ઝિમ્બાબ્વેમાં ગરીબીને લીધે મોટાભાગની છોકરીઓનાં લગ્ન ૧૦ વર્ષની ઉંમરે થઈ જાય છે. જબરદસ્તી બાળવિવાહમાંથી બાળાઓને મુક્ત રાખવા એક છોકરી બાળાઓને માર્શલ આર્ટ શીખવે છે. તાઈક્વોન્ડો એક કોરિયન માર્શલ આર્ટ છે. સ્પોર્ટની મદદથી આ ૧૭ વર્ષીય કિશોરી છોકરીઓને નવી દિશા આપી રહી છે. ૧૭ વર્ષની આ છોકરીનું નામ નટસિરેશ મેરિસા છે. ૫ વર્ષની ઉંમરથી મેરિસા માર્શલ આર્ટ શીખી રહી છે. તે માત્ર છોકરીઓ જ નહીં પણ તેમની માતાને પણ શીખવાડે છે. બાળ વિવાહ વિરુદ્ધ લોકોને જાગૃત પણ કરી રહી છે.
મેરિસા કહે છે કે, ઝિમ્બાબ્વેમાં માર્શલ આર્ટ શીખનારી મહિલાઓ અને છોકરીઓ ઘણી ઓછી છે. હું દરેકને આ શીખવાડવા માગું છું. મેરિસા તેના ક્લાસમાં આવતા લોકોને સ્ટ્રેચિંગ, કિકિંગ અને પંચિંગ શીખવાડે છે. ક્લાસ પૂરા થઇ ગયા પછી બાળવિવાહના નુકસાન વિશે પણ લોકોને કહે છે. જે છોકરીઓના લગ્ન થઇ ગયા છે તેઓ તેમના સંતાન લઈને આ માર્શલ આર્ટ શીખવા આવે છે.
ઉદાહરણથી સમજાવટ
ક્લાસમાં આવતી છોકરીઓ લગ્ન પછી થતા શોષણની ઘટનાઓની વાત કહે છે. આ છોકરીઓનું માનસિક અને શારીરિક રીતે શોષણ થાય છે. ઘણીવાર તેઓ રેપનો શિકાર બને છે તો ક્યારેક ગર્ભાવસ્થા દરમિયાન પણ સ્વાસ્થ્ય સંબંધી તકલીફોનો સામનો કરવો પડે છે. આ છોકરીઓનાં ઉદાહરણથી મેરિસા અન્ય છોકરીઓને બાળવિવાહની મુશ્કેલીઓ સમજાવે છે.
ઘણી છોકરીઓ એવી છે જેઓ લગ્ન પછી ભૂખમરાનો સામનો કરે છે. મેરિસા આ તમામ છોકરીઓની મદદ કરે છે. મેરિસાના માતા - પિતાને તેમની દીકરીના આ સદકાર્ય અને સેવાભાવના પર ખૂબ ગર્વ છે.