ઝાંઝર, પાયલ કે સાંકળા નામ કેટલાય પણ ઘરેણું એક જ. ત્યાં સુધી કે સાંકળા કે પાયલનાં દેશમાં પ્રાંત પ્રમાણે અલગ અલગ નામ સાંભળવામાં આવે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આને છડા, ઝાંઝર, પાયલ, સાંકળા વગેરે નામથી ઓળખવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં ઝુમર કે તોડા કહેવાય છે અને બિહારમાં પાયલ. ઓડિશામાં પાયરી, પોંડલ, પોંજલી, પાતી, પીંજલી અને ઘૂંઘર તો ઉત્તર પ્રદેશમાં પાયલ, છાગલ, પૈજની, લદી કે પાજેબ કહેવાય છે. જમ્મુ-કાશ્મીરમાં તોડા તો મહારાષ્ટ્રમાં સાંખલી અને ઘૂંઘર કહેવાય છે. મધ્ય પ્રદેશમાં તોરા અને પાયલ તો રાજસ્થાન, હિમાચલ પ્રદેશમાં તોડા અને પાજેબ કહેવાય છે. દક્ષિણ ભારતમાં મોટેભાગે કોલુસૂ જેવા નામે પાયલ પ્રચલિત છે. ભારતીય પરંપરા પ્રમાણેના સોળ શણગારમાં પાયલનો પણ સમાવેશ થયો છે. તો કહેવાય છે કે મધ્ય એશિયાના દેશોમાં પાયલનું વજન હંમેશાં બહુ વધુ રહેતું હતું. જેથી પ્રાચીન સમયમાં સ્ત્રીઓની ચાલ ધીમી રહે અને પાયલ ખણકે તો એનો અવાજ પણ આવતો રહે. ખ્રિસ્તી ધર્મગ્રંથ બાઈબલમાં ‘એંકલેટ’ (પાયલ) શબ્દ મળી આવે છે. દક્ષિણ અમેરિકાના પેરુમાં હાથથી બનાવેલી ચાંદીની ભારે પાયલોનું મહત્ત્વ હતું તેવું કહેવાય છે. પેરુની આ પારંપરિક પાયલમાં રંગબેરંગી પથ્થરનું કામ રહેતું. આખા વિશ્વમાં પેરુની પાયલનું અનેરું મહત્ત્વ અને ખાસ ઓળખાણ પણ જોવા મળે છે.
આમ તો ચાંદીમાં જ વિવિધ ડિઝાઈનની પાયલ ભારતમાં વધારે પ્રચલિત છે. પરંપરાગત પાયલમાં સોનાની પાયલ પહેરવાનો નિષેધ ગણાય છે, પણ હવે યુવતીઓ અને મહિલાઓ સોનાની પાયલ પણ પહેરતી થઈ છે. પાયલમાં મોતી, હીરા, નંગ, મીનાકારી, જડતર, બીટ્સ તેમજ એન્ટિક પથ્થરના જડતર પણ હવે જોવા મળે છે.
આજકાલ કોલેજગર્લ, પ્રોફેશનલ યુવતીઓ કે ગૃહિણીઓ રોજિંદી જિંદગીમાં પણ પાયલ પહેરવાનું પસંદ કરે છે. ત્યાં સુધી કે ભારતીય પોષાક પર જ નહીં વેસ્ટર્ન વેર સાથે પણ પાયલ પહેરવાનો ટ્રેન્ડ જાણીતો છે. પશ્ચિમી પોષાકની સાથે સિંગલ સેરની પાયલ શોભે પણ છે. કારણ કે પાયલ પારંપરિક રૂપ સિવાય અનેક ડિઝાઈનમાં જોવા મળે છે. કાચ અને પ્લાસ્ટિકની સાથે ચાંદીનાં સાંકળા, લાકડાના બિટ્સની પાયલ, પંચધાતુની પાયલ, જૂટની બનેલી પાયલ, હાથીદાંતની બનેલી પાયલ, ચામડાંની પાયલનો ક્રેઝ દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત એક જ પગમાં પાયલ પહેરવાનો પણ ટ્રેન્ડ હમણાં ચાલી રહ્યો છે. વેસ્ટર્ન વેરની સાથે જમણા પગમાં પાયલ પહેરવાનું ચલણ આજકાલ ખૂબ જ છે. કાળા મરૂન અને સફેદ મોતીની સાથે બનાવેલી પટ્ટી પાયલ તો યુવતીઓની માનીતી બની ગઈ છે.
નવવધૂ માટે આજકાલ માર્કેટમાં પાયલ માટેની વિવિધ ડિઝાઈન જોવા મળે છે. એક સેરની પાયલથી માંડીને ચાંદીની સેર ઝૂલવાળી પાયલ વધુ પ્રચલિત છે. પોંચા પાયલ પણ હાલમાં નવવધૂઓની પસંદ બની છે અને પગનાં પંજા સુડોળ અને પગના પંજાની આંગળીઓ લાંબી હોય તો તે ખૂબ જ સુંદર લાગે છે. આ ઉપરાંત જડતરની પાયલ ડિસન્ટ લૂક આપે છે તો જો બ્રાઈડના બધા ઘરેણા મોતીના કે ડાયમંડના હોય તો ચાંદીમાં મોતી કે ડાયમંડ જડીને બનાવેલી પાયલ વધુ શોભશે.
હવે ઇલાસ્ટિક વાયરથી મોતીની કે બીટ્સની પાયલ એટલે કે એંકલેટ બને છે જેમાં પાયલ બીડવા માટેનો આંકડો હોતો નથી તેથી આ પ્રકારની પાયલ રોજિંદી જિંદગીમાં પહેરવી સહેલી પણ રહે છે અને તેની કિંમત વધુ ન હોવાથી તે કોઈ પણ યુવતી કે મહિલા આસાનીથી ખરીદ કરી શકે છે.