદીમાં મહિલાઓ ખૂબ જ સાવધ રહે છે. યુવતીઓ અને મહિલાઓ એવી રિંગ પસંદ કરે છે કે તે આસાનીથી મનફાવે તે રીતે પહેરી શકે તેમજ તે ધ્યાનાકર્ષક પણ હોય. આ જ્વેલરીના ટ્રેન્ડમાં અત્યારે કોકટેલ રિંગ ખૂબ જ માનીતી છે. કોકટેલ રિંગ સામન્ય રીતે હેવિ જ હોય છે. સિમ્પલ અને નાજુક હોતી નથી. કોકટેલ રિંગ હાઇ એન્ડ હેવિ જ્વેલરીમાં જ સ્થાન પામે છે. કોકટેલ રિંગની ખાસિયત એ છે કે તમામ પ્રકારના કપડાં પર તે શોભી ઊઠે છે.
કોકટેલ રિંગમાં હીરા મોતી સ્ટોન
કોકટેલ રિંગમાં પણ સામાન્ય રિંગની જેમ જ જડાઉનું કામ થાય છે. સિમ્પલ રિંગમાં એકાદ બે હીરા, મોતી રે સ્ટોન હોય ત્યારે કોકટેલ રિંગમાં આ સંખ્યામાં વધારો જોવા મળે છે. કોકટેલ રિંગમાં મોટી સાઈઝના કે વધુ પ્રમાણમાં હીરા, મોતી, સ્ટોન, રૂબી કે જડતરકામ કરેલું હોવાથી તે કોઈ પણ ફંક્શનમાં દૂરથી જ બધાનું ધ્યાન ખેંચે છે. વળી તેની ડિઝાઇન મનમોહક હોય છે.
કોકટેલ રિંગ પહેર્યા પછી આંગળીઓની નજાકત અનેકગણી વધી ગઈ હોય તેમ લાગે છે. કોઈ એક જ આંગળીમાં પણ ફક્ત આ રિંગ પહેરી હશે તો પણ તે ફંક્શનમાં દેખાયા વગર રહેશે નહીં.
કોઈ પણ ધાતુનો ઉપયોગ
કોકટેલ રિંગ ઇમિટેશનથી માંડીને ગોલ્ડ, પ્લેટિનમ, સિલ્વર, પંચધાતુ, ઈમિટેશન વગેરે મટીરિયલમાં બની શકે છે. કોઈ પણ ધાતુમાંથી અલગ અલગ ડિઝાઇન્સથી કોકટેલ રિંગ પારંપરિક તહેવાર કે ફંક્શનમાં બેસ્ટ રહે જ છે, પણ પ્રોફેશનલ ઈવેન્ટ કે પાર્ટીમાં પણ તે પહેરીએ તો સારી લાગે છે. કેટલીક માનુનીઓ રોજિંદી જિંદગીમાં પણ આ કોકટેલ રિંગ પહેરવાની પસંદ કરે છે.
થિમ પર આધારિત રિંગ
કોકટેલ રિંગમાં આમ તો ઘણી ડિઝાઇન્સ બજારમાં ઉપલબ્ધ હોય છે, પરંતુ શોખ પ્રમાણે અને મરજી પ્રમાણે થિમ પર આધારિત કોકટેલ રિંગ પણ ખરીદી શકાય છે અથવા ઘડાવી શકાય છે. જેમકે ફૂલપત્તાં, પોલકા ડોટ્સ, પિકોક, મેંગોની ડિઝાઈનની કોકટેલ રિંગ સામાન્ય રીતે સ્ત્રીઓને આકર્ષે છે. કેટલીક માનુનીઓ કોઈ એક આખા પ્રસંગનું ચિત્ર પણ કોકટેલ રિંગમાં ઘડાવે છે. જેમ કે લગ્નના પ્રસંગને રિંગમાં અંકિત કરાયો હોય તેવી રિંગ એકદમ આકર્ષક લાગે છે. આ સિવાય ઐતિહાસિક જગ્યાનું ચિત્ર દર્શાવતી કોકટેલ રિંગ પણ હાલમાં ટ્રેન્ડમાં છે.